એક ના સીધી લીટી
Jan 29th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
જીવન સાંજે જોઈ બધી તો એક ના સીધી લીટી
દોરી દોરી થાકયો એમજ આડી અવળી લીટી
રસ્તા વચ્ચે ઊભા ઊભા વાટ ઘણી મેં જોઈ
થાકી છેવટ નામને એના મારી દીધી લીટી
યાદ તમારી એવી રીતે ભૂલ્યો સમયની સાથે
અક્ષર જાણે ભૂંસાઈ ગયા ઝાંખી ઝાંખી લીટી
ધીમે ધીમે સમજી સમજી પ્રેમની ધારે ધારે
એમ તને મેં લખ્યો કાગળ નોખી નોખી લીટી
ધોળા ધોળા કાગળ લઈને લખ્યું એમાં એવું
કાળા કાળા અક્ષર નીચે ઝીણી ઝીણી લીટી
મેં એકી ટશે, મુગ્દ્ય થઈને જોયો તારો કાગળ
સુંદર અક્ષર, સુંદર શબ્દો, સુંદર એવી લીટી
જોકે ‘રસિક’ની ગણના છે ના વિદ્વાનોમાં તો પણ
વાંચી વાંચી સમજી લીધી અઘરી અઘરી લીટી