રાખેલ નીકળે
Feb 29th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
તાજા કદી કિતાબમાં રાખેલ નીકળે
એ પુષ્પ પાંદડા હવે સૂકેલ નીકળે*
વર્ષોથી જેને સાચવી રાખ્યા છે જીવ જેમ
એ જીર્ણ કાગળો હવે ફાટેલ નીકળે
થાક્યા વગર હું જેને સદા સોચતો રહું
એવી કિતાબ ના હજી વાંચેલ નીકળે
કાગળ તને લખી કદી ભૂલી ગયો હતો
પરબીડિયામાં એ હવે બીડેલ નીકળે
વર્ષોની બાદ જોવા હું બેઠો છું ડાયરી
તારાથી પ્યાર છે મને ટાંકેલ નીકળે
ઉત્સાહથી જે ચાલ્યા ક્ષિતિજ આંબવા ‘રસિક’
રસ્તામાં શાને એ બધા થાકેલ નીકળે
*ફૈઝ એહમદ ફૈઝના એક શે‘રથી પ્રેરાઈને