એક વેળા હતી

નોખ  નોખા  પથિક, પંથ  નોખા  હતાં,  એક  વેળા હતી
પ્રેમ   પૂર્વક  છતાં   કેવા  ભેગા   હતાં,  એક  વેળા  હતી

પાનખર પણ હતી, કંટકો  પણ હતાં, ને  કળી  પણ  હતી
પ્રેમ  પુષ્પો  છતાં  ખિલ્યા  કરતા  હતાં, એક  વેળા  હતી

એક  જેવોજ   ચહેરો  બધાનો  હતો,  પ્રાણ  પ્યારો  હતો
સૌના  દરવાજે   દર્પણ  મઢેલા  હતાં,  એક   વેળા   હતી

સાથ  રમ્યા  હતાં,  સાથ  ભમ્યા હતાં, સાથ  જીવ્યા હતાં
ધૂપમાં   છાંયડો   સાથ   ઝંખ્યા  હતાં,  એક   વેળા  હતી

એક બીજાના દુઃખથી દઃખી થઈ જતાં, એનું  ઔષધ થતાં
જિંદગીના  જખમ  કેવા  સહેલા  હતાં,  એક  વેળા  હતી

છાંયડો  પણ  હતો, ધૂપ  બળતી  હતી, રાત  ઢળતી હતી
નોખી  મંઝિલ  છતાં  સાથ  ચાલ્યા  હતાં, એક વેળા હતી

આજ  એનાથી  દિલ  ઝગમગાવો  બધે,  ઘર સજાવો બધે
પ્રેમ જ્યોતિ ‘રસિક’ લઈ જે ચાલ્યા હતાં, એક વેળા હતી

No Comments »

સરસને હું

 છે   આસપાસના   લોકો   બધા   સરસને   હું
છતાં  કાં  એકલો  તડકે   મળ્યો   દિવસને   હું

ઉજાસ   જોઈને   ચાલ્યો  બધાની   સાથે  પણ
હવે   છે   એકલી   સૂની  સડક,  તમસને   હું

મેં  એ  નગરથી  મુહબ્બતની  આશ  રાખી છે
તમામ    લોક   અજાણ્યા   અરસપરસને   હું

સમસ્ત   જિંદગી   વીતી   છે   એમ  રસ્તામાં
અસીમ  રણમાં  વરસ્તી’તી  લૂ, તરસને   હું

બધુંજ ખોઊં   છતાં   કેમ   એને   ખોઈ   શકું
મતામાં   તારી   મળી   પ્રેમની   જણસને  હું

મેં   તારા   સંગમાં   હસતા  રહી  ગુજાર્યા  છે
હજી   એ  યાદ  કરૂં  છું   ગયા  દિવસને   હું

ઊઠાવી   સંગ  બધા  દ્રેષ  સાથે  ઊભા  હતા
જલાવી  પ્રેમના દીપક ‘રસિક’  વિવશને  હું

No Comments »

અજવાળામાં

જિંદગી   એમ   ગુજરતી   રહી  અજવાળામાં
લૂ  વરસ્તી’તી   રણે   પ્યાસ  ભર્યા   તડકામાં

એક  દર્પણ   હતું,  એને   ફરી   જોયા   કીધું
કેમ  જાણે   હતું   એવું   તે  શું   એ  ચહેરામાં

બંધ  આંખોના  પડળને  જરા   એ   તો  પુછો
કેવા  સપનાઓ    સજાવ્યા  છે  મેં  અંધારામાં

ચીસ એના પછી યુગ યુગ સુધી સુણસે દુનિયા
બંધ  હોંઠો  છતાં  દિલના  છે  જે  ધબકારામાં

હાથમાં   સંગ   હતાં,   પ્રેમનો  રસ્તો   રોકી
આમ  તો  મારા  હતાં  લોકો  બધા  જોવામાં

એક ઈચ્છા છે ‘રસિક’, એની દુઆ છે કેવળ
એને ‘ડેમી’ નદી  જોવી  છે જઈ ‘ટંકારા’માં

 

No Comments »

મારે આંગણે

જૂઈ   ચમેલી   શોભતા   છે   મારે   આંગણે
સગપણ  બધા  સુવાસના  છે  મારે   આંગણે

ક્યારેય   ધૂપ  ના   મળે  જીવનની  રેત  પર
એવા  સમયના  છાંયડા   છે   મારે   આંગણે

સ્વાગત  ન  કેમ  તારૂં  કરૂં  ભીના  ભાવથી
ખુલ્લા  હૃદયના બારણા    છે  મારે   આંગણે

