Archive for March, 2008

સમાયો છું-‘રસિક’ મેઘાણી

તારી ચાહતમાં જો સમાયો છું
ખુદના માટે થયો પરાયો છું

રાત લાંબી છે ને તિમિરમય છે
ઝબકી ઝબકી હું ઓલવાયો છું

સાથ તારો ને મારો એમજ છે
જિંદગીભર તારો પડછાયો છું

મારી આંખો ને સ્વપ્ન એનું છે
રાત એ રીતથી જગાયો છું

મારા પોતાના ચહેરા જોઈ બધે
ઘાવ પામીને મુસ્કુરાયો છું

જિંદગી એમ આખી વીતી છે
ચહેરા જોઈને ભોળવાયો છું

પ્રેમ દીપક જલાવી ચાલ્યો ‘રસિક’
સૌના દિલમાં પછી સમાયો છું

No Comments »

ગોતે ખાર હવે-“રસિક” મેઘાણી

પુષ્પ સૌ છોડી ગોતે ખાર હવે
જિંદગીનો છે આ પ્રકાર હવે

બંધ હોંઠે જે ગીત ગાયા છે
એજ છે દર્દની પુકાર હવે

જેના માટે સપન મેં જોયા છે
કયારે એવી થશે, સવાર હવે

લાગણીના અનંત પડઘામાં
કેમ આપું તને પુકાર હવે

ઘાવ જેમાં ‘રસિક’ છુપાવ્યા’તા
એજ દામન છે તારતાર હવે

No Comments »

રબ યાદ કરતા રહેવું-“રસિક” મેઘાણી

તિમિરની રાતે પ્રકાશ અર્પે, સદા એ રબ યાદ કરતા રહેવું
વિરાટ રણમાં દિશા બતાવે, સદા એ રબ યાદ કરતા રહેવું

તમામ જીવન અથાક ચાલી, હસીને અડચણ ગુજારી દેવા
સુખો મળે કે દુઃખો છતાંયે, સદા એ રબ યાદ કરતા રહેવું

ભટકતા મંઝિલ વગર મુસાફિર,ઉઘાડા આકાશ નીચે રણમાં
અસીમ એને જે તૃપ્તિ અર્પે, સદા એ રબ યાદ કરતા રહેવું

અમીંના ખળખળ વહાવે ઝરણા, અનંત મેદાન ડુંગરોમાં
સિતાર જેની હ્રદયમાં ગુંજે, સદા એ રબ યાદ કરતા રહેવું

બિછાવે લીલોતરી ચમનમાં, સજાવે સુરભીથી ડાળી ડાળી,
સુમનને સૌરભ’રસિક’સમર્પે,સદા એ રબ યાદ કરતા રહેવું

No Comments »

બલ્બ ઓલાયા

રાતના ઓન બલ્બ ઓલાયા
પાંપણો ઓસથી તો ભીંજાયા

કાંટા દિલપર જો મારા ઝીલાયા
ત્યારે ઉપવનમાં પુષ્પ સર્જાયા

નોખ નોખા સજેલા ચહેરાઓ
એક જેવા તમામ પડછાયા

મારું આવી ગયું’તુ ઘર ત્યારે
એક ખંડેર પાસે અટકાયા

તોય બત્તી સડકની બળતી રહી
કોરડા આંધિઓના વીંઝાયા

બીજું સઘળું તમારું ભૂલાયું
પત્રમાં બસ લખેલા વંચાયા

લોફ ચાલ્યા છે કેવા રસ્તાપર
પ્રેમના ચિન્હ ચિન્હ લોપાયા

સંગ મજનૂને કાલ વાગ્યા જે
આજ મારા એ રસ્તે પથરાયા

વશમાં હૅયુ રહ્યું ન આંખો પણ
જ્યારે ફોટામાં તેઓ જોવાયા

વરસો વીત્યે “રસિક” જો મળ્યાતો
વાત કરવા જરાક અચકાયા

No Comments »

