પ્રવાસ થશે

તમારા પંથમાં થોડોય જો પ્રવાસ થશે
યુગો સુધી પછી પગરવનો મારો ભાસ થશે

તમારી જીતનો એના પછી રકાસ થશે
અમારી હારની જયારે કદી તપાસ થશે

તમારા દિ’ ભલે સૂરજ સમાન સરખાં હોય
અમારી રાતમાં પૂનમ પછી અમાસ થશે

પતનની ખીણમાં ખોવાશે ત્યારે માનવતા
જગતમાં ટોચ સુધી જો કદી વિકાસ થશે

ઉલેચી નાખશો ના લાગણીના સાગરને
કદીક આંખના અશ્રુ બધા ખલાસ થશે

તિમિરની રાતના ભાથામાં એક આશા છે
સવાર થાશે અને સૂર્યનો ઉજાસ થશે

હયાતી ખૂંચે ભલે આજ કિન્તુ કાલ ‘રસિક’
અમારી યાદમાં આખું નગર ઉદાસ થશે

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply