Archive for the 'ભીની ભીની આંખો' Category

એકલો ઊભો છું-‘રસિક’ મેઘાણી

ધોમ બપોરે સૂરજ બાળી એકલો એકલો ઊભો છું
તારી વાટે મીટ હું માંડી એકલો એકલો ઊભો છું

ઘોંઘાટ ભરેલી ભીડની વચ્ચે કોઈને ખુદનો સમજીને
તારા નામે સાદ પુકારી એકલો એકલો ઊભો છું

નફરતના વંટોળની વચ્ચે સૂની સૂની સડકોપર
હાથમાં પ્રેમની જયોત જલાવી એકલો એકલો ઊભો છું

આકાશ ઉઘાડી ધરતી ઉપર શૂન્ય દિશામાં થાકીને
તમને છેવટ સાદ પુકારી એકલો એકલો ઊભો છું

આગળ પાછળ તડકા વચ્ચે એક વિસામો દીઠો છે
તારી પછીતે છાંયો ઢાળી એકલો એકલો ઊભો છું

અડધા પડધા સગપણ સાથે કાળી ધોળી દુનિયમાં
જીવનના સૌ ભેદ હું પામી એકલો એકલો ઊભો છું

લૂ નીતરતા ચહેરા સાથે દોડી દોડી થાકી ‘રસિક’
રસ્તાઓના બેાજ ઉતારી એકલો એકલો ઊભો છું

No Comments »

ખુશ્બૂ વહી રહી છે-‘રસિક’ મેઘાણી

અમારા જીવન સફરની સાથે, તમારી ખુશ્બૂ વહી રહી છે
અમારા શ્વાસોમાં શ્વાસ થઈને, તમારી ખુશ્બૂ વહી રહી છે

અનંત રસ્તામાં થાકી જાતે, પરંતુ આશા મિલન સમર્પેં
અમારા દિલમાં ઉમંગ જાગે, તમારી ખુશ્બૂ વહી રહી છે

અમારા જીવનના આંગણામાં, સળગતા સૂરજના ઝાંઝવા છે
સમીર શીતળ વહે ત્યાં જાણે, તમારી ખુશ્બૂ વહી રહી છે

યુગોથી જે વાટ જોતાં જોતાં,અમોએ જીવન ખપાવી દીધું
હવે કહે દિલની ધડકનો કે, તમારી ખુશ્બૂ વહી રહી છે

મયૂર ફેલાવી પંખ નાચે, ઘટામા કોયલના ગુંજે ગુંજન
ખુમારથી આજ મનડું નાચે, તમારી ખુશ્બૂ વહી રહી છે

કુમાશ કળીઓની પાંગરી ગઈ, ચમનમાં રંગત સજાવી દઈને
સુમન સુશોભિત દરેક ડાળે, તમારી ખુશ્બૂ વહી રહી છે

ઘણાંય વિતી ગયા છે મોસમ, છતાંય આજે તમે કહોતો
બિછાવું પલકો ‘રસિક’ જે પંથે, તમારી ખુશ્બૂ વહી રહી છે

No Comments »

આસપાસ રસ્તામાં-“રસિક” મેઘાણી

કયાંક તુજ આસપાસ રસ્તામાં
મારી મુજને તલાસ રસ્તામાં

કોઈ મળતું નથી અમસ્તું પણ
જિંદગીના ઉદાસ રસ્તામાં

ચાલી ચાલી પડાવ માટે થઈ
જિંદગી પણ ખલાસ રસ્તામાં

સઘળાં મંઝિલ વિહોણા ભટકે છે
મનમાં લઈ ખુદના વ્યાસ રસ્તામાં

ધોમ તડકે ઉઘાડા આભ તળે
ઝાંઝવાની છે પ્યાસ રસ્તામાં

એક તારી તલાશમાં જોયાં
સુખના બેચાર શ્વાસ રસ્તામાં

તારો પૂનમ નગરમા વાસ ‘રસિક’
મારી ઓથે અમાસ રસ્તામાં

No Comments »

મને મળોતો-“રસિક” મેઘાણી

હું બેાજ મનના બધા ઉતારૂં, તમે કદી જો મને મળોતો
હૃદયની વાતો બધી બતાવું, તમે કદી જો મને મળોતો

