પણ ગજબ હતો-‘રસિક’ મેઘાણી

એ ચાહનાની વ્યાસ હતો, પણ ગજબ હતો
મુજ દિલની આસપાસ હતો, પણ ગજબ હતો

મલકાટ એના મુખનો પ્રફુલ્લિત કરી ગયો
જોકે ન મારી પાસ હતો, પણ ગજબ હતો

આખી હયાત વીતી ગઈ એની યાદમાં
એવો હૃદયમાં વાસ હતો, પણ ગજબ હતો

હસતો રહ્યો’તો રાત દિવસ ફૂલ વેરતો
મનમાં ભલે ઉદાસ હતો, પણ ગજબ હતો

આંખોમાં નોખો એથી તરી આવતો રહ્યો
સઘળામાં એજ ખાસ હતો, પણ ગજબ હતો

અંજાઈ આંખ એનું વદન જોઈ ના શકી
એવો બધે ઉજાસ હતો, પણ ગજબ હતો

સઘળાને એનો ભ્રમ હતો જોતા રહી ગયા
એ નો’તો જાણે ભાસ હતો, પણ ગજબ હતો

આજે તમારી યાદ ઘણી આવતી રહી,
એથી ‘રસિક’ ઉદાસ હતો, પણ ગજબ હતો

2 Comments »

2 Responses to “પણ ગજબ હતો-‘રસિક’ મેઘાણી”

  1. ઊર્મિ on 31 Mar 2008 at 1:03 pm #

    સુંદર ગઝલ.

    ‘પ્યાસ હતી’ની જગ્યાએ ‘પ્યાસ હતો’ કેમ? એ સમજ ના પડી…

  2. rasikmeghani on 31 Mar 2008 at 5:17 pm #

    ઊર્મિ સાગર,
    તમે શેર તરફ મારું ધ્યાન દોર્યું,આભારી છું. આ પહેલાં પ્રો. સુમન અજમેરીએ મારું ધ્યાન દોરેલ હતું, તે પછી મેં થીફ ફરેલ છે, પણ અહીં ભુલથી રહી ગયેલ. આ શેર તાત્કલિક કાઢી નાખેલ છે. આ પ્રમાણે, તમને મારી ફોઇ ભુલ જણાય, તમે મારું ધ્યાન દોરી શકો છો. તમારો ફરીવાર આભાર.

Trackback URI | Comments RSS

Leave a Reply