પ્રેમ-“રસિક” મેઘાણી

મેં તને કીધું હતું કે પ્રેમથી છે જિંદગી
મેં તને કીધું હતું કે પ્રેમથી કર બંદગી

મેં તને કીધું હતું કે પ્રેમતો શણગાર છે
મેં તને કીધું હતું કે પ્રેમતો સંસાર છે

મેં તને કીધું હતું કે પ્રેમતો પગથાર છે
મેં તને કીધું હતું કે એથી બેડો પાર છે

મેં તને કીધું હતું કે દ્વેષ નફરત કર નહિ
પ્રેમથી તું જોડ દિલને કોઈથી તું ડર નહિ

મેં તને કીધું હતું કે પ્રેમનો આધાર લે
મુશ્કુરાઈ આંગણામાં પુષ્પનો સત્કાર લે

મેં તને કીધું હતું કે પ્રેમતો આઝાદ છે
નફરતોના જંગલે એ વિણ બધા બરબાદ છે

મેં તને કીધું હતું કે પ્રેમથી આગાઝ કર
જિંદગીના શાંત સાગરમાં તું પેદા સાઝ કર

મેં તને કીધું હતું કે પ્રેમતો બળવાન છે
પુષ્પ સમ કોમળ અને સૌંદર્ય જાજરમાન છે

મેં તને કીધું હતું કે પ્રેમથી રાખ્યા હતા
રામની લીલા હતી જે શબરીએ ચાખ્યા હતા

મેં તને કીધું હતું કે પ્રેમ છે વિશ્રામ પણ
ને અવિરત જીંદગી ભર ચાલતો સંગ્રામ પણ

મેં તને કીધું હતું કે ના પ્રેમના એંધાણ છે
કયાંક ખાડા ટેકરા, કયાંક આરસપા’ણ છે

મેં તને કીધું હતું કે પ્રેમ કેવળ ધ્યેય કર
જિંદગીના ધૂપ છાંયે એના માટે શ્રેય કર

મેં તને કીધું હતું કે પ્રેમમાં થા તરબતર
ભાવભીની લાગણીથી માનવીને પ્યાર કર

મેં તને કીધું હતું કે પ્રેમના તું જામ પી
હસતા હસતા સાથ ત્યારે ઝેરના પણ જામ પી

મેં તને કીધું હતું ભીંજાઈ જા વરસાદમાં
પ્રેમના મોસમમાં વ્યાકુળ કોઈ મીઠી યાદમાં

મેં તને કીધું હતું કે પ્રેમ દીપક બાળજે
ગાઢ કાળી રાતના તું માર્ગને અજવાળજે

મેં તને કીધું હતું દિલ પ્રેમથી તું જીતજે
પુષ્પ હો કે ખાર હો કયારીમાં લોહી સીચજે

મેં તને કીધું હતું કે પ્રેમ એવો રંગ છે
જે ગયો રંગાઈ એના માટે દુનિયા દંગ છે

મેં તને કીધું હતું કે એક વેળા આવશે
ચોતરફ સૌ ગીત ગાશે, પ્રેમ વીણા વાગશે

મેં તને કીધું હતું સાથે મળીને આપણે
પ્રેમ ગીતો ગાઈએ, મોતી સજાવી પાંપણે

મેં તને કીધું હતું કે પ્રેમમાં ઉન્માદ છે
આ ‘રસિક’ની જિંદગી એથી સદા આબાદ છે

No Comments »

અને આપણે હતા

પુષ્પોની સાથે ખાર અને આપણે હતા
જીવનનો એ પ્રકાર અને આપણે હતા

કાળી ઘટા વધારે નિશા અંધકારને
ધુમ્મસ ભરી સવાર અને આપણે હતા

તો પણ હળી મળીને વિતાવ્યા દિ’ પ્રેમથી
સૌના અલગ વિચાર અને આપણે હતા

જોતા’તા ખ્વાબ રાતદિ’ તારાને તોડવા
જોબન યુવા ખુમાર અને આપણે હતા

આવેગપૂર્ણ મન હતું, દિલનો સાથ પણ
પાલવમાં અશ્રુધાર અને આપણે હતા

ચહેરા ઉપર ઉભરતા ગયા ચિન્હ એક-એક
એ કાળના પ્રહાર અને આપણે હતા

ચહેરો છુપાવી રોયા હતા જેમાં રાતદિ’
દામન એ તાર તાર અને આપણે હતા

ખરડાઈ લોહીથી ગયા પગ એટલે ‘રસિક’
જીવનની સંગધાર અને આપણે હતા

No Comments »

