ઘણીવાર એમ વિચારવું

નહીં મોત આવશે કોઈ દી’, ઘણીવાર એમ વિચારવું
ઘણી બાકી જિંદગી છે હજી, ઘણીવાર એમ વિચારવું

કદી પ્રેમ રત્ને જડી ગયું, કદી એજ મોંઘું પડી ગયું
હજી વાત છે જરા જેટલી, ઘણીવાર એમ વિચારવું

તું પલક પલકને ભરી ગયો, અને અશ્રુ થઈને ખરી ગયો
છતાં વાટ નયનોમાં કાં હજી, ઘણીવાર એમ વિચારવું

કદી છાંયડે, કદી ધૂપમાં, કદી આભપર, કદી કૂપમાં
હતી ધૂળ સમ કાં આ જિંદગી, ઘણીવાર એમ વિચારવું

હતી હારની એ પરંપરા, છતાં જીતની જરા આશમાં
હવે આ પ્રયાસ છે આખરી, ઘણીવાર એમ વિચારવું

બધે છે ‘રસિક’ હવે નફરતો, અને એય એક વખત હતો
હતા આપણેય હળી મળી, ઘણીવાર એમ વિચારવું

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply