Archive for January, 2008

ને અમે યાદ આવશું

પુષ્પો    પરાગશે  ને   અમે  યાદ   આવશું
રંગો   નિખારશે  ને   અમે   યાદ   આવશું

કોઈ   મધુરી  યાદના   તું  મીઠા  ખ્વાબમાં
તોરણ   સજાવશે   ને  અમે   યાદ  આવશું

વીતી  જશે દિવસ બધા સૂરજની આસપાસ
સંઘ્યા  પછી   થશે  ને  અમે   યાદ  આવશું

કિલ્લોલ  કરતી  કોયલો  આંબાની  ડાળપર
ટૌંકાર    આપશે   ને  અમે   યાદ   આવશું

ભૂલેલ  યાદ ક્યાંક  સૌ સખીયોના   સંગમાં
કોઈ    સતાવશે   ને   અમે   યાદ   આવશું

પથરાળી  લાંબી વાટમાં  કાળી અમાસ રાત
તું   ડગલું   માંડશે  ને  અમે  યાદ   આવશું

ઘનઘોર કાળાં વાદળો ગાજ્યાં પછી ‘રસિક’
વરસાદ   આવશે   ને   અમે   યાદ  આવશું

No Comments »

વાલમ હવે તો આવ- ‘રસિક’ મેઘાણી

ટપકી  રહી  છે  વેદના, વાલમ  હવે  તો આવ
વરસે  નયનથી  વાદળા, વાલમ  હવે તો આવ

તું   આવશે  તો   આભલા  સૂરજ   બની  જશે
પગલા  થશે  પરોઢના, વાલમ  હવે  તો  આવ

બંને   મળીને    ઝીલશું   બળતા   બપોરે   ધૂપ
ચૈતર  સજાવે  ઝાંઝવા, વાલમ  હવે  તો  આવ

નફરત  કહીં  નહીં  મળે,  બસ પ્રેમને  હો પ્રેમ
એવી  પળોને  પામવા, વાલમ  હવે  તો આવ

દ્રષ્ટિ    સમેટી     ઉંબરે    ઊભો   છું   એકલો
સપના  સજાવી  પ્રેમના, વાલમ હવે તો આવ

તારા  વિયોગે   યાદમાં  વીતી  રહી  છે   રાત
ડૂબી  રહ્યા  છે  તારલા, વાલમ હવે  તો આવ

આકાશગંગા   ઝગમગે    રસ્તે   સદન   સુધી
ખુલ્લા છે દિલના બારણા,વાલમ હવે તો આવ
 રસિક’ મેઘાણી

No Comments »

તમે યાદ આવશો

મન  કાંઈ  ઝંખશે ને  તમે  યાદ આવશો
વ્યાકુળ  હૃદય થશે ને  તમે યાદ આવશો

કોઈ  નવોઢા નારના  ઝાંઝર સજેલા પગ
ઝંકાર   આપશે  ને  તમે   યાદ  આવશો

મંઝિલ નજીક  આવતાં  થાકી  જશું  અમે
બેચાર  ડગ  હશે  ને  તમે  યાદ  આવશો

કાળી અમાસ  રાતે  કોઈ  સોણલા  મહીં
દ્યરપત  અપાવશે ને  તમે  યાદ  આવશો

પથરાળા પંથે મોજથી ચાલ્યા ઉભય હતાં
મન  એ  વિચારશે ને  તમે  યાદ આવશો

મોસમ  બદલતા  રૂપમાં  જ્યારે ઉમંગથી
રંગો    સજાવશે ને  તમે   યાદ   આવશો

કોઈની  વાટ  જોતા કદી એકલા ‘રસિક’
બેચેન  દિલ  થશે  ને  તમે  યાદ આવશો

No Comments »

જત લખવું કે-

ચહેરો તારો મનહર મનહર, છે અતિ મનહર, જત લખવું કે
ચર્ચા    એની   ચૌટે   ચૌટે,   સાત  સમંદર,  જત  લખવું  કે

પર્વત   પર્વત,  કંદરા  કંદરા,   ચાલવું  થાકવું  ડગલે  પગલે
સાંકડી  કેડી,  લાંબો  પંથક,  વિધ્નો  નિરંતર, જત લખવું કે

