તખ્તે દાર પર

ક્યારેક તખ્ત પર, તો કદી તખ્તે દાર પર
ક્યાં ક્યાં સુધી નથી ગયો તારી પુકાર પર

જીતીને હારવું હતું, હારીને જીતવું
હસતો રહ્યો છું એટલે હું જીત હાર પર

તારો બચાવ કરવો હતો મારે એટલે
ધીરજથી હસતો હું રહ્યો તારા પ્રહાર પર

હદમાં રહી તું કરતો રહે ઉડ્ડયન વિહંગ
સળગી ઉઠે છે પર કદી ઉંચા વિહાર પર

તારો વિચાર ક્યાં સુધી મારો છે જાણવા
કરતો રહ્યો વિચાર હું તારા વિચાર પર

મારા હૃદયની સાચી હકીકતને જાણવા
મુજ મુખ ઉપર ન જા, કે ન જા મુજ ખુમાર પર

ના વાયદો થયો વફા, થઈ સાંજ પણ ‘રસિક’
વાતો બધી રહી ગઈ પાછી સવાર પર

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply