એકલો ઊભો છું-‘રસિક’ મેઘાણી

ધોમ બપોરે સૂરજ બાળી એકલો એકલો ઊભો છું
તારી વાટે મીટ હું માંડી એકલો એકલો ઊભો છું

ઘોંઘાટ ભરેલી ભીડની વચ્ચે કોઈને ખુદનો સમજીને
તારા નામે સાદ પુકારી એકલો એકલો ઊભો છું

નફરતના વંટોળની વચ્ચે સૂની સૂની સડકોપર
હાથમાં પ્રેમની જયોત જલાવી એકલો એકલો ઊભો છું

આકાશ ઉઘાડી ધરતી ઉપર શૂન્ય દિશામાં થાકીને
તમને છેવટ સાદ પુકારી એકલો એકલો ઊભો છું

આગળ પાછળ તડકા વચ્ચે એક વિસામો દીઠો છે
તારી પછીતે છાંયો ઢાળી એકલો એકલો ઊભો છું

અડધા પડધા સગપણ સાથે કાળી ધોળી દુનિયમાં
જીવનના સૌ ભેદ હું પામી એકલો એકલો ઊભો છું

લૂ નીતરતા ચહેરા સાથે દોડી દોડી થાકી ‘રસિક’
રસ્તાઓના બેાજ ઉતારી એકલો એકલો ઊભો છું

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

 Type in