મુકતકો – ‘રસિક’ મેઘાણી

મુકતકો

તમે હસો તો પ્રફૂલ્લિત વદન થઈ જાશું
ને, આવકારો,તો નમશું, નયન થઈ જાશું
દુઃખોને કર્મ પ્રસાદી બનાવી લેશું પણ,
જુદાઇ દો તો કવિનું કવન થઇ જાશું
***

આંખથી અશ્રુધારે વરસ્તા રહો, કિન્તુ હસ્તા રહો
જિન્દગીના જખમ સૉ કણસ્તા રહો, કિન્તુ હસ્તા રહો
એષણાની ભરી ગાંઠડીને પછી દોડતા રણમાં ચારે તરફ
ધોમ તડકામાં મ્રગજળ તરસ્તા રહો, કિન્તુ હસ્તા રહો
‘રસિક’ મેઘાણી

No Comments »

કાગળ વગર -યામિની ગૌરાંગ વ્યાસ

કાગ કા કા કહેણ કે કાગળ વગર,
આગમન કોનું થશે અટકળ વગર !

કોણ સાંભળશે કિનારાની વ્યથા
નાવ આ ડૂસ્કે ચઢી છે જળ વગર.!

સામસામે થાય સિંજારવ મધુર
એ જ મનમેળાપ છે મીંઢળ વગર.!

ટેરવામાં તરફડાટો હોય છે
જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.!

ખૂબ ભીંજાવું પડે છે, દોસ્તો !
લાગણીનાં એક પણ વાદળ વગર.!

આગ, ધુમાડા વિના દૂણાય શું ?
મન સળગતું હોય દાવાનળ વગર.!

-યામિની ગૌરાંગ વ્યાસ
‘લયસ્તર’ના સૉજન્યથી
http://layastaro.com/?p=1120

No Comments »

પુરાની યાદના પાના-‘રસિક’ મેઘાણી

સમયની સાંજ સંભારે, પુરાની યાદના પાના
વલોવી દિલને તડપાવે, પુરાની યાદના પાના

હતા કેવળ એ સંગાથી દિલાસા દિલને દેનારા
તમે ચાલી ગયા ત્યારે, પુરાની યાદના પાના

અમે જો વાંચવા બેઠા, સમેટી જ્યારે આંખોમાં
યુગોમાં રાત વિસ્તારે, પુરાની યાદના પાના

ભલેને પાનખર આવી, અમારી તોય ભીતરમાં
રહ્યા ખુશ્બુના સથવારે, પુરાની યાદના પાના

તમારી યાદ જૉ આવી, ફરી આવી, સતત આવી,
અમે વાંચી ગયા ત્યારે, પુરાની યાદના પાના

ન કાં ચળકાટ એનૉ હૉ, અમારી વેદના સાથે
લખ્યા છે રક્તથી જ્યારે, પુરાની યાદના પાના

સમયની સાથ કાગળ જીર્ણ્ થાતાંએમ પણ જોયાં
સરકતી રેતમાં જાણે , પુરાની યાદના પાના

કુસુમવન પ્રેમના ખીલ્યાં ‘રસિક’ એકાંતમાં ત્યારે
સતત અશ્રુઓ શણગારે, પુરાની યાદના પાના

No Comments »

