“ક્યાં ક્યાંથી મળી છે ગઝલો…” મનહરલાલ ચોક્સીનો પ્રતિનિધિ ગઝલ સંગ્રહ
પ્રાપ્તિસ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-૧
ટેલિ. : (૦૨૬૧) ૨૫૯૭૮૮૨ / ૨૫૯૨૫૬૩, કિંમત: રૂ. ૮૫/=
માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.
બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
આકર્ષણોનું એની ઉપર આવરણ હતું,
જેને ગણ્યું જીવન એ ખરેખર મરણ હતું.
સાથ કાયમનો કદી હોતો નથી,
જાતની સાથેય અંતર રાખીએ.
આપના શાપનું સ્મરણ આવ્યું;
ને પછી પાપનું સ્મરણ આવ્યું.
સૂરજને જે પ્રકાશ તણું દાન દૈ શકે;
એવી તમારી પાંપણોમાં રોશની હતી.
સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.
આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.
દર્શનની ધન્યતાનો અનુભવ નહીં કહું;
ઈશ્વરની શોધમાં જ હું મારા સુધી ગયો.
કોઈના ઉચ્ચારના આકાશમાં
એક મારા નામની જગ્યા નથી.
હોઠ પર બીજા શબ્દો, આંખમાં જુદા શબ્દો,
આપની ઉપેક્ષા પણ આવકાર લાગે છે.
તમે પૂછી રહ્યા છો વાત આજે ખાસ રોકીને,
હૃદય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્વાસ રોકીને.
જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
આજના સર્વ સુખને માણી લે,
કાલના સૌ પ્રહાર ભૂલી જા.
વમળમાં ડૂબવાની મારી હિંમત,
જુએ છે આ કિનારો મુગ્ધ થઈને.
એ ગલી તારી હતી ?
પગ સદાયે ત્યાં વળે.
ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
ફેલાઈને ગગનની સીમાઓ વધી ગઈ;
પડઘા તમારી યાદના જો વિસ્તરી ગયા.
વૃક્ષોનાં નામ યાદ હું રાખી નથી શક્યો;
વૃક્ષોનાં છાંયડાઓ મને ઓળખી ગયા.
નથી કોઈ આજે દશા પૂછનારું, નજર અશ્રુઓથી સભર થઈ ગઈ છે;
તમન્ના ચણાઈ ગઈ છે ખરેખર, ભીતર આરઝૂની કબર થઈ ગઈ છે.
હસીને ખબર પણ પૂછી ના શક્યા,
ઘણા દોસ્ત મોટા વતનમાં મળ્યા.
– મનહરલાલ ચોક્સી
લયસ્તરો’ના સૉજન્યથી
http://layastaro.com/