માટીની ખુશ્બૂ ગમે છે(વિલેનલ-૦૧)

વિલેનલ - ૦૧

ગલી, આંગણું, ઘર મને  સાંભરે  એ
હજી  યાદ  આવે  છે  રમતી હવાઓ
મને  મારી  માટીની  ખુશ્બૂ  ગમે  છે

સતત  યાદના  વનમાં ચહેરા  રમે તે
કરૂં  કોઈ  યાદે  જરા  ભીની   પલકો
ગલી, આંગણું, ઘર  મને  સાંભરે એ

દિશાઓમાં ડમરી  હજી પણ ભમે  તે
હજી  ધૂળના   ગોટે   ચહેરા  સજાવો
મને  મારી  માટીની  ખુશ્બૂ  ગમે  છે

બધા  પ્રેમ  પગલાં  જે  વાટે  વળે  તે
કે  જ્યાંથી મેં પીધો  સદા પ્રેમ પ્યાલો
ગલી, આંગણું, ઘર  મને સાંભરે  એ

પશુ ધણના રજકણથી ઉડતી દિશાએ
સજાવે   છે  પક્ષીથી  ગાતી  ફિઝાંઓ
મને  મારી  માટીની  ખુશ્બૂ  ગમે  છે

વતનની કણેકણ હવાઓ, દિશાઓ
વતનની પળેપળ છે મોંઘી મતાઓ
ગલી, આંગણું, ઘર મને સાંભરે એ
મને  મારી  માટીની  ખુશ્બૂ ગમે છે

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply