Archive for March, 2008

જરૂરી છે

મહત્તાજાણવા જળની, મહત્તમ રણ જરૂરી છે
વિષય વિસ્તારવા, આર્થોસભર પ્રકરણ જરૂરી છે !

તપાવ્યે શું દિ’વળવાનો, સુઘડ આકાર માટે તો
કૂશળહસ્તે હથોડી, ટાંકણું, એરણ જરૂરી છે !

ગળા બહુ સાંકળા થઈજાય છે અક્સર, ખરેટાણે
ખુલાસા હરગળે ઉતારવા, વિવરણ જરૂરી છે !

અમસ્તું કોણ શોધે છે વિકલ્પો, એકબીજાનાં?
બધા સંબંધનાં અનુબંધમાં,સમજણ જરૂરી છે !

અલગ છે કે દિવસ છે રાતથી સધ્ધર, બધીરીતે
જરૂરી હોય જો આ, તો પછી એ પણ જરૂરી છે !

રહસ્યો જિંદગીનાં એજ ખોલે છે અધિક્તર તો
ખરેખર જાણવા વૈશાખને, શ્રાવણ જરૂરી છે !

પછી કંઈપણ નહીં સંભવ બને, ખુદને મઠારી લ્યો!
નવી શરૂઆતને, અંતિમ ગણાતી ક્ષણ જરૂરી છે !

ડો.મહેશ રાવલ
ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તોના સૉજન્યથી
http://www.drmaheshrawal.blogspot.com/

No Comments »

સાજન લખું? -’ઊર્મિ’ સાગર

પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દ હું મઘમઘ લખું, મૌનની સરગમ લખું.

તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !

ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું.

પથ્થરોનાં વનનાં હર પહાણ પર ધડકન લખું,
કાળજાની કોર પર લાગણી મધ્ધમ લખું.

રાત દિનની દરમિયાં કૈંક તો સગપણ લખું,
આભ અવનિને મળે, એક મિલનનું સ્થળ લખું.

દોહ્યલાં જીવનમાં એક સાહસી અવસર લખું,
સ્નેહનાં હર તાંતણે શૌર્યનાં હું વળ લખું.

માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.

લાવ તારા હાથમાં વ્હાલ હું અણનમ લખું,
ભાગ્યમાં હું એક બે પ્રેમઘેલી પળ લખું.

આટલું વ્હાલમ તને વ્હાલથી વ્હાલપ લખું,
ઊર્મિનાં લિખિતંગ લખું, સ્નેહનાં પરિમલ લખું.

-’ઊર્મિ’ સાગર (ડિસેમ્બર 2007)
ઊર્મિનો સાગરના સૉજન્યથી
http://urmisaagar.com/urmi/

No Comments »

હરણની આપી-‘મહેક’ટંકારવી

આપી તો પ્યાસ અમને પ્યાસા હરણની આપી,
ને જિંદગી સળગતા વેરાન રણની આપી.

નજરોથી દૂર મંઝિલ રસ્તા કઠિન તેં આપ્યા,
બળતા બપોરે સંગંત સુકા ઝરણની આપી.

સ્વપ્નો તણી ખુશી પણ દુનિયાએ લૂંટી લીધી,
રાતો વિરહ વ્યથા ને જાગરણની આપી.

નિશ્વાસ ઉરને દીધા ,જખ્મો જિગરને આપ્યા,
આંખોને રોશની પણ શી અશ્રુ કણની આપી.

નાહક ‘મહેક’ને આ નિષ્ઠૂર જગત મહીં તેં,
કોમળ આ લાગણીઓ અંત:કરણની આપી.

‘મહેક’ટંકારવીની વેબ સાઈટ
http://http://www.mahek.co.uk/
Email:ghazals@mahek.co.uk

No Comments »

દુખના સંગ-‘રસિક’ મેઘાણી

કો’ક સુખના દિ’ કો’ક દુખના સંગ
એમ બદલાય જિંદગીના રંગ

કાચી માટી ઉપર હું ઊભો છું
ઉંચે આકાશ છે ને આશ પતંગ

એક એવા મિલનની વેળા છે
રૂપ તારૂં ને મારી આંખ છે દંગ

પગમાં છાલાં પ્રજાળી ચાલ્યો છું
ધોમ ધખતી ધરા ને એય સળંગ

મારા યુગ યુગ પ્રલંબ વિત્યા જે
આજ લાગે એ પળ વિપળનો પ્રસંગ

ગાઢ વનમાં વસંત વાવી છે
સંગ તારો, ને હેયે લાખ ઉમંગ

જિંદગી જોમ સાથે જીવે છે
કાળ સામે ‘રસિક’ સમાન ધબંગ

No Comments »

સતત ઘોળી તમે-“ઊર્મિસાગર”

લાગણી દિલમાં સતત ઘોળી તમે,
પણ તમન્નાની કરી હોળી તમે.

ભૂલવાનાં વેણને જૂટલાવવા,
મોકલાવી યાદની ટોળી તમે.

‘લાગણી ભરપૂર છે’ દાવો કરી,
ત્રાજવે વ્યવહારનાં તોળી તમે.

ભૂલવા જેવી ને જે મુફલિસ હતી,
વાત શાને આમ વંટોળી તમે?

દમ હશે, કળ પણ હશે એમાં જરૂર,
અંતરે મુજ જાત તરબોળી તમે.

