Archive for the 'શુષ્ક લાંબા મારગે' Category

પળો સુધાની-“રસિક” મેઘાણી

તમે ફુલ સમ હસીને કરી હર પળો સુધાની
અમે ખાર સમ રડીને કરી ઝેર જિંદગાની

અમે રંગો સઘળા રંગી કરી શ્યામ જિંદગાની
તમે એક રંગ રૂપે સદા ગાળી એ મજાની

કદી પૂર્વજોને છોડી તેં ગુમાવી બેખબર જયાં
હજી એજ માર્ગ મળશે, છબી તારી ભવ્યતાની

અમે આપણા પરાયા થતા એમ પળમાં જોયા
હતી જિંદગી આ જાણે સદા એમના વિનાની

સહી વેણ કડવા એના, રહ્યો મૌન એટલે હું
અહીં આબરૂ ‘રસિક’ની હતી આપણા બધાની

No Comments »

આજ પસ્ત છું-‘રસિક’ મેઘાણી

મારા વજૂદ પર ન જા, છો આજ પસ્ત છું
ભેદીને કાળ ચક્ર જો, એમાં સમસ્ત છું

તૂટી ગયેલ કાચમાં ચહેરાને જોઉં કેમ
વિખરી ગયેલ કટકા મહીં અસ્તવ્યસ્ત છું

બાજી ન કોઈ જીતી શકયું મુજથી એટલે
મારા જ હાથથી હવે મારી શિકસ્ત છું

ખાલીપણાનો સંગ હમેંશા છે એટલે
મારા કદમના ધાકથી ખુદ હું જ ત્રસ્ત છું

તારી વિશાળતાને ભલા કયાં અનુભવું
હું તો અનાદીકાળથી મારામાં મસ્ત છું

ભીતરમાં ચૂર ચૂર છું, હું તે છતાં ‘રસિક’
દેખાવમાં બધાયને લાગ્યો દુરસ્ત છું

No Comments »

લખો-‘રસિક’ મેઘાણી

એ હસીને લખો કે રડીને લખો
નોખ નોખા જખમ સૌ કરીને લખો

ધીમે ધીમે લખો સાચવીને લખો
ટૂંકમાં સારા અક્ષર કરીને લખો

કોઈના દિલની વાતોને વાંચો અગર
આપણા પર નજર પણ કરીને લખો

રોજ કાગળ તમે ના લખો તે છતાં
દિલની વાતો મહીને મહીને લખો

બાદશાહીની જાહોજલાલી બધી
ચાર દીવાલ વચ્ચે ચણીને લખો

મારૂં સળગે છે કાં રોમ જેવુ નગર
દૂર વાગી રહી વાંસળીને લખો

જિંદગીની હકીકત પિછાંણી ‘રસિક’
ઝેરના ઘૂંટડા કડવા પી ને લખો

No Comments »

યાદ નીંગાળો હવે-“રસિક” મેઘાણી

આંખ ભીની યાદ નીંગાળો હવે
ભીંત પરના ચિત્ર ખંખાળો હવે

ધીમે ધીમે આપણા સંબંધમાં
કેમ વધતો જાય વચગાળો હવે

સૌ સમયની પાંખ લઈ ઊડી ગયા
એટલે ખાલી થયો માળો હવે

ખાળવા હો જો તિમિરના વાદળો
કોડવાળા કોડિયાં બાળો હવે

રિક્તતાને ભીંત પરથી ટાળવા
ટોડલા પર યાદ ટીંગાળો હવે

પારધી તુજ નામે પણ ખાલી થશે
ચકલીઓનો ચિત્રમાં માળો હવે

વેદનાની વાટ બાળી રાતભર
મીણબતીને ન ઓગાળો હવે

ભીડમાં ખોવાઈ જા એની ‘રસિક’
એટલીયે છોડ જંજાળો હવે

No Comments »

સમાયો છું-‘રસિક’ મેઘાણી

તારી ચાહતમાં જો સમાયો છું
ખુદના માટે થયો પરાયો છું

રાત લાંબી છે ને તિમિરમય છે
ઝબકી ઝબકી હું ઓલવાયો છું

સાથ તારો ને મારો એમજ છે
જિંદગીભર તારો પડછાયો છું

મારી આંખો ને સ્વપ્ન એનું છે
રાત એ રીતથી જગાયો છું

મારા પોતાના ચહેરા જોઈ બધે
ઘાવ પામીને મુસ્કુરાયો છું

જિંદગી એમ આખી વીતી છે
ચહેરા જોઈને ભોળવાયો છું

પ્રેમ દીપક જલાવી ચાલ્યો ‘રસિક’
સૌના દિલમાં પછી સમાયો છું

No Comments »

