Archive for January, 2008

પુષ્પ કોમળ હતાં

ધોમ  તડકો  હતો, ભોમ ધગતી  હતી, 
            ને  કળી, પાંદડાં, પુષ્પ  કોમળ  હતાં
લૂ  વરસતી  હતી, આગ  ઝરતી  હતી, 
            ને  કળી, પાંદડાં, પુષ્પ  કોમળ  હતા

સૂકા   પત્તાને  ખેરવતી   ડાળી  છતા, 
            અંગ  પર  ઘાવ  કંટકના  કારી   છતાં
આશ   ટમટમતા  તારે  ધબકતી  હતી, 
            ને  કળી, પાંદડાં, પુષ્પ  કોમળ  હતાં

જખ્મી કાયા હતી, જખ્મી છાયા હતી,
            જખ્મી ઉપવન હતું,  જખ્મી જીવન હતું
આગ,  પથ્થરની  વર્ષા   વરસતી  હતી, 
            ને  કળી, પાંદડાં, પુષ્પ  કોમળ  હતાં

કયાંક  તડકો  હતો, કયાંક છાયા  હતી,   
            કયાંક નફરત હતી, કયાંક  માયા હતી
એવું   આકાશને   એવી  ધરતી   હતી, 
            ને  કળી, પાંદડાં, પુષ્પ  કોમળ  હતાં

ભીની  ભીની  સુગંધિત  હવાઓ  હતી, 
            સપ્ત  રંગોથી  રમતી  ફિઝાઓ  હતી
ધરતી    લીલોતરીથી    ચમકતી   હતી,  
            ને  કળી, પાંદડાં, પુષ્પ  કોમળ  હતાં

એજ માળી  હતો, એજ  ડાળી  હતી,
            એજ ઉપવન ‘રસિક’ એજ  કયારી  હતી
નીર     ધરતી   પરંતુ     તરસતી    હતી, 
            ને  કળી, પાંદડાં, પુષ્પ  કોમળ  હતાં

1 Comment »

એ બધાની વાત

ચાલો  મળી   કરીએં  ફરી  એ   બધાની વાત
ટપકાવી   અશ્રુને  પછી  ભૂલી  ગયાની  વાત

જેઓ   સમયના  વહેણમાં  ભૂલા  પડી  ગયા
એવા  સગા વહાલા  ને  પ્યારા  સખાની વાત

મન  સાંભળી  જે  નામથી  પુલકિત  બની ઊઠે
એ  છાના  છાના  પ્રેમ  સભર એકલાની વાત

થઈ  પારકાં  જે  આજ   વિખૂટા   પડી   ગયા
કયારેક   આપણા  હતા  એ  આપણાની વાત

મન  ધીમી   ધીમી  ગૂફતગૂમાં    રાચતું  રહે
એ  મીઠા  મીઠા  સોણલામાં  જાગવાની  વાત

એ    જૂઈની    સુગંધ    અને   યાદની   મહેક
એ   મોગરો,   ચમેલીે   અને   કેવડાની  વાત

એના   હજીય   દિલ   ઘણાં   સંભારણા   કરે
નખશીખ  મજાના જે હતા જેની  મજાની વાત

ચહેરા   સમયની   ધૂળથી  ભીંજાઈને  ‘રસિક’
ટિંગાયા રિકત ભીંત  ઉપર  એ  બધાની  વાત

1 Comment »

સમાયો છું

તારી   ચાહતમાં   જો   સમાયો  છું
ખુદના    માટે   થયો    પરાયો   છું

રાત  લાંબી  છે  ને  તિમિરમય  છે
ઝબકી   ઝબકી   હું  ઓલવાયો  છું

સાથ  તારો  ને  મારો    એમજ  છે
જિંદગીભર   તારો   પડછાયો   છું

મારી   આંખો  ને   સ્વપ્ન  એનું  છે
રાત   એ    રીતથી    જગાયો   છું

મારા  પોતાના  ચહેરા   જોઈ  બધે
ઘાવ     પામીને     મુસ્કુરાયો    છું

જિંદગી   એમ   આખી   વીતી  છે
ચહેરા   જોઈને    ભોળવાયો    છું

પ્રેમ દીપક જલાવી ચાલ્યો ‘રસિક’
સૌના  દિલમાં  પછી  સમાયો   છું

No Comments »

માટીની ખુશ્બૂ ગમે છે(વિલેનલ-૦૧)

વિલેનલ – ૦૧

ગલી, આંગણું, ઘર મને  સાંભરે  એ
હજી  યાદ  આવે  છે  રમતી હવાઓ
મને  મારી  માટીની  ખુશ્બૂ  ગમે  છે

