પ્રેમ-“રસિક” મેઘાણી
Mar 4th 2008rasikmeghaniકાવ્ય
મેં તને કીધું હતું કે પ્રેમથી છે જિંદગી
મેં તને કીધું હતું કે પ્રેમથી કર બંદગી
મેં તને કીધું હતું કે પ્રેમતો શણગાર છે
મેં તને કીધું હતું કે પ્રેમતો સંસાર છે
મેં તને કીધું હતું કે પ્રેમતો પગથાર છે
મેં તને કીધું હતું કે એથી બેડો પાર છે
મેં તને કીધું હતું કે દ્વેષ નફરત કર નહિ
પ્રેમથી તું જોડ દિલને કોઈથી તું ડર નહિ
મેં તને કીધું હતું કે પ્રેમનો આધાર લે
મુશ્કુરાઈ આંગણામાં પુષ્પનો સત્કાર લે
મેં તને કીધું હતું કે પ્રેમતો આઝાદ છે
નફરતોના જંગલે એ વિણ બધા બરબાદ છે
મેં તને કીધું હતું કે પ્રેમથી આગાઝ કર
જિંદગીના શાંત સાગરમાં તું પેદા સાઝ કર
મેં તને કીધું હતું કે પ્રેમતો બળવાન છે
પુષ્પ સમ કોમળ અને સૌંદર્ય જાજરમાન છે
મેં તને કીધું હતું કે પ્રેમથી રાખ્યા હતા
રામની લીલા હતી જે શબરીએ ચાખ્યા હતા
મેં તને કીધું હતું કે પ્રેમ છે વિશ્રામ પણ
ને અવિરત જીંદગી ભર ચાલતો સંગ્રામ પણ
મેં તને કીધું હતું કે ના પ્રેમના એંધાણ છે
કયાંક ખાડા ટેકરા, કયાંક આરસપા’ણ છે
મેં તને કીધું હતું કે પ્રેમ કેવળ ધ્યેય કર
જિંદગીના ધૂપ છાંયે એના માટે શ્રેય કર
મેં તને કીધું હતું કે પ્રેમમાં થા તરબતર
ભાવભીની લાગણીથી માનવીને પ્યાર કર
મેં તને કીધું હતું કે પ્રેમના તું જામ પી
હસતા હસતા સાથ ત્યારે ઝેરના પણ જામ પી
મેં તને કીધું હતું ભીંજાઈ જા વરસાદમાં
પ્રેમના મોસમમાં વ્યાકુળ કોઈ મીઠી યાદમાં
મેં તને કીધું હતું કે પ્રેમ દીપક બાળજે
ગાઢ કાળી રાતના તું માર્ગને અજવાળજે
મેં તને કીધું હતું દિલ પ્રેમથી તું જીતજે
પુષ્પ હો કે ખાર હો કયારીમાં લોહી સીચજે
મેં તને કીધું હતું કે પ્રેમ એવો રંગ છે
જે ગયો રંગાઈ એના માટે દુનિયા દંગ છે
મેં તને કીધું હતું કે એક વેળા આવશે
ચોતરફ સૌ ગીત ગાશે, પ્રેમ વીણા વાગશે
મેં તને કીધું હતું સાથે મળીને આપણે
પ્રેમ ગીતો ગાઈએ, મોતી સજાવી પાંપણે
મેં તને કીધું હતું કે પ્રેમમાં ઉન્માદ છે
આ ‘રસિક’ની જિંદગી એથી સદા આબાદ છે