ગોતે ખાર હવે-“રસિક” મેઘાણી

પુષ્પ સૌ છોડી ગોતે ખાર હવે
જિંદગીનો છે આ પ્રકાર હવે

બંધ હોંઠે જે ગીત ગાયા છે
એજ છે દર્દની પુકાર હવે

જેના માટે સપન મેં જોયા છે
કયારે એવી થશે, સવાર હવે

લાગણીના અનંત પડઘામાં
કેમ આપું તને પુકાર હવે

ઘાવ જેમાં ‘રસિક’ છુપાવ્યા’તા
એજ દામન છે તારતાર હવે

No Comments »

અને આપણે હતા

પુષ્પોની સાથે ખાર અને આપણે હતા
જીવનનો એ પ્રકાર અને આપણે હતા

કાળી ઘટા વધારે નિશા અંધકારને
ધુમ્મસ ભરી સવાર અને આપણે હતા

તો પણ હળી મળીને વિતાવ્યા દિ’ પ્રેમથી
સૌના અલગ વિચાર અને આપણે હતા

જોતા’તા ખ્વાબ રાતદિ’ તારાને તોડવા
જોબન યુવા ખુમાર અને આપણે હતા

આવેગપૂર્ણ મન હતું, દિલનો સાથ પણ
પાલવમાં અશ્રુધાર અને આપણે હતા

ચહેરા ઉપર ઉભરતા ગયા ચિન્હ એક-એક
એ કાળના પ્રહાર અને આપણે હતા

ચહેરો છુપાવી રોયા હતા જેમાં રાતદિ’
દામન એ તાર તાર અને આપણે હતા

ખરડાઈ લોહીથી ગયા પગ એટલે ‘રસિક’
જીવનની સંગધાર અને આપણે હતા

No Comments »

પ્રથા ઘરમાં-‘રસિક’ મેઘાણી

એજ બાકી રહી પ્રથા ઘરમાં
જુની દુનિયા મળી નવા ઘરમાં

દિલની દુનિયા વસાવવી પડશે
મન તો મૂંઝાશે એ વિના ઘરમાં

ખાલી દીવાલથી નહીં ચાલે
જોઈએં છતને બારણા ઘરમાં

બીજે આરામ એવો ક્યાં મળશે
જેવો એ મળશે આપણા ઘરમાં

દિલને દરિયા સમી ગહનતા દે
ઘરની વાતોને રાખવા ઘરમાં

રાખ સમ વાતને હવા દેતા
આગ લાગી જશે બધા ઘરમાં

વાટ જોવાનો છે ‘રસિક’ મારી
વાર લાગી અગર જવા ઘરમાં

No Comments »

સાચી વાત-‘રસિક’ મેઘાણી

એણે કીધી કદી જો સાચી વાત
શૂળ પેઠે એ દિલમાં લાગી વાત

કાલે પરખી છે જેને દુનિયાએ
એજ આજે હજી છે સાચી વાત

સઘળે તારા ભરમને જાળવવા
કોઈ સામે ન કર તું મારી વાત

ચાર દિવાલ વચ્ચે રાખીને
ઘરમા દાટી બધીજ ઘરની વાત

તોય એની સજા હું પામ્યો છું
જોકે મારે હતી અજાણી વાત

કોઈ પૂછે વિયોગી દિલ માટે
એને કેજો ‘રસિક’ની સઘળી વાત

No Comments »

કરજો સજા મને

તોફાન સામે વાર છું કરજો સજા મને
સંકટ હું ઝીલનાર છું કરજો સજા મને

ફરહાદ, દેવદાસ કે મજનું ભલે નથી
નખશિખ છતાંય પ્યાર છું કરજો સજા મને

કંટકના ઘાવ કારમા ઝીલીને ચૂર છું
પુષ્પોને ચાહનાર છું કરજો સજા મને

કાપે છે લોક તારા ગણી જેના માટે રાત
એ આશની સવાર છું કરજો સજા મને

જેને કદી મળે નહીં પાલવનો આશરો
હું એવી અશ્રુધાર છું કરજો સજા મને

દિલ છે અલિપ્ત મારૂં સદા ઈર્ષા દ્રેષથી
હું તો અખંડ પ્યાર છું કરજો સજા મને

વાચા ‘રસિક’ મળી ન કદી જે વિચારને
ખામોશ એ પુકાર છું કરજો સજા મને

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.