પ્રથા ઘરમાં-‘રસિક’ મેઘાણી

એજ બાકી રહી પ્રથા ઘરમાં
જુની દુનિયા મળી નવા ઘરમાં

દિલની દુનિયા વસાવવી પડશે
મન તો મૂંઝાશે એ વિના ઘરમાં

ખાલી દીવાલથી નહીં ચાલે
જોઈએં છતને બારણા ઘરમાં

બીજે આરામ એવો ક્યાં મળશે
જેવો એ મળશે આપણા ઘરમાં

દિલને દરિયા સમી ગહનતા દે
ઘરની વાતોને રાખવા ઘરમાં

રાખ સમ વાતને હવા દેતા
આગ લાગી જશે બધા ઘરમાં

વાટ જોવાનો છે ‘રસિક’ મારી
વાર લાગી અગર જવા ઘરમાં

No Comments »

સાચી વાત-‘રસિક’ મેઘાણી

એણે કીધી કદી જો સાચી વાત
શૂળ પેઠે એ દિલમાં લાગી વાત

કાલે પરખી છે જેને દુનિયાએ
એજ આજે હજી છે સાચી વાત

સઘળે તારા ભરમને જાળવવા
કોઈ સામે ન કર તું મારી વાત

ચાર દિવાલ વચ્ચે રાખીને
ઘરમા દાટી બધીજ ઘરની વાત

તોય એની સજા હું પામ્યો છું
જોકે મારે હતી અજાણી વાત

કોઈ પૂછે વિયોગી દિલ માટે
એને કેજો ‘રસિક’ની સઘળી વાત

No Comments »

કરજો સજા મને

તોફાન સામે વાર છું કરજો સજા મને
સંકટ હું ઝીલનાર છું કરજો સજા મને

ફરહાદ, દેવદાસ કે મજનું ભલે નથી
નખશિખ છતાંય પ્યાર છું કરજો સજા મને

કંટકના ઘાવ કારમા ઝીલીને ચૂર છું
પુષ્પોને ચાહનાર છું કરજો સજા મને

કાપે છે લોક તારા ગણી જેના માટે રાત
એ આશની સવાર છું કરજો સજા મને

જેને કદી મળે નહીં પાલવનો આશરો
હું એવી અશ્રુધાર છું કરજો સજા મને

દિલ છે અલિપ્ત મારૂં સદા ઈર્ષા દ્રેષથી
હું તો અખંડ પ્યાર છું કરજો સજા મને

વાચા ‘રસિક’ મળી ન કદી જે વિચારને
ખામોશ એ પુકાર છું કરજો સજા મને

No Comments »

રસ્તા-“રસિક” મેઘાણી

કંટકોથી ભર્યા બધા રસ્તા
જાણે જંગલ બની ગયા રસ્તા

જૂના રસ્તા ઉપર પ્રથમ ચાલો
શોધવા હોય જો નવા રસ્તા

મોતે આપી ન કાંઈ પણ મહેતલ
જીવવાના ઘણા હતા રસ્તા

એક જીવન ખપાવી દીધું મેં
સાચા ખોટા વિચારવા રસ્તા

એક મંઝિલ છે બેઉની સહચર
તે છતાં કેમ છે જૂદા રસ્તા

જિંદગી એમ પણ વિતાવી મેં
આપણું ઘર ને આપણા રસ્તા

તોય નિષ્ફળ થઈ જવાનો હું
જો મને મળશે એકલા રસ્તા

એટલે તો ‘રસિક’ થયા નિષ્ફળ
ઉંબરેથી ફરી ગયા રસ્તા

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.