પ્રસારવા દો
Feb 2nd 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
જે માટે રોતી રહી બહારો, ફરી એ સૌરભ પ્રસારવા દો
ખિઝાં ઉજાડી ગઈ જે રંગત, ચમનમાં એને નિખારવા દો
નથી વિસામો અરણ્ય પંથે, સુમન, કળી કે ન પાંદડા છે
છતાં છે કંટકનો છાંયડો ત્યાં, બપોર તપતી ગુજારવા દો
વળી ગઈ કેડ બોજ ખેંચી, જીવનની સાંજે ગયો છું થાકી
સમીપમાં ના ઉતારો છે પણ, કહીં તો એને ઉતારવા દો
વદન દુઃખી હો કે હોય હર્ષિત,ગમન કે હો આગમન તમારૂં
રૂદનની આદત પડી છે તેથી, નયનને અશ્રૂઓ સારવા દો
મકામ છેટે, અજાણ્યો પંથક, સમય છે ઓછો, હવે હે દોરક
જરાય રોકો ન કાફલાને, ઝડપ કદમની વધારવા દો
ચમનનું વાતાવરણ બદલશે, વસંતમાં પાનખર પલટશે,
હજી ‘રસિક’ થોડું ધૈર્ય રાખો, સુમનને સૌરભ પ્રસારવા દો