શ્રાવણ  કે  માગસર  અને   ચૈતરની  ધૂપના
મોસમ   બધાય   પ્રેમના   છે  મારે   આંગણે

હસતા   રહી  ગુજરતી  રહે  આખી  જિંદગી
દુઃખ   દર્દ  જાણે  ફુલડા   છે   મારે   આંગણે

ઈચ્છામાં  તારા   પ્રેમની  કૂંપળ  મળી   હતી
ઊગેલ   એના   છોડવા    છે  મારે   આંગણે

ભીનાશ  લાગણી  ભરી  સ્પર્શી શકે ‘રસિક’
સગપણના   એ   ટેરવા    છે  મારે   આંગણે

No Comments »

ને અમે યાદ આવશું

પુષ્પો    પરાગશે  ને   અમે  યાદ   આવશું
રંગો   નિખારશે  ને   અમે   યાદ   આવશું

કોઈ   મધુરી  યાદના   તું  મીઠા  ખ્વાબમાં
તોરણ   સજાવશે   ને  અમે   યાદ  આવશું

વીતી  જશે દિવસ બધા સૂરજની આસપાસ
સંઘ્યા  પછી   થશે  ને  અમે   યાદ  આવશું

કિલ્લોલ  કરતી  કોયલો  આંબાની  ડાળપર
ટૌંકાર    આપશે   ને  અમે   યાદ   આવશું

ભૂલેલ  યાદ ક્યાંક  સૌ સખીયોના   સંગમાં
કોઈ    સતાવશે   ને   અમે   યાદ   આવશું

પથરાળી  લાંબી વાટમાં  કાળી અમાસ રાત
તું   ડગલું   માંડશે  ને  અમે  યાદ   આવશું

ઘનઘોર કાળાં વાદળો ગાજ્યાં પછી ‘રસિક’
વરસાદ   આવશે   ને   અમે   યાદ  આવશું

No Comments »

વાલમ હવે તો આવ- ‘રસિક’ મેઘાણી

ટપકી  રહી  છે  વેદના, વાલમ  હવે  તો આવ
વરસે  નયનથી  વાદળા, વાલમ  હવે તો આવ

તું   આવશે  તો   આભલા  સૂરજ   બની  જશે
પગલા  થશે  પરોઢના, વાલમ  હવે  તો  આવ

બંને   મળીને    ઝીલશું   બળતા   બપોરે   ધૂપ
ચૈતર  સજાવે  ઝાંઝવા, વાલમ  હવે  તો  આવ

નફરત  કહીં  નહીં  મળે,  બસ પ્રેમને  હો પ્રેમ
એવી  પળોને  પામવા, વાલમ  હવે  તો આવ

દ્રષ્ટિ    સમેટી     ઉંબરે    ઊભો   છું   એકલો
સપના  સજાવી  પ્રેમના, વાલમ હવે તો આવ

તારા  વિયોગે   યાદમાં  વીતી  રહી  છે   રાત
ડૂબી  રહ્યા  છે  તારલા, વાલમ હવે  તો આવ

આકાશગંગા   ઝગમગે    રસ્તે   સદન   સુધી
ખુલ્લા છે દિલના બારણા,વાલમ હવે તો આવ
 રસિક’ મેઘાણી

No Comments »

તમે યાદ આવશો

મન  કાંઈ  ઝંખશે ને  તમે  યાદ આવશો
વ્યાકુળ  હૃદય થશે ને  તમે યાદ આવશો

કોઈ  નવોઢા નારના  ઝાંઝર સજેલા પગ
ઝંકાર   આપશે  ને  તમે   યાદ  આવશો

મંઝિલ નજીક  આવતાં  થાકી  જશું  અમે
બેચાર  ડગ  હશે  ને  તમે  યાદ  આવશો

કાળી અમાસ  રાતે  કોઈ  સોણલા  મહીં
દ્યરપત  અપાવશે ને  તમે  યાદ  આવશો

પથરાળા પંથે મોજથી ચાલ્યા ઉભય હતાં
મન  એ  વિચારશે ને  તમે  યાદ આવશો

મોસમ  બદલતા  રૂપમાં  જ્યારે ઉમંગથી
રંગો    સજાવશે ને  તમે   યાદ   આવશો

કોઈની  વાટ  જોતા કદી એકલા ‘રસિક’
બેચેન  દિલ  થશે  ને  તમે  યાદ આવશો

No Comments »

જત લખવું કે-

ચહેરો તારો મનહર મનહર, છે અતિ મનહર, જત લખવું કે
ચર્ચા    એની   ચૌટે   ચૌટે,   સાત  સમંદર,  જત  લખવું  કે