તમામ નિસ્તેજ ચહેારા વચ્ચે, હું આશ દીપક સ્વરૂપે ઝબકું
નયનમાં સૂરજ નવા પ્રજાળું, તમે કદી જો મને મળોતો

ગગનથી તોડી બધા સિતારા, તમારા પાલવમાં હું સજાવું
તમે ન માનો છતાં મનાવું, તમે કદી જો મને મળોતો

તમારું સ્વાગત કરૂં હસીને, બિછાવું પલકો તમારી વાટે
જખમ પુરાના બધા વિસારૂં, તમે કદી જો મને મળોતો

તમારા દુઃખથી દુઃખી હું થાઊં, તમે હસો તો મને હસાવું
તમારા અસ્તિત્વમાં સમાવું, તમે કદી જો મને મળોતો

સુમનના તોરણને ગુંથી ગુંથી, સુગંધી રસ્તે સજાવું રંગત
હું ગીત ઉર્મીથી ભીના ગાઊં, તમે કદી જો મને મળોતો

‘રસિક’ મળો કે પછી મળો ના, છતાંય જીવન લગી હું એમજ
હૃદયના બંધન બધા નિભાવું, તમે કદી જો મને મળોતો

No Comments »

લાંબો રસ્તો-“રસિક” મેઘાણી

જીવનભરનો લાંબો રસ્તો
મારા ઘરનો કાચો રસ્તો

તારા ઘરને વરસો થયા પણ
યાદ હજી છે ઝાંખો રસ્તો

ચાલી ચાલી થાકી ગયો છું
તોય છે બાકી લાંબો રસ્તો

એકજ મંઝિલ તોય હમેંશા
તારો મારો નોખો રસ્તો

જોઈ તમાશો નોખા થયા સૌ
લીધો આપણો આપણો રસ્તો

તારા ઘરને ભૂલી કદી પણ
દીઠો ના મેં બીજો રસ્તો

ભીડ ભરેલી દુનિયા કિંતુ
તારા વિના છે સૂનો રસ્તો

ધોમ બપોરે શૂન્ય દિશામાં
હું છું ‘રસિક’ ને મારો રસ્તો

No Comments »

હુતૂ તુતૂ જેવું રમીંએં-“રસિક” મેઘાણી

સાથ મળીને સઘળા આજે હુતૂ તુતૂ જેવું રમીંએં
કોઈ નહીંતો આપણે બંને હુતૂ તુતૂ જેવું રમીંએં

રમતા રમતા લપસી પડીએં, લપસી લપસી ઊભા થઈએં
ભણતા ગણતા એમ સમયને હુતૂ તુતૂ જેવું રમીંએં

કળીઓ જેવા કોમળ ચહેરા, ફૂલ ગુલાબી રંગ ભરીને
ઝાંકી દિલના યાદ ઝરૂખે હુતૂ તુતૂ જેવું રમીંએં

સુખના દિવસો જીવી જઈએં, સાથ મળીને આપસમાં
દુઃખના દિવસો મેલી આઘે હુતૂ તુતૂ જેવું રમીંએં

નફરતના સૌ કાંટા બાળી, કાલની વાતો કાલે રાખી
પ્રેમ કરીને આજ બધાને હુતૂ તુતૂ જેવું રમીંએં

કોયલ જેવી મીઠી મીઠી, કાલી ઘેલી વાણીમાં
ભૂલકાઓથી ભાવ લઈને હુતૂ તુતૂ જેવું રમીંએં

જીવન ઝરણું વહેતી ગંગા, પામી એમાં તૃપ્તિ ‘રસિક’
નાના મોટાં સઘળા મળીને હુતૂ તુતૂ જેવું રમીંએં

No Comments »

ચાલ્યા સજનના દ્વારે

સમગ્ર જીવનનો બેાજ ઊંચકી, અમે તો ચાલ્યા સજનના દ્વારે
બધા સબંધોને સૂના છોડી, અમે તો ચાલ્યા સજનના દ્વારે

વસંત હો કે હો પાનખર પણ, બધાય મોસમ અમારા મોસમ
કળીને રંગત સુગંધ અર્પી, અમે તો ચાલ્યા સજનના દ્વારે

