મને મળોતો-“રસિક” મેઘાણી
Mar 19th 2008rasikmeghaniભીની ભીની આંખો
હું બેાજ મનના બધા ઉતારૂં, તમે કદી જો મને મળોતો
હૃદયની વાતો બધી બતાવું, તમે કદી જો મને મળોતો
તમામ નિસ્તેજ ચહેારા વચ્ચે, હું આશ દીપક સ્વરૂપે ઝબકું
નયનમાં સૂરજ નવા પ્રજાળું, તમે કદી જો મને મળોતો
ગગનથી તોડી બધા સિતારા, તમારા પાલવમાં હું સજાવું
તમે ન માનો છતાં મનાવું, તમે કદી જો મને મળોતો
તમારું સ્વાગત કરૂં હસીને, બિછાવું પલકો તમારી વાટે
જખમ પુરાના બધા વિસારૂં, તમે કદી જો મને મળોતો
તમારા દુઃખથી દુઃખી હું થાઊં, તમે હસો તો મને હસાવું
તમારા અસ્તિત્વમાં સમાવું, તમે કદી જો મને મળોતો
સુમનના તોરણને ગુંથી ગુંથી, સુગંધી રસ્તે સજાવું રંગત
હું ગીત ઉર્મીથી ભીના ગાઊં, તમે કદી જો મને મળોતો
‘રસિક’ મળો કે પછી મળો ના, છતાંય જીવન લગી હું એમજ
હૃદયના બંધન બધા નિભાવું, તમે કદી જો મને મળોતો