સતત  યાદના  વનમાં ચહેરા  રમે તે
કરૂં  કોઈ  યાદે  જરા  ભીની   પલકો
ગલી, આંગણું, ઘર  મને  સાંભરે એ

દિશાઓમાં ડમરી  હજી પણ ભમે  તે
હજી  ધૂળના   ગોટે   ચહેરા  સજાવો
મને  મારી  માટીની  ખુશ્બૂ  ગમે  છે

બધા  પ્રેમ  પગલાં  જે  વાટે  વળે  તે
કે  જ્યાંથી મેં પીધો  સદા પ્રેમ પ્યાલો
ગલી, આંગણું, ઘર  મને સાંભરે  એ

પશુ ધણના રજકણથી ઉડતી દિશાએ
સજાવે   છે  પક્ષીથી  ગાતી  ફિઝાંઓ
મને  મારી  માટીની  ખુશ્બૂ  ગમે  છે

વતનની કણેકણ હવાઓ, દિશાઓ
વતનની પળેપળ છે મોંઘી મતાઓ
ગલી, આંગણું, ઘર મને સાંભરે એ
મને  મારી  માટીની  ખુશ્બૂ ગમે છે

No Comments »

તો અમે યાદ આવશું

ફોરમ  પ્રસારશો  તો    અમે  યાદ   આવશું
રંગો   સજાવશો  તો   અમે   યાદ   આવશું

ટાખળ  કરી   અને  કદી  તમ  રૂપ   ઘેલાને
પાગલ બનાવશો   તો  અમે   યાદ  આવશું

ઝાંકી  અતીતમાં  કદી  જોવાનું  થાશે   મન
પાંપણ  પલાળશો  તો  અમે   યાદ  આવશું

વર્ષોથી  જૂની   યાદના  જાળા  અને  પડળ
જ્યારે  હટાવશો   તો  અમે   યાદ   આવશું

ચોગમ  દિશા  વિહોણા  મહારણમાં  એકલા
કોઈને  ગોતશો   તો   અમે   યાદ  આવશું

શીતળ   મધુર   વીરડે   ખોબો   ભરી  કદી
તૃપ્તિ  મિટાવશો  તો  અમે  યાદ   આવશું

મંઝિલ  વિહોણા  એકલા   છાયાને  ગોતતા
રસ્તામાં  થાકશો  તો   અમે  યાદ  આવશું

ભૂલો ‘રસિક’પડે નહિ એથી  તિમિરની રાત
દીપક પ્રજાળશો   તો   અમે   યાદ  આવશું

No Comments »

આઘા આઘા ઊભા છો

આજ મિલનની રાતમાં શાને આઘા આઘા  ઊભા  છો
દૂર ક્ષિતિજ કાં ચંદ્રના ચહેરે  આઘા  આઘા  ઊભા  છો

ડૂબતી નૌકા,બાથ વમળમાં,એમ અડીખમ  ઊભો  છું
કેમ છતાં યે  આજ  કિનારે  આઘા  આઘા  ઊભા  છો

દિલની દુનિયા વાટ જુએ છે, આમ ન શોભે તમને તે
ફૂલ  ખિલેલાં   હસતા  ચહેરે  આઘા  આઘા  ઊભા છો

પ્રેમનું  ભાથું  બાંધી  સાથે, તમને  મળવા  ચાલ્યો છું
રસ્તે   કાંટા  પથ્થર  છે  ને, આઘા  આઘા  ઊભા  છો

કાલ  સુધી  તે  આપણે  કેવા  હસતા ગાતા રમતા’તા
આજ  તે  મુજમાં એવું શું છે, આઘા  આઘા ઊભા છો

રાત  દિવસ  છો  મારા  દિલમાં, એને  જોઈ  જીવું છું
આજ  છતાં  કાં  લાગે  છે  કે, આઘા આઘા ઊભા છો

હું  તો  તમને  દિલમાં વસાવી  સાથ  તમારા ચાલું છું
તોય  તમે  કાં  મારા  વિચારે  આઘા  આઘા ઊભા છો

લાગણીવશ  જે  દિલ  છે  એનું, એ તો રડશે વર્તનથી
એક ‘રસિક’થી  આજ  તમે જે આઘા આઘા ઊભા છો

No Comments »

એક વેળા હતી

નોખ  નોખા  પથિક, પંથ  નોખા  હતાં,  એક  વેળા હતી
પ્રેમ   પૂર્વક  છતાં   કેવા  ભેગા   હતાં,  એક  વેળા  હતી

પાનખર પણ હતી, કંટકો  પણ હતાં, ને  કળી  પણ  હતી
પ્રેમ  પુષ્પો  છતાં  ખિલ્યા  કરતા  હતાં, એક  વેળા  હતી