એક વિપળમાં લાખ યુગોનું પહેલું મિલન શું યાદ છે વાલમ?
શબ્દ નિરંતર હોંઠ ફફડતા,  જડવત  અંતર,  જત  લખવું  કે

તારા  વિનાની  દુનિયા  જાણે  સૂની  સડકે   આકુળ  વ્યાકુળ
ચૈતર   તડકે  ગરજી   ગરજી   વરસે  ભાદર, જત  લખવું કે

આપણું  વાલમ ! પ્યારૂં   જીવન,  વિત્યું  એમજ  ઢાંકી ઢૂંબી
શીતળ  શીતળ  લાબી   રાતો, ટૂંકી  ચાદર,  જત  લખવું  કે

દેશી   બની  પરદેશમાં  રહેવું, એમાં  કયાં  છે  વેરના  જેવું
જેવો  હું   છું  એવો   તું   છે,  એકજ  કલ્ચર, જત લખવું કે

તારો મારો પ્રેમ અમર પણ, બદલાઈ ગયો તુજ ફોન પુરાણો
તારી  સાથે  વાત  કરૂં કયાં,  કયાં  છે નંબર   જત લખવું કે

No Comments »

એ ઘર છે આપણું

ના  કોઈનો   નિવાસ   છે,  એ ઘર છે  આપણું
ના  કયાંય  પણ  ઉજાસ છે, એ ઘર છે  આપણું

દીવાલે  રંગ ના  થયો  વર્ષોથી  જ્યાં, તે  આજ
શેવાળનો   લિબાસ   છે,  એ  ઘર  છે  આપણું

ફળિયામાં    કાંટા  ગોખરાં    વિખરેલ  છે   બદ્યે
ના  પુષ્પની  સુવાસ   છે, એ  ઘર  છે   આપણું

બારી,   વરંડો, બારણા,  તૂટેલ   ભીંત   પણ
ખંડેર   આસપાસ    છે,   એ   ઘર  છે  આપણું

બાઝી   ગયેલ  જાળાં    બદ્યે    દ્યૂળદ્યૂળ    પણ
મન  જોઈ  જે  ઉદાસ  છે,  એ  ઘર  છે આપણું

મોસમ   હતી   જ્યાં  એકલા  પૂનમના  રાતદી’
ત્યાં આજ  બસ અમાસ  છે,  એ ઘર છે આપણું

દીવાલે  કયાં કયાં   રિકત  છબી  ટાંગતા  રહ્યા
એનો  હવે   કયાસ   છે,  એ  ઘર  છે   આપણું

છેલ્લું   મકાન   છેલ્લી  ગલીમાં   છે  ને  ‘રસિક’
રસ્તો  પછી  ખલાસ   છે,  એ  ઘર  છે  આપણું

No Comments »

થઈ જાઉં

એ   જાને  તમન્ના   પ્રેમ  ભર્યા  બે  શબ્દ કહી   દે  થઈ  જાઉં
વાદળ  બનીને  વર્ષું  કહીં;  કહીં  તોફાન  સમીપે   થઈ  જાઉં

છે   પ્રેમની   ઘાટી  એમાં  તો,  વસવાટ  જીવનભર   કરવાને
તું   મારી   હસીને   થઈ   જાયે,  હું   તારો   હસીને   થઈ  જાઉં

કાળી   માઝમ   રાતમાં   એમજ   હું    ખાળું   આંધી   તોફાનો
તુજ   વાટનો  દીવો  બળતો  રહું  ને  રાખ  બળીને   થઈ  જાઉં

પ્રેમ  નગરના   ગીતો   ગાવા,  નીલ    ગગનનો   પંખી  થાઉં
એકલો  એકલો  થઈ  ના   શકાયે, તુજ  સાથ મળીને  થઈ જાઉં

એકવાર  સમર્પણ  થઈ જાઉં, તુજ  જયોતની આગળ પાછળ ને,
હું   પ્રેમના  પંથે એમ  નિછાવર  સો વાર  પછીયે   થઈ  જાઉં

તું  પારસ  છે   હું  પથ્થર   છું,  તું  ઈચ્છે  બધુંયે  થઈ  જાયે
સંસર્ગમાં  તારા  એથી  ‘રસિક’  હું  કાંઈ   નથીને  થઈ  જાઉં

No Comments »

સન્નાટો

જીવનની  આ   કેવી   ઘડી   છે,  ચારે  તરફ  છે  સન્નાટો
કાળી  માઝમ   રાતમાં   આજે,  ચારે  તરફ   છે  સન્નાટો