મિલનની આશામાં પળ ગણીને, યુગો વિતાવ્યા જે વાટે એની
ધડકતા હૈયે કદમ ઉઠાવી, અમે તો ચાલ્યા સજનના દ્વારે

તમામ જગના બગીચા ખાળી, સજાવી જે છાબડી છે એના
સુમનથી ખુશ્બૂને રંગ માંગી, અમે તો ચાલ્યા સજનના દ્વારે

તમારી યાદે જે વીતી રાતો, સમેટી ઝાકળ સ્વરૂપે એને
પછી નયનમાં સજાવી મોતી, અમે તો ચાલ્યા સજનના દ્વારે

અમારા મનની પરીની પાંખે, ઉછળતા મનની વિહંગ આંખે
ઉમળકા સાથે સબંધ બાંધી, અમે તો ચાલ્યા સજનના દ્વારે

ઉગાવી આંખોમાં આશ જવાળા, સપન સજાવી ‘રસિક’ મિલનનું
હૃદયના ભાવોમાં ઉર્મી ઢાળી, અમે તો ચાલ્યા સજનના દ્વારે

No Comments »

ઉદયની વાતો છે

એક સૂરજ ઉદયની વાતો છે
જાણે ઝાકળ વિલયની વાતો છે

કયાંક ભય, કયાંક લયની વાતો છે
એક તાજા પ્રલયની વાતો છે

કાલ મારા સમયની વાત હતી
આજ તારા સમયની વાતો છે

સાંભળે છે રડી રડીને બધા
એજ મારા પ્રણયની વાતો છે

જીતનારાય જયાં તબાહ થશે
એક એવા વિજયની વાતો છે

લાગણીની સુવાસ ફોરે જયાં
સૌ એ મારા હૃદયની વાતો છે

એકદિ’ હુંય વાટ જોતો હતો
તારી મારી એ વયની વાતો છે

મારી ગઝલોમાં કેમ લાગે ‘રસિક’
કયાંક લયની કયાંક મયની વાતો છે

No Comments »

બેઠા હતા

કદાચ લોક તમાશો કરીને બેઠા હતા
નગરના ચોકે જો ટોળે વળીને બેઠા હતા

હૃદયની વેદના ભૂલી જઈને બેઠા હતા
તમારી વાટમાં હસતા રહીને બેઠા હતા

બચાવે કોણ એ નિર્દોંષ માનવીને હવે
જો સારા માનવી પોતે ડરીને બેઠા હતા

તમારી વાટમાં ડૂબી ગયો’તો સૂરજ પણ
તમારી વાટમાં તારા ગણીને બેઠા હતા

તમારા ફોનની ઘંટી જરાય વાગી નહીં
યુગોની વેળા અમે પળ ગણીને બેઠા હતા

તમારી ચાહના સ્વાગત કરી રહી’તી ‘રસિક’
તમામ હાથમાં બૂકે લઈને બેઠા હતા

No Comments »

ઝરણની છે પ્યાસ-“રસિક” મેઘાણી

જિંદગીના ઝરણની છે પ્યાસ
નફરતોના કરી વનમાં વાસ

જન્મથી મૃત્યુ પર્યત પ્રવાસ
આશ પગલાને મૃગજળના વ્યાસ

વિશ્વ આખું છે મુજ આસપાસ
તોય તારા વિના હું ઉદાસ

પ્રેમ અમૃતનું એકજ સ્વરૂપ
ક્યાંક દિલનું અગોચર તપાસ

છે ઉષામાં કાં ધુમ્મસ હજી?
રાત કાળી જો થઈ ગઈ ખલાસ

કારખાનાની કાળી વસંત
ફૂલમાં પણ રહી ના સુવાસ

આખું ઘર મારું સળગી ગયું
રાખ ઊડીને થઈ ગઈ ખલાસ

સૂર્ય કિરણોય થંભી ગયા
ચાંદ બારીથી આવ્યો ઉજાસ

છાંયડો ના સદાકાળ છે
ક્યાંક તડકાનો પણ છે સમાસ

વાટ કોની જુએ છે ‘રસિક’ ?
ક્યારની સાંજ થઈ ગઈ ખલાસ !

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.