Archive for February, 2008

એકવાર લખું- ‘રસિક’ મેઘણી

શરૂમાં શબ્દ અગર થોડા એકવાર લખું
પછી હું વાત સતત દર્દની હજાર લખું

લખી લખી હવે થાકી ગયો છું પસ્તીને
ખિઝાં ચમનથી અગર જાયતો બહાર લખું

લખું હું કેમ કદી કોઈના અનાદરને
લખી શકાયતો લખવાને આવકાર લખું

દરેક પળમાં વિતાવી ગયો છું સૈકાઓ
મેં કીધો કેમ સદા તારો ઈન્તઝાર લખું

ઉઠાવી લાશને મારી, જે મંચે લટકાવ્યો
હવે છે કેટલી ત્યાં લાંબી એ કતાર લખું

અનાદીકાળથી એમજ થયું છે દુનિયામાં
પ્રકાશ તારલા આપે, હું અંધકાર લખું

પ્રલયના વાદળાં છૂટે, જો ફૂટે આશકિરણ
ભલે તે સાંજ હો મારી, છતાં સવાર લખું

જે બાજી હારવી હો એને જીતું કેમ ‘રસિક’
ભલે એ જીત હો મારી છતાંય હાર લખું

No Comments »

કદી આપણે હતાં-‘રસિક’ મેઘાણી

રંગત અને સુવાસ કદી આપણે હતાં
પુષ્પોની આસપાસ કદી આપણે હતાં

આજે ભલેને ફેરવે રસ્તા પરીઘ સમ
લોકોના કિંતુ વ્યાસ કદી આપણે હતાં

લોકોની સામે હસતા સદા ગાળી જિંદગી
મનમાં ભલે ઉદાસ કદી આપણે હતાં

લોકો જુએ છે આહ ભરી વાટ જેમની
બેચાર એવા શ્વાસ કદી આપણે હતાં

મંઝિલ અચૂક પામવું કિસ્મતમાં હોય જે
એ સંઘમાં સમાસ કદી આપણે હતાં

જે આશમાં ઉષાની બળે રાતભર‘રસિક’
એ દીપના ઉજાસ કદી આપણે હતાં

No Comments »

એવું કશું કશું-‘રસિક’ મેઘાણી

તુજ પ્રેમનો તરંગ ને એવું કશું કશું
ઉપવન સુમન સુગંધને એવું કશું કશું

પગરવના તારી વાટમાં હરએક મુજ વિપળ
યુગ યુગ સુધી પ્રલંબ ને એવું કશું કશું

તારા વિના આ જિંદગી આકાશે ઉડ્ડયન
જાણે કટી પતંગ ને એવું કશું કશું

સૂરજથી પ્રેમ એટલે ઝાકળની જિંદગી
એકાદ પળનો સંગ ને એવું કશું કશું

તારો ગમન જે માર્ગે થયો એ હજીય છે
ખુશ્બૂથીતર નિશંક ને એવું કશું કશું

જે કાલ આપણી હતી એ હજીય છે
એકજ એ રંગઢંગ ને એવું કશું કશું

ચાલો મળી સ્મરીંએં ‘રસિક’ યાદ આપણી
સુખ દુખ તણા પ્રસંગ ને એવું કશું કશું

No Comments »

સફળ માંગું -‘રસિક’ મેઘણી

એમ જીવનને મુજ સફળ માંગું
સાથ કેવળ હું તુજ સકળ માંગું

શ્યામ રાતોમાં જ્યોત આશાની
મારા પંથે સદા પ્રજળ માંગું

પૂર્ણ જ્યાં એષણાની સીમા હો
તારા સાનિંઘ્યની એ પળ માંગું

થાય નિષ્ફળ બધી નિરાશાઓ
એક આશા ફકત સફળ માંગું

હાથ નિર્બળ ઉઠાવી તારાથી
મારા હું બાવડા પ્રબળ માંગું

હોય ના ટેકરો કે ખાડો જ્યાં
એવો રસ્તો ‘રસિક’ સરળ માંગું

No Comments »

સુબ્હો શામ હતા-“રસિક” મેઘાણી

અમારી જિંદગીમાં એજ સુબ્હો શામ હતા
તમારી યાદ હતી ને છલકતા જામ હતા

હું દોડી છેવટે થાકીને રણમાં બેસી ગયો
ઉઘાડું આભને રસ્તા બધા અનામ હતા

સમય ન સાથ કદી આપી શકયો જીવનમાં
ઘણી જ ઈચ્છા હતી,બાકી ઘણાંય કામ હતા

અમારી આજ પણ જાહોજલાલી અંકિત છે
સફરમાં જયાં કદી કીધા અમે વિરામ હતા

અમારું એક થયું આજ દ્વાર બંધ ‘રસિક’
તમારા માટે ઘણાયે નવા મુકામ હતા

No Comments »