દીવડા ઠરી ગયા-‘રસિક’ મેઘાણી

વાયરાની રાતમાં દીવડા ઠરી ગયા
સાથ લઈને ચાલતા દીવડા ઠરી ગયા

એ વદન-પ્રભા બધા આંખ આંજતી ગઈ
એકલા ઉજાશમાં દીવડા ઠરી ગયા

તારલાની રાત પણ સાથ ના દઈ શકી
વાટમાંને વાટમાં દીવડા ઠરી ગયા

રાત આખી એકલા એમ પણ ગુજારી છે
જોત જોતાં કેટલાં દીવડા ઠરી ગયા

એક જો ઠરી ગયો, બીજો બાળતા ગયા
એક બાદ કેટલાં દીવડા ઠરી ગયા

કાલ એવા ઊગશે સૂર્ય સમ સતેજ થઈ
આજ રાત જેટલાં દીવડા ઠરી ગયા

રાતભર ન જે ઠર્યાં, આંધિ હો કે હો પ્રલય
ઝબકી આજ, એજ કાં દીવડા ઠરી ગયા

જિંદગી ઉજાસ પણ રહી તો એ રહી‘રસિક’
આશ લઈને આંખમાં દીવડા ઠરી ગયા

1 Comment »

સુધી જવું છે-ડો.એસ એસ રાહી

દરિયાને તુચ્છ કહેવા તળિયા સુધી જવું છે
અથવા કોઈ સુખીના નળિયા સુધી જવું છે

સંસારના ભ્રમણની શી છે જરૂર મારે
હું તો પ્રવાસી ઘરનો, ફળિયા સુધી જવું છે

પહોંચીને થડની ટોચે પસ્તાયો છું હું અનહદ
વીતેલ યુગને મળવા મૂળિયાં સુધી જવું છે

એ જન્મટીપનો કેદી પોતે નવલકથા છે
એના હૃદયના બારીક સળિયા સુધી જવું છે

ત્યાં ચેન છે ? મજા છે ? ઉષ્મા છે ? જાણવાને
તારા અકળ નયનના તળિયા સુધી જવું છે

ડો.એસ એસ રાહી
(‘લયસ્તરો’ના સૌજન્યથી)

No Comments »

થોડીકવાર જો – ‘રસિક’ મેઘાણી

ઝાઝું તું જોઈ ના શકે, થોડીકવાર જો
ઝીલી રહ્યો છું કારમા કેવા પ્રહાર જો

કયારેક તું જનાર જો, ને આવનાર જો
કેવા કર્યા છે કારમા કોણે પ્રહાર જો

ડૂબેલ બેડા કેટલા એના ઉદરમાં છે
ઉછળી રહેલ મોજાની તું આરપાર જો

કાળી પ્રલયની રાતમાં વીતે છે જે મને
જોવા તું એને કો’કદી’ મારી સવાર જો

ખરડાઈ રક્તથી ગયા કાં, પય એ જો નહિ
રસ્તાની વચ્ચે કેટલી છે સંગધાર જો

છાતીમાં સળવળે છે કાં ચૈતર હજી સુધી
કોની વહે છે યાદમાં શ્રાવણની ધાર જો

સૈકાથી સ્તબ્ધ વાટમાં ઊભો હું જેમની
ઉઘડી રહ્યા છે આજ એ બીડેલ દ્બાર જો

તોપણ ‘રસિક’ બધાયથી કરવાનો પ્રેમ છે
નફરત કહીં, તો કયાંક મળી જાશે પ્યાર જો

No Comments »

વિખૂટા પડી ગયા- ‘રસિક’ મેઘાણી

હતા પ્રેમની જે પરબ સમા, એ બધા વિખૂટા પડી ગયા
અમે પ્યાસ લઈને રહી ગયા, ને બધા વિખૂટા પડી ગયા

હવે માત્ર તડકો રહી ગયો, અને પગમાં છાલાં ભરી ગયો
હતા પાસ જેમના છાંયડા, એ બધા વિખૂટા પડી ગયા

કોઈ ખ્વાબ લઈને વળી ગયા, કોઈ ખ્વાબ દઈને વધી ગયા
અમે ખ્વાબ વચ્ચે રહી ગયા, ને બધા વિખૂટા પડી ગયા

હતાં સાથ જેઓ કદમ કદમ, હતું જેનાથી બધે દમબદમ
હવે આજ કયાં ગયા એ બધા? એ બધા વિખૂટા પડી ગયા

બધા સળગી થઈ ગયા રાખ ઘર, ને તમાશો જોતું રહ્યું નગર
અમે ચીસ પાડી શમી ગયા, ને બધા વિખૂટા પડી ગયા

