Archive for the 'શુષ્ક લાંબા મારગે' Category

સફરમાં છું-‘રસિક’ મેઘાણી

કેમ લાગે છે કે સફરમાં છું
હું તો મારાજ ખુદના ઘરમાં છું

પાંદડે પાંદડે ઉદાસી છે
મારા મનથી હું પાનખરમાં છું

રાત જેવા તમામ દિવસો છે
કોણ જાણે હું કયા પ્રહરમાં છું

મારા હાથે હું તોડી રાજ મહેલ
સાવ ખંડેર જેવા ઘરમાં છું

ખાર જેવા બધાજ પુષ્પો છે
ભર વસંતે હું પાનખરમાં છું

માર્ગ મંઝિલ કે ના વિસામો છે
એક એવા ‘રસિક’ સફરમાં છું

No Comments »

નયનોનાં આંગણે-“રસિક” મેઘાણી

ઉર્મીઓ દિલથી આવો જો નયનોનાં આંગણે
પાંપણ સજાવશું અમે મોતીના તોરણે

હું ધૂળથી રમી ન કાં વંટોળ સમ રહું
આરસ-પહાણ ચોક નથી મારે આંગણે

મંઝિલ મળી છતાય કદી એમ પણ થયું
દસ્તક દઈ હું થાકી ગયો બંધ બારણે

વાતો કયાસની બધી રેતી સમાન છે
નિર્ણયની તે ઉપર કાં ઈમારત હે દિલ ચણે

ચહેરાના ઘાવ દિલ સુધી અંકિત છે કેમકે
એેનો ઘડાયો ઘાટ જમાનાની એરણે

માટીમાં આખરે છે ‘રસિક’નું વિરામ સ્થાન
ઝૂલ્યો ભલેને હોય એ સોનાના ઝૂલણે

No Comments »

કયાં તું ચાલ્યો ગયો-“રસિક” મેઘાણી

જિંદગીના જખમ ઉઠાવી અને, કયાં તું ચાલ્યો ગયો
એક દિલમાં બધાયે સજાવી હવે, કયાં તું ચાલ્યો ગયો

આગ નફરતની લોકોએ બાળી હતી, રાત કાળી હતી
પ્રેમ જયોતિથી દિલને પ્રજાળી બધે, કયાં તું ચાલ્યો ગયો

ધોમ તડકો હતો, જયાં ત્યાં ખાડા હતાં, પગ ઉઘાડા હતાં
પાસ આવી ગયો જો વિસામો હવે, કયાં તું ચાલ્યો ગયો

રાત અંધારી તોફાની લાંબી હતી, દૂર મંઝિલ હતી
એકલો છોડી રસ્તામાં ત્યારે હવે, કયાં તું ચાલ્યો ગયો

બૂંદ માટે હું સાકી તરસ્તો રહ્યો, વાટ જોતો રહ્યો
ખાલી પ્યાલી ‘રસિક’ પાછી આપી અને, કયાં તું ચાલ્યો ગયો

No Comments »

ચઢતા બપોરે-“રસિક” મેઘાણી

કરી કોશિષો સઘળી ચઢતા બપોરે
મળ્યો છાંયડો કિન્તુ ઢળતા બપોરે

ઘણાના નશીબે નથી રાત મળતી
ઘણા જોયા છે નીંદ કરતા બપોરે

ઉઘાડા પગોમાં છે અંકિત સફર એ
કર્યો રણમાં જે ધોમ ધખતા બપોરે

હતા સૌમ્ય કિરણો જે સંઘ્યા-પ્રભાતે
થયા એજ કાં આગ બળતા બપોરે

‘રસિક’ એટલે છાંયડો શોધતો’તો
વરસ્તી’તી લૂ ધોમ ધખતા બપોરે

No Comments »

ઘણું રોયાં-“રસિક” મેઘાણી

વિતેલ યાદને તાજી કરી ઘણું રોયાં
તમે જો નોખા થયા એ પછી ઘણું રોયાં

છુપાવી પાલવે ચહેરાને અડધી રોતોમાં
સળગતા વાટને ધીમી કરી ઘણું રોયાં

કદમ કદમ બધી યાદો તમારી આવે જ્યાં
હજારવાર એ રસ્તે ફરી ઘણું રોયાં

સળગતી ધૂપમાં રોયા નહીં જે રસ્તામાં
પછીત છાંયડે બેઠા પછી ઘણું રોયાં

બપોર આખી ઉકળતી વરાળ જોઈને
ભરેલ વાદળા સાંજે પછી ઘણું રોયાં

સમયની સાથ વિલય થાતા છેલ્લા શ્વાસ સુદ્યી
બધાય દૂરથી જોતા રહી ઘણું રોયાં

વમળમાં ડૂબી ગઈ નાવ જ્યારે આશાની
ઉછાળી મોજા કિનારા પછી ઘણું રોયાં

‘રસિક’ને આમ તો રોતા કદી ન જોયા છે
છતાંય રાતનાં રોયા પછી ઘણું રોયાં

No Comments »