મળવું નથી -‘રસિક’ મેઘણી

કોઈને મોતી રૂપેય મળવું નથી
ને હવે ડૂબી પાછું ઉભરવું નથી

ઝેર જેવું કરી દે જીવન આપણું
એટલું સત્ય પણ કાંઈ કડવું નથી

એક તારી જ કેવળ રહે ખેવના
આખી મહેફિલની દ્દષ્ટિમાં ગમવું નથી

દિલમાં ઉકળાટ, મનમાં છે કાળી ઘટા
અશ્રુ વર્ષાથી તો પણ પલળવું નથી

આજ અજવાસ આખા નગરમાં ‘રસિક’
કિન્તુ ડાકુનો ડર છે રખડવું નથી

No Comments »

કાગળ -‘રસિક’ મેઘણી

તને એથી મોડો મળેલો છે કાગળ
વિચારી વિચારી લખેલો છે કાગળ

કદી થાકવાનો નથી વાંચી વાંચી
એ તારા જો હાથે લખેલો છે કાગળ

છતાં પ્રેમની એમાં ધારા વહે છે
ભલે એ શિકાયત ભરેલો છે કાગળ

અહીં લખતા લખતા,ને ત્યાં વાંચી વાંચી
ઉભય અશ્રુથી તર કરેલો છે કાગળ

બધી યાદ તારી લખેલી છે દિલમાં
વગર વાંચે એથી પડેલો છે કાગળ

ઘણી વાટ જોઈ છે તારી કે જાણે
યુગો યુગ સુધી વિસ્તરેલો છે કાગળ

હવે કાંઈ એમાં નથી લખવા જેવું
બધુંયે લખીને ભરેલો છે કાગળ

‘રસિક’ થોડા શબ્દો લખી છોડી દીધું
ઘણું લખવા માટે બચેલો છે કાગળ

No Comments »

તને શી ખબર? -‘રસિક’ મેઘણી

આ લાલ રંગ છે કે ખેલ છે, તને શી ખબર?
કે લોહી કોઈનું ટપકેલ છે, તને શી ખબર?

બધાય હાથમાં પથ્થર ઉઠાવી ઊભા છે,
મે પ્યાલો પ્રેમનો પીધેલ છે, તને શી ખબર?

ઉઘડશે એના પછી ક્રાંતિ સૂર ફૂંકાશે
હજી તો બારણું વાસેલ છે, તને શી ખબર?

છબી અતીતની ઝાંકે એ જર્જરિત છે ભીંત
ને જાળાં કયારથી બાઝેલ છે, તને શી ખબર?

જે મારા દિલમાં વસે છે, હું જેને ચાહું છું
એ સાથ કયાં સુધી ચાલેલ છે, તને શી ખબર?

બધાય પથ્થરો લઈ પ્રેમ આડે ઊભા હતા
પછી જે કંઈ મને વિતેલ છે, તને શી ખબર?

મિઠાશ પ્રેમની ટપકે ન કેમ એમાંથી
બધાય બોર જો ચાખેલ છે, તને શી ખબર?

સવાર સાંજ, વગર એના કેવી સૂની છે
મેં એને પત્રમાં ટાંકેલ છે, તને શી ખબર?

હસીને એણે જીવન ઝેર પ્યાલો પીધો છે
‘રસિક’ની ડાયરી વાંચેલ છે, તને શી ખબર?

No Comments »

પ્રકાશું તો ચાલું -‘રસિક’ મેઘણી

બનીને આભનો તારો પ્રકાશું તો ચાલું
તિમિરની રાતમાં આશા જગાડું તો ચાલું

શરીર મારૂં જે શૂળી ઉપર મેં લટકાવ્યું
હવે હું લાશને ત્યાંથી ઉતારૂં તો ચાલું

તમામ જિંદગી કાંટાના છાંયડે વીતી
હવે હું પુષ્પથી જો ઘર સજાવું તો ચાલું

આ મારા શોખની કેવી અજબ તમન્ના છે
જખમ હું પ્રેમનો તાજો વસાવું તો ચાલું

કદાચ મારી મુહબ્બતની એજ સીમા છે
ગલી ગલીમાં હું પથ્થર જો ખાઉં તો ચાલું

‘રસિક’ રહી રહી એકજ વિચાર આવે છે
હું મારા ઘરમાં જો મારો ગણાઉં તો ચાલું

No Comments »

પગલા હું સાંભળું -‘રસિક’ મેઘણી

તારા નજીક આવતા પગલા હું સાંભળું
નાચી રહેલ મોરના ટહુંકા હું સાંભળું

એકેક શબ્દ શબ્દ મને યાદ આવશે
ખામોશ ઘ્યાનથી તને કહેતા હું સાંભળું

ગીતો મળીને પ્રેમ્ સભર એમ ગાઈએં
અડધા તું સાંભળે, પછી અડધા હું સાંભળું

એ પ્રેમની કહાની કહે આપણી બધા
જેને તું હસતાં સાંભળે, રડતા હું સાંભળું

ડુસ્કા ભરી ભરી અને થાકી ગયો છતાં
ભીતરમાં તારી યાદના પડઘા હું સાંભળું

ઊભો છે એમ આઈના સામે અને ‘રસિક’
તૂટી ગયેલ કાચના કટકા હું સાંભળું

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.