કહીં દિલમાં જેમનો વાસ છે, અને દિલમાં જેમની આશ છે
રહી દિલમાં એમની ઝંખના, જે બધા વિખૂટા પડી ગયા

હવે તે અમારા તમામ છે, નથી જાણતા કે શું નામ છે
જે અધીક પ્રાણથી પણ હતા, એ બધા વિખૂટા પડી ગયા

અમે એક એક ‘રસિક’ ગણી, ને બનાવી માળા જે પ્રેમની
કહીં એ જે મણકા સરી ગયા, ને બધા વિખૂટા પડી ગયા

No Comments »

અણી ઉપર -ગોપાલ શાસ્ત્રી

દીવાલો જર્જરિત છ્ત તૂટી પડવાની અણી ઉપર.
કરે છે બંધ દરવાજો નીકળવાની અણી ઉપર.

ભલું થાજો તમારું કે મને ચીંધી ગયા રસ્તો,
હતો હું એની શેરીમાં રઝળવાની અણી ઉપર.

હજી પણ બંધ દરવાજે તમારી યાદના તોરણ,
હજી પણ બંધ પાંપણ છે પલળવાની અણી ઉપર.

પરિચિત એક પડછાયો ફરી લંબાયો ડેલીમાં,
ફરીથી ભીંતનો છાયો છે ઢળવાની અણી ઉપર.

ફરીથી ચાંદની છલકી રહી છે બંધ આંખો માં,
હતાં બે_ચાર સ્વપ્નાંઓ પ્રજળવાની અણી ઉપર.

ન જાણે કોણ સંકોરે શબદની વાટ અણધારી,
હતો મારો ગઝલ_ દીપક કજળવાની અણી ઉપર.

તમારી સાથ વીતેલી હતી એ સાંજ આપી દો,
હવે છે સ્વાસનાં પંખી નીકળવાની અણી ઉપર.

_ ગોપાલ શાસ્ત્રી
બઝ્મે વફાના સૉજન્યથી
http://bazmewafa.wordpress.com/

No Comments »

સંગ શબ્દનો -અમૃત ઘાયલ

થાતા તો થઇ ગયો’તો ઘડી સંગ શબ્દનો.
પણ આ જુઓ જતોજ નથી રંગ શબ્દનો.

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા,
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો.

સમજાવી એટલે તો શકે છે સાનમાં,
કે એની સાનમાં છે સહજ ઢંગ શબ્દનો.

છાયા મહીં વિષાદની આવી ગયો હશે,
વેધક નહીં તો હોય અહીં વ્યંગ શબ્દનો.

તારી સવારમાં જ છે એવું નથી કશું,
છે મારી સાંજ માંય અસલ રંગ શબ્દનો.

’ઘાયલ’ નથી પહોંચતી નાખી કશે નજર,
અમને તો એમ વ્યાપ હશે તંગ શબ્દનો.

_ અમૃત ઘાયલ
બઝ્મે વફાના સૉજન્યથી
http://bazmewafa.wordpress.com/

No Comments »

પ્રભાત છે- ‘રસિક’ મેઘાણી

ધુમ્મસ ભરેલ કાં હજી મારૂં પ્રભાત છે
ગાળી વિપળમાં કાળી જો સૈકામાં રાત છે

યુગ યુગના ઘાવ લઈને ફરૂં છં હું એકલો
બે-ચાર પળના દુઃખની કહીં શું વિશાત છે

છોળો ખુશીથી ત્યારે જમાનો ભરી ગયો
મુજ રકતથી જો ચીતરી રંગીન ભાત છે

ચહેરા ઉપર ઉભરતા હૃદય ભાવ જોઈ લે
ખલ્લી કિતાબ જેમ સદા મુજ હયાત છે

બાકી ‘રસિક’ છે કપરા બધાયે પ્રવાસમાં
સુખના દિવસ તો જિંદગીના પાંચ સાત છે

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.