ઝરણની છે પ્યાસ-”રસિક” મેઘાણી

જિંદગીના ઝરણની છે પ્યાસ
નફરતોના કરી વનમાં વાસ

જન્મથી મૃત્યુ પર્યત પ્રવાસ
આશ પગલાને મૃગજળના વ્યાસ

વિશ્વ આખું છે મુજ આસપાસ
તોય તારા વિના હું ઉદાસ

પ્રેમ અમૃતનું એકજ સ્વરૂપ
ક્યાંક દિલનું અગોચર તપાસ

છે ઉષામાં કાં ધુમ્મસ હજી?
રાત કાળી જો થઈ ગઈ ખલાસ

કારખાનાની કાળી વસંત
ફૂલમાં પણ રહી ના સુવાસ

આખું ઘર મારું સળગી ગયું
રાખ ઊડીને થઈ ગઈ ખલાસ

સૂર્ય કિરણોય થંભી ગયા
ચાંદ બારીથી આવ્યો ઉજાસ

છાંયડો ના સદાકાળ છે
ક્યાંક તડકાનો પણ છે સમાસ

વાટ કોની જુએ છે ‘રસિક’ ?
ક્યારની સાંજ થઈ ગઈ ખલાસ !

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

 Type in