મજાનો શોખ હતો-“રસિક” મેઘાણી

વિરહની રાતમાં એ પણ મજાનો શોખ હતો
તમારી વાટમાં થાકી જવાનો શોખ હતો

રડી રડી અમે જીવન ગુજારી દીધું પણ
હસી હસી બધું જીવી જવાનો શોખ હતો

ગુજારી કપરી સફર ટેકરાંને ખાડે એમ
અમોને મંઝિલે જાણે જવાનો શોખ હતો

અમોને રાત દિવસ ઘાવ સઘળાં યાદ હતાં
તમોને જોઈ છતાં ભૂલવાનો શોખ હતો

અમોને ખોયો છે જ્યાં, ત્યાં કદાચ ગોતી શકાય
ફરીથી એવા એ રસ્તે જવાનો શોખ હતો

સળગતી ધૂપમાં ચાલત કદી ન હું કિન્તુ
તમારી સાથ મને ચાલવાનો શોખ હતો

નસીબે ડુંગરો દુઃખના લખ્યા ‘રસિક’ નહિંતર
સુખેથી અમને જીવન જીવવાનો શોખ હતો

No Comments »

મન અગર કંચન રહે-“રસિક” મેઘાણી

ગેરૂ છોને હો અગન પણ્, મન અગર કંચન રહે
તો પ્રણયના માર્ગમાં તું ના કદી નિર્ધન રહે

લાખ બંધન તોડીને ચાલીં સફરમાં એકલા
વાટમાં તારૂં અને મારૂં સદા બંધન રહે

બંધ લોચન મેં કરી જોયું હૃદયમાં વાસ છે
દૂર આંખેથી નરી તું લાખ છો જોજન રહે

ખાર હો કે પાનખર એને નડે ના કોઈ દિ’
માળી તારા બાગમાં જો રકતનું સીંચન રહે

ગર્મી, ઠંડી, કો’દિ વર્ષા, કો’દિ તડકો-છાંયડો
શુષ્ક લાંબા મારગે એથી ‘રસિક’ જીવન રહે

No Comments »

દર્દે જીગર-“રસિક” મેઘાણી

પ્રેમ બદલે આપ્યું તેં દર્દે જીગર
એટલી પણ કોણ કરશે મુજ કદર

ભાત કદમોની ભલે બદલાય રોજ
ચાલતી રે‘શે છતાંયે એ ડગર

તે છતાં કાં હું નગરમાં ગુમ થયો
એજ રસ્તા, એજ ચહેરા, એજ ઘર

શબ્દો અશ્રુ થઈ અને વહેતા રહ્યા
ફફડી ફફડી રહી ગયા બંને અદ્યર

કાલ વીતી ભવ્ય એવી આજ પણ
ક્યારે પાછી આવશે કોને ખબર

એય પણ અંતાઈ જાશે એક દિ
જે અનાદિકાળથી ચાલે સફર

કુરચી કુરચી થઈ ‘ રસિક’ વિખરી ગયું
ભગ્ન મારા દિલ સમું આખું નગર

No Comments »

કારમા એ વાર પછી-“રસિક” મેઘાણી

ખિઝાંના છેલ્લા અને કારમા એ વાર પછી
ચમનમા આવી શકી ના કદી બહાર પછી

તિમિરની આજ ઘટા જે છવાઈ ચોગમ છે
એ તારી સાંજ છે મારી છે કાં સવાર પછી

તમામ એષણા હું જિંદગીની પામી ગયો
રહી ના બાકી કશીયે તમારા પ્યાર પછી

અમારા હાલ કાં ઈન્કાર બાદ પૂછો છો
થઈ ગયું, જે થવાનું હતું એ ત્યાર પછી

ન વાત યાદ રહી કે ન કંઈ રહી ફરિયાદ
બધુંય ભૂલી ગયો, તારા આવકાર પછી

વિરહની રાતનો દીપક છે કયાં સુધી બળશે
એ પણ ઠરી જશે, ઝબકીને થોડી વાર પછી

તમારી જીતનો ઉલ્લાસ કયાંય નો’તો ‘રસિક’
ઉદાસી વ્યાપી’તી ચોગમ અમારી હાર પછી

No Comments »

ના વધારે લખું-“રસિક” મેઘાણી

કાંઈ ઓછું લખું ના વધારે લખું
તેં જે આપ્યા જખમ હું એ જયારે લખું

સૌ પ્રથમ નામ યાદીમાં તારૂં હશે
દિલના જખમોના કારણ હું જયારે લખું

આમ લખતો નથી રોજ દિલના જખમ
લખવા બેસું પછી અશ્રુધારે લખું

ધોમ તપતા બપોરે જે વાગ્યા જખમ
રાત રસ્તામાં એને ઉતારે લખું

લોહી ભીના શરીરે જે ટપકે જખમ
મેં સહન કીધા કેવા ખુમારે લખું

જિંદગીની હકીકતના ઊંડા જખમ
જેમ તું ઈચ્છે હું એ પ્રકારે લખું

સંગ વર્ષાની વચ્ચે રહ્યો છે ‘રસિક’
એક મજનુંના એને સહારે લખું

No Comments »

Next »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help