નફરતની    ઘનઘોર    ઘટામાં,  પ્રેમના  પંથે   જાવું  છે
એકલો  એકલો  ચાલ્યો  છું   ને, ચારે  તરફ  છે  સન્નાટો

ચાલી ચાલી થાકી ગયો પણ, ક્યાંય વિસામો દીઠો ના
લાંબા   લાંબા  પંથક   છે   ને,  ચારે  તરફ   છે   સન્નાટો

રકતથી    છાલાં   ભીનાં   ભીનાં,  રંગ-બેરંગી   શેરીમાં
કાંટા   પથ્થર   ડગલે   પગલે,  ચારે  તરફ   છે  સન્નાટો

કેવું  મિલન છે  આપણું   આજે,   ઉલ્કાપાતની  રાતોમાં
ફફડી-ફફડી   શાંત   અધરને,  ચારે  તરફ   છે  સન્નાટો

શ્રાવણ     ભાદર   અશ્રુધારો,   મારો    રસ્તો   રોકે   છે
દિલમાં   ઉકળતો   ચૈતર  છે ને, ચારે તરફ છે  સન્નાટો

પ્રેમ  નગરની  જ્યોત જલાવી એના હરદમ ગાઉં ગીત
ત્યારે   વિલય  એ   થાવાનો,  જે  ચારે  તરફ  છે સન્નાટો

ઘોંઘાટ   ભર્યા  જીવંત જગત,  છોડીને  હું  ચાલ્યો પણ
એવા   રસ્તા રસ્તા   છે  કે,   ચારે  તરફ   છે   સન્નાટો

શોર ભરેલી ભીડની વચ્ચે એકલો એકલો છું હું ‘રસિક’
જાણે    એવું   લાગે   છે   કે,  ચારે   તરફ    છે   સન્નાટો

No Comments »

નથી બેઠા

તમે  ન  આવ્યા, અમે  ત્યાં  સુધી  નથી  બેઠા
તમારી    વાટમાં    છેવટ   લગી  નથી   બેઠા

વિરાટ  પંથમા   થાકી   વિરામ   કરવા   પણ
પરાઈ    ભીંતના    છાંયે    કદી   નથી   બેઠા

ઉઠાવ્યા  જેણે   કદી   અમને   એકવાર   પછી
સભામાં   એ  પછી   એની   ફરી  નથી   બેઠા

અમારે   જાગવું’તું   જેટલું,  એ  જાગ્યા  પણ,
તમારી    વાટમાં    મોડે    સુધી   નથી   બેઠા

તમારા   ઘાવ   હૃદયપર  યુગોથી અંકિત   છે
અમારી ચીસના પડઘા    હજી    નથી  બેઠા

અમારી    સાથ   જમાનોય    ચાલતો   રહયો
અમે  ન  બેઠા, બધા  ત્યાં  સુધી  નથી   બેઠા

અમે  જો  બેઠા  હતા,  ચાલવા   યુગો  લાગ્યા
પછી   જો   ચાલ્યા, યુગો   સુધી  નથી   બેઠા

‘રસિક’  તો  પ્રેમના  પુષ્પો  લઈને  ચાલ્યા છે
કદીય    વાટમાં   પથ્થર   બની   નથી    બેઠા

1 Comment »

નિર્મળ દે

જિંદગી મારી એવી નિર્મળ દે
તારા માટે હમેંશા વિહવળ   દે

જેમાં કેવળ લખું હું તારા ગુણ
કોઈ એવો મને તું કાગળ દે

ધોમ ધખતા બપોરે ચાલ્યો છું
સાંજ  મારી  હવે  તું શીતળ દે

એક તારા હું દ્વારે ઊભો છું
બંધ એની  હવે ન સાંકળ દે

કાલ વીતી ગઈ, દે એવી આજ
આવતી કાલ એની આગળ દે

જિંદગીનાં વિરાટ રસ્તામાં
કયાંય થાકું નહિ તું એ બળ દે

જિંદગી આપ તો એવી આપ
રાત દિ’ મારી દે તો ઝળહળ દે

કોઈના દુઃખથી જે દુઃખી થાયે
દિલ ‘રસિક’નું તું એવું કોમળ દે

No Comments »

« Prev

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.