અપાર નથી
Jan 30th 2008rasikmeghaniનવી ગઝલો
વ્યથા વિયોગની જોકે હવે અપાર નથી
છતાંય શાને હૃદયમાં હજી કરાર નથી
અનંત વાટમાં તૃપ્તિ તરસ્તો રહયો છું
પરંતુ જિંદગી લાગી હજી અસાર નથી
સમગ્ર જિંદગી પ્રગટેલી એક આશ રહી
પ્રતિક્ષા એની કરી કે, જે આવનાર નથી
વમળમાં ડૂબી ઊભરવું ઉમંગ હૈયાથી
છે વાત રોજની દિ એકનો ચિતાર નથી
ફફડતા હોંઠને વાચા નહીં મળી તો શું
કહે છે કોણ તમારાથી અમને પ્યાર નથી
જનમથી એષણા મૃગજળની વચ્ચે અટવાઈ
યુગાની પ્યાસ છે તૃપ્તિ કદી થનાર નથી
‘રસિક’ વ્યથામાં વીતાવી છે રાત જાગીને
પરોઢ પાસ છે પો ફૂટવાની વાર નથી