Archive for the 'વિલેનલ' Category

પરંતુ અત્યારે(વિલેનલ-૦૨)

સવારે ઊગશે સૂરજ પરંતુ અત્યારે
તિમિરની રાતના વિંઝાઈ વાયરા વાતા
યુગો યુગોમાં વિપળ રાત કાળી વિસ્તારે

વિરહની રાતનો દીપક ઠરી ગયો ત્યારે
ગગનના આભલા ઝબકીને તૂટતા જોયા
સવારે ઊગશે સૂરજ પરંતુ અત્યારે

છે શૂન્ય શૂન્ય દિશાઓ ને ગાઢ અંધારે
અવાજ તમરા પશુના ને ગુંજતા પડઘા
યુગો યુગોમાં વિપળ રાત કાળી વિસ્તારે

રડી રડી અને પાલવમાં અશ્રુ શણગારે
ભરેલ વાદળા વરસીને ભીંજવે ચહેરા
સવારે ઊગશે સૂરજ પરંતુ અત્યારે

પ્રશાંત વાટમાં પગરવની આશ ધબકારે
અમીટ હામના વાદળ ઉઠાવી લીધા છતાં
યુગો યુગોમાં વિપળ રાત કાળી વિસ્તારે

કદી વિલય થશે નફરત ભરેલ અંધારા
કદીક પ્રેમના ઝગમગશે કિરણો દુનિયામાં
સવારે ઊગશે સૂરજ પરંતુ અત્યારે
યુગો યુગોમાં વિપળ રાત કાળી વિસ્તારે

No Comments »

માટીની ખુશ્બૂ ગમે છે(વિલેનલ-૦૧)

વિલેનલ - ૦૧

ગલી, આંગણું, ઘર મને  સાંભરે  એ
હજી  યાદ  આવે  છે  રમતી હવાઓ
મને  મારી  માટીની  ખુશ્બૂ  ગમે  છે

સતત  યાદના  વનમાં ચહેરા  રમે તે
કરૂં  કોઈ  યાદે  જરા  ભીની   પલકો
ગલી, આંગણું, ઘર  મને  સાંભરે એ

દિશાઓમાં ડમરી  હજી પણ ભમે  તે
હજી  ધૂળના   ગોટે   ચહેરા  સજાવો
મને  મારી  માટીની  ખુશ્બૂ  ગમે  છે

બધા  પ્રેમ  પગલાં  જે  વાટે  વળે  તે
કે  જ્યાંથી મેં પીધો  સદા પ્રેમ પ્યાલો
ગલી, આંગણું, ઘર  મને સાંભરે  એ

પશુ ધણના રજકણથી ઉડતી દિશાએ
સજાવે   છે  પક્ષીથી  ગાતી  ફિઝાંઓ
મને  મારી  માટીની  ખુશ્બૂ  ગમે  છે

વતનની કણેકણ હવાઓ, દિશાઓ
વતનની પળેપળ છે મોંઘી મતાઓ
ગલી, આંગણું, ઘર મને સાંભરે એ
મને  મારી  માટીની  ખુશ્બૂ ગમે છે

No Comments »