વહનને પૂછ
Feb 28th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
ઝાકળની જેમ શોભતા અશ્રુ વહનને પૂછ
કેવી વિરહની રાત હતી, મુજ નયનને પૂછ
કેવી હૃદય વ્યથા છે, ને શું મનની વેદના
રેખા જખમની જોવી હો, તો મુજ વદનને પૂછ
તું ઝાંઝવામાં ગુમ હતો હું ગોતવા તને
કયાં કયાં સુધી નથી ગયો મારા સપનને પૂછ
તારી કટૂતા કયાં સુધી કરતી ગઈ અસર
મારા વદનને જો નહીં, તારા તું મનને પૂછ
જેને કદી બનાવ્યું મુહબ્બતનું રાજઘર
ખંડેર જેવું આજ કાં, એ તુજ દમનને પૂછ
આ ફેરે પાનખરથી વધીને વસંતમાં
મુર્ઝાઈ પુષ્પ કાં ગયા, એ તો ચમનને પૂછ
તારી નજરના એક અનાદરને ટાળવા
શું શું નથી કર્યાં મેં જતન અંજુમનને પૂછ
એણે જફા કરી, તો કરી કેટલી ‘રસિક’
મારી વફા એ જાણવા, એના દમનને પૂછ