એક  જેવોજ   ચહેરો  બધાનો  હતો,  પ્રાણ  પ્યારો  હતો
સૌના  દરવાજે   દર્પણ  મઢેલા  હતાં,  એક   વેળા   હતી

સાથ  રમ્યા  હતાં,  સાથ  ભમ્યા હતાં, સાથ  જીવ્યા હતાં
ધૂપમાં   છાંયડો   સાથ   ઝંખ્યા  હતાં,  એક   વેળા  હતી

એક બીજાના દુઃખથી દઃખી થઈ જતાં, એનું  ઔષધ થતાં
જિંદગીના  જખમ  કેવા  સહેલા  હતાં,  એક  વેળા  હતી

છાંયડો  પણ  હતો, ધૂપ  બળતી  હતી, રાત  ઢળતી હતી
નોખી  મંઝિલ  છતાં  સાથ  ચાલ્યા  હતાં, એક વેળા હતી

આજ  એનાથી  દિલ  ઝગમગાવો  બધે,  ઘર સજાવો બધે
પ્રેમ જ્યોતિ ‘રસિક’ લઈ જે ચાલ્યા હતાં, એક વેળા હતી

No Comments »

સરસને હું

 છે   આસપાસના   લોકો   બધા   સરસને   હું
છતાં  કાં  એકલો  તડકે   મળ્યો   દિવસને   હું

ઉજાસ   જોઈને   ચાલ્યો  બધાની   સાથે  પણ
હવે   છે   એકલી   સૂની  સડક,  તમસને   હું

મેં  એ  નગરથી  મુહબ્બતની  આશ  રાખી છે
તમામ    લોક   અજાણ્યા   અરસપરસને   હું

સમસ્ત   જિંદગી   વીતી   છે   એમ  રસ્તામાં
અસીમ  રણમાં  વરસ્તી’તી  લૂ, તરસને   હું

બધુંજ ખોઊં   છતાં   કેમ   એને   ખોઈ   શકું
મતામાં   તારી   મળી   પ્રેમની   જણસને  હું

મેં   તારા   સંગમાં   હસતા  રહી  ગુજાર્યા  છે
હજી   એ  યાદ  કરૂં  છું   ગયા  દિવસને   હું

ઊઠાવી   સંગ  બધા  દ્રેષ  સાથે  ઊભા  હતા
જલાવી  પ્રેમના દીપક ‘રસિક’  વિવશને  હું

No Comments »

અજવાળામાં

જિંદગી   એમ   ગુજરતી   રહી  અજવાળામાં
લૂ  વરસ્તી’તી   રણે   પ્યાસ  ભર્યા   તડકામાં

એક  દર્પણ   હતું,  એને   ફરી   જોયા   કીધું
કેમ  જાણે   હતું   એવું   તે  શું   એ  ચહેરામાં

બંધ  આંખોના  પડળને  જરા   એ   તો  પુછો
કેવા  સપનાઓ    સજાવ્યા  છે  મેં  અંધારામાં

ચીસ એના પછી યુગ યુગ સુધી સુણસે દુનિયા
બંધ  હોંઠો  છતાં  દિલના  છે  જે  ધબકારામાં

હાથમાં   સંગ   હતાં,   પ્રેમનો  રસ્તો   રોકી
આમ  તો  મારા  હતાં  લોકો  બધા  જોવામાં

એક ઈચ્છા છે ‘રસિક’, એની દુઆ છે કેવળ
એને ‘ડેમી’ નદી  જોવી  છે જઈ ‘ટંકારા’માં

 

No Comments »

મારે આંગણે

જૂઈ   ચમેલી   શોભતા   છે   મારે   આંગણે
સગપણ  બધા  સુવાસના  છે  મારે   આંગણે

ક્યારેય   ધૂપ  ના   મળે  જીવનની  રેત  પર
એવા  સમયના  છાંયડા   છે   મારે   આંગણે

સ્વાગત  ન  કેમ  તારૂં  કરૂં  ભીના  ભાવથી
ખુલ્લા  હૃદયના બારણા    છે  મારે   આંગણે

શ્રાવણ  કે  માગસર  અને   ચૈતરની  ધૂપના
મોસમ   બધાય   પ્રેમના   છે  મારે   આંગણે

હસતા   રહી  ગુજરતી  રહે  આખી  જિંદગી
દુઃખ   દર્દ  જાણે  ફુલડા   છે   મારે   આંગણે

ઈચ્છામાં  તારા   પ્રેમની  કૂંપળ  મળી   હતી
ઊગેલ   એના   છોડવા    છે  મારે   આંગણે

ભીનાશ  લાગણી  ભરી  સ્પર્શી શકે ‘રસિક’
સગપણના   એ   ટેરવા    છે  મારે   આંગણે

No Comments »

« Prev - Next »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help