વાલમ હવે તો આવ- ‘રસિક’ મેઘાણી
Jan 26th 2008rasikmeghaniનવી ગઝલો
ટપકી રહી છે વેદના, વાલમ હવે તો આવ
વરસે નયનથી વાદળા, વાલમ હવે તો આવ
તું આવશે તો આભલા સૂરજ બની જશે
પગલા થશે પરોઢના, વાલમ હવે તો આવ
બંને મળીને ઝીલશું બળતા બપોરે ધૂપ
ચૈતર સજાવે ઝાંઝવા, વાલમ હવે તો આવ
નફરત કહીં નહીં મળે, બસ પ્રેમને હો પ્રેમ
એવી પળોને પામવા, વાલમ હવે તો આવ
દ્રષ્ટિ સમેટી ઉંબરે ઊભો છું એકલો
સપના સજાવી પ્રેમના, વાલમ હવે તો આવ
તારા વિયોગે યાદમાં વીતી રહી છે રાત
ડૂબી રહ્યા છે તારલા, વાલમ હવે તો આવ
આકાશગંગા ઝગમગે રસ્તે સદન સુધી
ખુલ્લા છે દિલના બારણા,વાલમ હવે તો આવ
રસિક’ મેઘાણી
No Comments »