પર્વત   પર્વત,  કંદરા  કંદરા,   ચાલવું  થાકવું  ડગલે  પગલે
સાંકડી  કેડી,  લાંબો  પંથક,  વિધ્નો  નિરંતર, જત લખવું કે

એક વિપળમાં લાખ યુગોનું પહેલું મિલન શું યાદ છે વાલમ?
શબ્દ નિરંતર હોંઠ ફફડતા,  જડવત  અંતર,  જત  લખવું  કે

તારા  વિનાની  દુનિયા  જાણે  સૂની  સડકે   આકુળ  વ્યાકુળ
ચૈતર   તડકે  ગરજી   ગરજી   વરસે  ભાદર, જત  લખવું કે

આપણું  વાલમ ! પ્યારૂં   જીવન,  વિત્યું  એમજ  ઢાંકી ઢૂંબી
શીતળ  શીતળ  લાબી   રાતો, ટૂંકી  ચાદર,  જત  લખવું  કે

દેશી   બની  પરદેશમાં  રહેવું, એમાં  કયાં  છે  વેરના  જેવું
જેવો  હું   છું  એવો   તું   છે,  એકજ  કલ્ચર, જત લખવું કે

તારો મારો પ્રેમ અમર પણ, બદલાઈ ગયો તુજ ફોન પુરાણો
તારી  સાથે  વાત  કરૂં કયાં,  કયાં  છે નંબર   જત લખવું કે

No Comments »

એ ઘર છે આપણું

ના  કોઈનો   નિવાસ   છે,  એ ઘર છે  આપણું
ના  કયાંય  પણ  ઉજાસ છે, એ ઘર છે  આપણું

દીવાલે  રંગ ના  થયો  વર્ષોથી  જ્યાં, તે  આજ
શેવાળનો   લિબાસ   છે,  એ  ઘર  છે  આપણું

ફળિયામાં    કાંટા  ગોખરાં    વિખરેલ  છે   બદ્યે
ના  પુષ્પની  સુવાસ   છે, એ  ઘર  છે   આપણું

બારી,   વરંડો, બારણા,  તૂટેલ   ભીંત   પણ
ખંડેર   આસપાસ    છે,   એ   ઘર  છે  આપણું

બાઝી   ગયેલ  જાળાં    બદ્યે    દ્યૂળદ્યૂળ    પણ
મન  જોઈ  જે  ઉદાસ  છે,  એ  ઘર  છે આપણું

મોસમ   હતી   જ્યાં  એકલા  પૂનમના  રાતદી’
ત્યાં આજ  બસ અમાસ  છે,  એ ઘર છે આપણું

દીવાલે  કયાં કયાં   રિકત  છબી  ટાંગતા  રહ્યા
એનો  હવે   કયાસ   છે,  એ  ઘર  છે   આપણું

છેલ્લું   મકાન   છેલ્લી  ગલીમાં   છે  ને  ‘રસિક’
રસ્તો  પછી  ખલાસ   છે,  એ  ઘર  છે  આપણું

No Comments »

થઈ જાઉં

એ   જાને  તમન્ના   પ્રેમ  ભર્યા  બે  શબ્દ કહી   દે  થઈ  જાઉં
વાદળ  બનીને  વર્ષું  કહીં;  કહીં  તોફાન  સમીપે   થઈ  જાઉં

છે   પ્રેમની   ઘાટી  એમાં  તો,  વસવાટ  જીવનભર   કરવાને
તું   મારી   હસીને   થઈ   જાયે,  હું   તારો   હસીને   થઈ  જાઉં

કાળી   માઝમ   રાતમાં   એમજ   હું    ખાળું   આંધી   તોફાનો
તુજ   વાટનો  દીવો  બળતો  રહું  ને  રાખ  બળીને   થઈ  જાઉં

પ્રેમ  નગરના   ગીતો   ગાવા,  નીલ    ગગનનો   પંખી  થાઉં
એકલો  એકલો  થઈ  ના   શકાયે, તુજ  સાથ મળીને  થઈ જાઉં

એકવાર  સમર્પણ  થઈ જાઉં, તુજ  જયોતની આગળ પાછળ ને,
હું   પ્રેમના  પંથે એમ  નિછાવર  સો વાર  પછીયે   થઈ  જાઉં

તું  પારસ  છે   હું  પથ્થર   છું,  તું  ઈચ્છે  બધુંયે  થઈ  જાયે
સંસર્ગમાં  તારા  એથી  ‘રસિક’  હું  કાંઈ   નથીને  થઈ  જાઉં

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.