Archive for March, 2008

વસતો નથી-વિવેક મનહર ટેલર

શરીરોમાં માણસ આ વસતો નથી,
સમય પણ લગીરે ય ખસતો નથી.

તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.

અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’

મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.

સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.

હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.

-વિવેક મનહર ટેલર
” શબ્દો છે શ્વાસ મારા “ના સૉજન્યથી
http://vmtailor.com/archives/220

2 Comments »

પણ ગજબ હતો-‘રસિક’ મેઘાણી

એ ચાહનાની વ્યાસ હતો, પણ ગજબ હતો
મુજ દિલની આસપાસ હતો, પણ ગજબ હતો

મલકાટ એના મુખનો પ્રફુલ્લિત કરી ગયો
જોકે ન મારી પાસ હતો, પણ ગજબ હતો

આખી હયાત વીતી ગઈ એની યાદમાં
એવો હૃદયમાં વાસ હતો, પણ ગજબ હતો

હસતો રહ્યો’તો રાત દિવસ ફૂલ વેરતો
મનમાં ભલે ઉદાસ હતો, પણ ગજબ હતો

આંખોમાં નોખો એથી તરી આવતો રહ્યો
સઘળામાં એજ ખાસ હતો, પણ ગજબ હતો

અંજાઈ આંખ એનું વદન જોઈ ના શકી
એવો બધે ઉજાસ હતો, પણ ગજબ હતો

સઘળાને એનો ભ્રમ હતો જોતા રહી ગયા
એ નો’તો જાણે ભાસ હતો, પણ ગજબ હતો

આજે તમારી યાદ ઘણી આવતી રહી,
એથી ‘રસિક’ ઉદાસ હતો, પણ ગજબ હતો

2 Comments »

તફાવત નડે છે– ડૉ. મહેશ રાવલ

તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને, માત્ર મારી શરાફત નડે છે !

નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !

બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !

ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
કે સરવાળે, એકાદ અંગત નડે છે !

નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
અને સ્વપ્નને, આ હકીકત નડે છે !

કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ
અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !

ખબર છે કે, સોનું તપે એમ નિખરે
છતાં પણ, કશુંક વારસાગત નડે છે !

– ડૉ. મહેશ રાવલ
(”લયસ્તરો” ના સૉજન્યથી)
(http://layastaro.com/)

No Comments »

મને પ્રગટાવને-અનિલ ચાવડા

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.

ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.

-અનિલ ચાવડા
(“લયસ્તરો” ના સૉજન્યથી)
(http://layastaro.com/)

No Comments »

વિકાસ નથી- ‘રસિક’ મેઘાણી

કોણ કે’છે થયો વિકાસ નથી
પુષ્પ કાગળના છે ને વાસ નથી

કરતા કવિઓમાં એ સમાસ નથી
કે’છે ગઝલોમાં તારી પ્રાસ નથી

કાલ સારું બધુંય થઈ જાશે
જિંદગી થઈ કંઈ ખલાશ નથી

આજ કેવી સવાર આવી છે
તારા માટે થયો ઉદાસ નથી

કાલ મંઝિલ તમામ જેની હતી
આજ દેખાતો કયાંય ભાસ નથી

જેને સારીને અશ્રૂ ભૂલી ગયા
એની કરતા કોઈ તપાસ નથી

મારૂં જીવન છે ચાહના તારી
તારા માટે જે વાત ખાસ નથી

તારી નજરોને પામવા માટે
શું શું કીધા અમે પ્રયાસ નથી

ધૂપમાં પ્યાલા મૃગજળોના છે
દિલના રણમાં રહી તે પ્યાસ નથી

આજ ચારે તરફ તિમિર શાને ?
રાત પૂનમ છે કઇં અમાસ નથી

તોય મબલખ ખુશીથી મનડું છે
યાદ તારી છે પણ તું પાસ નથી

રાતપણ વીતશે એ રીતે ‘રસિક’
સાંજ થઈ ગઈ ને ક્યાંય આશ નથી

No Comments »

ક્ષિતિજની પેલે પાર-‘મરીઝ’

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે,
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઈ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

‘મરીઝ’
ભાવિન ગોહિલના બ્લોગ્
(શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર)ના સૉજન્યથી

No Comments »

એની વાત કરવી છે-‘રસિક’ મેઘાણી

તમારા વિણ હૃદય પડઘાય એની વાત કરવી છે
અમારી આંખડી છલકાય એની વાત કરવી છે

તમે કાગળ લખો કે ના લખો, પણ ફોન તો કરજો
અમારૂં શાને મન મૂંઝાય એની વાત કરવી છે

સુમન ખીલ્યા છે કેવા આંગણે. એ જોઈ જોઈને
અમારૂં કેવું દિલ હરખાય એની વાત કરવી છે

તમારા શબ્દ સીધાને સરળ લાગ્યા ઘણા તોયે
ઘણા અમને ન કાં સમજાય એની વાત કરવી છે

અમારે એવું એવું તમને કે’વું છે ઘણું જેને
જરા પણ બીજે ના કેવાય એની વાત કરવી છે

તમે છેલ્લે મળ્યા એને જમાનો થઈ ગયો જાણે
હૃદય વિહવળ હવે જે થાય એની વાત કરવી છે

તમારા પ્રેમમાં પાગલ બની ભટકે ‘રસિક’ જ્યાં ત્યાં
હવે હાલત ન એ જોવાય એની વાત કરવી છે

1 Comment »

આ પ્રમાણે છે-બરકત વિરાણી ‘બેફામ’

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

– બરકત વિરાણી ‘બેફામ’
(સ્નેહ સરવાણીના સૉજન્યથી)
http://sneh.wordpress.com/

No Comments »

કિનારો અલગ છે- હિમાંશુ ભટ્ટ

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

હિમાંશુ ભટ્ટ
(એક વાર્તાલાપના સૉજન્યથી)
http://ekvartalap.wordpress.com/

2 Comments »

અજવાસ છે-ઉર્વીશ વસાવડા

જિંદગીનો ત્યાં સુધી અજવાસ છે
આયખામાં જ્યાં સુધી બસ શ્વાસ છે

સૂર્ય ઝળહળ થાય છે મધરાતના
આપણું છે કે બીજું આકાશ છે ?

એ દગો દેશે નહીં ક્યારેય પણ
શબ્દ પર મારો અટલ વિશ્વાસ છે

મેં ઉતાર્યું છે અહમનું પોટલું
એટલે ખભા ઉપર હળવાશ છે.

ઉર્વીશ વસાવડા
( અમીં ઝરણુંના સૉજન્યથી )
amitpisavadiya.wordpress.com

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.