જિન્દગીભર જાગરણ કરશે હૃદય,
કેમ સૂતી ઊર્મિ ઢંઢોળી તમે?

-’ઊર્મિ’
ઊર્મિનો સાગરના સૉજન્યથી
http://urmisaagar.com/urmi/

1 Comment »

અમારી રાવનું-આહમદ મકરાણી

માપ નીકળે ના અમારી રાવનું,
ગામ ભીતર છે વસેલું ઘાવનું.

ફ્રિઝમાં વાસી ક્ષણોની ભીડ છે,
કોઈ તાજું નીર લાવો વાવનું.

આ કિનારે મસ્ત મોજાં ગાય છે,
હે સમંદર, શું થયું એ નાવનું ?

સોગઠાં, ચોપાટ ફેંકીને ઊઠો,
કાળ સામે શું તમારા દાવનું ?

જિંદગી વીતી રહી છે રણ સમી,
કોઈ સરનામું મળે જો છાંવનું.

-આહમદ મકરાણી
“લયસ્તરો”ના સૉજન્યથી
http://layastaro.com/

No Comments »

અમર હમણાં જ સૂતો છે-’અમર’ પાલનપુરી

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

ગગનના આંસુઓ માયા નહીં ધરતીના પાલવમાં
પ્રભાતે જ્યાં ખબર આવી, અમર હંમણા જ સૂતો છે

અમર જીવન છે એવું કે જીવન ઓવારણા લે છે
મરણના માનને રાખી અમર હમણાજ સૂતો છે

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.

-’અમર’ પાલનપુરી
“લયસ્તરો”ના અને પ્રો. સુમન અજમેરીના “ગઝલઃ સંરચના અને છંદ વિધાન” ના સૉજન્યથી
http://layastaro.com/

1 Comment »

નોખા પડી ગયા-‘રસિક’ મેઘાણી

રસ્તે મળ્યા અને પછી નોખા પડી ગયા
યાદોના વનને ચીતરી નોખા પડી ગયા

અશ્રૂના આભલા ભરી નોખા પડી ગયા
શ્વાસોના સોણલા સજી નોખા પડી ગયા

માળાની મમતા ભાંગી અને બંને ભાઈ પણ
અશ્રૂના ભાગલા કરી નોખા પડી ગયા

ઝાંખી પડી ગઈ હતી વર્ષોની જુની યાદ
એકાદ પળને સંચરી નોખા પડી ગયા

વર્ષોથી જેને ઝંખતા રહ્યા‘તા રાત દી’
આજે મળ્યા અને, મળી નોખા પડી ગયા

ભૂલા પડી ગયા હતા રસ્તામાં એટલે
ઝટકી સમયની આંગળી નોખા પડી ગયા

ગુંજી રહ્યા‘તા કાલ દિશા વચ્ચે સાદ જે
પડઘા બધા એ વિસ્તરી નોખા પડી ગયા

કાલે ‘રસિક’ જે સાંજ સુધી ચાલ્યા સાથ સાથ
આજે કાં એ સવારથી નોખા પડી ગયા

No Comments »

ભીંતો ભણકારાય-જવાહર બક્ષી

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટોઅ પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

-જવાહર બક્ષી
“ટહુંકો”ના સૉજન્યથી
http://tahuko.com/

No Comments »

મનોજ ખંડેરિયાને અંજલિ-“રસિક” મેઘાણી

મનોજ એ ગઝલ ગુર્જરીનો પ્રવાસી
મનોજ એ ગઝલના નગરનો નિવાસી
મનોજ એ કે જેણે ગઝલને સુવાસી
મનોજ એ કે જેણે ગઝલને વિકાસી
હવે જેના માટે નયન સૌ ઉદાસી
મનોજ એ નથી આપણી વચ્ચે આજે

મનોજ એ કે ગાયા છે ગીતો ગિરામાં
મનોજ એ હજી પડઘા જેના ઘટામાં
મનોજ એ કે જેનાથી પગલા ઉષાના
મનોજ એ કે જેના પ્રકાશિત જમાના
કવન માટે જેના બધાયે દિવાના
મનોજ એ નથી આપણી વચ્ચે આજે

મનોજ એ જે પ્યારો ધરા ગુર્જરીનો
મનોજ એ ગયો મર્મ દઈ જિંદગીનો
મનોજ એ કે સંદેશ જે સાદગીનો
મનોજ એ ના કેવળ જમાના લગીનો
ભરી રસ ગઝલમાં ગયો વાંસળીનો
મનોજ એ નથી આપણી વચ્ચે આજે

ગઝલ એનું જીવન, ગઝલ એની ધારા
ગઝલ ઓથે કીધા જીવનભર ઉતારા
ગઝલની ઈમારતના ઉંચા મિનારા
સભામાં હતો એ દુબારા દુબારા
ગઝલને નવું જોમ આપી ગયો જે
મનોજ એ નથી આપણી વચ્ચે આજે

હતો પ્રેમી સૌનો, હતો સૌને પ્યારો
સહન જેણે કીધા સમયના પ્રહારો
હવે સાંજ ગોતે ને સઘળી સવારો
મનોજે કર્યો કયાં હવે છે ઉતારો
હજી પણ દિશામાં જે ગુંજે વિચારો
મનોજ એ નથી આપણી વચ્ચે આજે

( ઉદેશ ના સૌજન્યથી )

No Comments »

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.