મારે આંગણે
Jan 27th 2008rasikmeghaniનવી ગઝલો
જૂઈ ચમેલી શોભતા છે મારે આંગણે
સગપણ બધા સુવાસના છે મારે આંગણે
ક્યારેય ધૂપ ના મળે જીવનની રેત પર
એવા સમયના છાંયડા છે મારે આંગણે
સ્વાગત ન કેમ તારૂં કરૂં ભીના ભાવથી
ખુલ્લા હૃદયના બારણા છે મારે આંગણે
શ્રાવણ કે માગસર અને ચૈતરની ધૂપના
મોસમ બધાય પ્રેમના છે મારે આંગણે
હસતા રહી ગુજરતી રહે આખી જિંદગી
દુઃખ દર્દ જાણે ફુલડા છે મારે આંગણે
ઈચ્છામાં તારા પ્રેમની કૂંપળ મળી હતી
ઊગેલ એના છોડવા છે મારે આંગણે
ભીનાશ લાગણી ભરી સ્પર્શી શકે ‘રસિક’
સગપણના એ ટેરવા છે મારે આંગણે
No Comments »