Archive for March, 2008

આંબી નહીં શકું-‘રસિક’ મેઘાણી

કોણે કહયું તને કદી આંબી નહીં શકું
રસ્તાના ખાડાં ટેકરા ખાળી નહીં શકું

ચાલીશ મારા મનથી હું મારા પંથપર
બીજાના ચીંઘ્યા ઢાળમાં ઢાળી નહીં શકું

સંગ્રામ હું નસીબથી કરવાનો પળવિપળ
અશ્રુ વહાવી માર્ગમાં થોભી નહીં શકું

મારો અસહય બેાજ ઉપાડીશ હામથી
બીજાનો હું તણખલો ઉઠાવી નહીં શકું

બાળીને જયોત પ્રેમની ચાલીશ રાતદિન
નફરતની આગમાં કદી ચાલી નહીં શકું

મક્કમ ‘રસિક’ છું મારા ઈરાદામાં એટલે
ડગલું ભરીને પાછો હું વાળી નહીં શકું

No Comments »

પરંતુ અત્યારે(વિલેનલ-૦૨)

સવારે ઊગશે સૂરજ પરંતુ અત્યારે
તિમિરની રાતના વિંઝાઈ વાયરા વાતા
યુગો યુગોમાં વિપળ રાત કાળી વિસ્તારે

વિરહની રાતનો દીપક ઠરી ગયો ત્યારે
ગગનના આભલા ઝબકીને તૂટતા જોયા
સવારે ઊગશે સૂરજ પરંતુ અત્યારે

છે શૂન્ય શૂન્ય દિશાઓ ને ગાઢ અંધારે
અવાજ તમરા પશુના ને ગુંજતા પડઘા
યુગો યુગોમાં વિપળ રાત કાળી વિસ્તારે

રડી રડી અને પાલવમાં અશ્રુ શણગારે
ભરેલ વાદળા વરસીને ભીંજવે ચહેરા
સવારે ઊગશે સૂરજ પરંતુ અત્યારે

પ્રશાંત વાટમાં પગરવની આશ ધબકારે
અમીટ હામના વાદળ ઉઠાવી લીધા છતાં
યુગો યુગોમાં વિપળ રાત કાળી વિસ્તારે

કદી વિલય થશે નફરત ભરેલ અંધારા
કદીક પ્રેમના ઝગમગશે કિરણો દુનિયામાં
સવારે ઊગશે સૂરજ પરંતુ અત્યારે
યુગો યુગોમાં વિપળ રાત કાળી વિસ્તારે

No Comments »

કેવો મનહર -‘રસિક’ મેઘાણી

કેવો અનુપમ કેવો મનહર
તારો હસતો ચહેરો સુંદર

ચહેરે શીતળ શાંત સરોવર
અગ્નિ અગ્નિ દિલની ભીતર

દાવાનળ જો દિલનું ઉકળે
ઉછળે મોજા સાત સમંદર

આપણા પંથે ધૂળને ઢેફા
કયાંક છે કંકર, કયાંક છે પથ્થર

મનના મોસમ રોજ નવીનતમ
કો’દી ચૈતર, કો’દી ભાદર

એજ છે આશા, એજ નિરાશા
રમતો રહું છું શમણા અંદર

No Comments »

સંભવ લાગે

કોના ભયનો સંભવ લાગે
આખું નગર કાં નીરવ લાગે

જોઉં હૃદયના દર્પણમાં હું
મારા સમ સૌ માનવ લાગે

આખી રાતના અશ્રુ લૂંછી
તારું ભીનું પાલવ લાગે

એકલા એકલા સૂની રાતે
દિલની ધડકન પગરવ લાગે

મારું શોણિત એનો પાયો
આજ તને જે વૈંભવ લાગે

ઊંચી ઈમારત મૃત્યુ તાંડવ
આજનો માનવ દાનવ લાગે

પુષ્પ પ્રસારે સૌરભ કેવળ
કાદવ હો તો કાદવ લાગે

કાલી ઘેલી કોયલ ડાળે
સુંદર સુંદર કલરવ લાગે

પ્રેમ ભરેલી દુનિયા આખી
એતો ‘રસિક’નું શૈષવ લાગે

No Comments »

સફરમાં છું-‘રસિક’ મેઘાણી

કેમ લાગે છે કે સફરમાં છું
હું તો મારાજ ખુદના ઘરમાં છું

પાંદડે પાંદડે ઉદાસી છે
મારા મનથી હું પાનખરમાં છું

રાત જેવા તમામ દિવસો છે
કોણ જાણે હું કયા પ્રહરમાં છું

મારા હાથે હું તોડી રાજ મહેલ
સાવ ખંડેર જેવા ઘરમાં છું

ખાર જેવા બધાજ પુષ્પો છે
ભર વસંતે હું પાનખરમાં છું

માર્ગ મંઝિલ કે ના વિસામો છે
એક એવા ‘રસિક’ સફરમાં છું

No Comments »

નયનોનાં આંગણે-“રસિક” મેઘાણી

ઉર્મીઓ દિલથી આવો જો નયનોનાં આંગણે
પાંપણ સજાવશું અમે મોતીના તોરણે

હું ધૂળથી રમી ન કાં વંટોળ સમ રહું
આરસ-પહાણ ચોક નથી મારે આંગણે

મંઝિલ મળી છતાય કદી એમ પણ થયું
દસ્તક દઈ હું થાકી ગયો બંધ બારણે

વાતો કયાસની બધી રેતી સમાન છે
નિર્ણયની તે ઉપર કાં ઈમારત હે દિલ ચણે

ચહેરાના ઘાવ દિલ સુધી અંકિત છે કેમકે
એેનો ઘડાયો ઘાટ જમાનાની એરણે

માટીમાં આખરે છે ‘રસિક’નું વિરામ સ્થાન
ઝૂલ્યો ભલેને હોય એ સોનાના ઝૂલણે

No Comments »

કયાં તું ચાલ્યો ગયો-“રસિક” મેઘાણી

જિંદગીના જખમ ઉઠાવી અને, કયાં તું ચાલ્યો ગયો
એક દિલમાં બધાયે સજાવી હવે, કયાં તું ચાલ્યો ગયો

આગ નફરતની લોકોએ બાળી હતી, રાત કાળી હતી
પ્રેમ જયોતિથી દિલને પ્રજાળી બધે, કયાં તું ચાલ્યો ગયો

ધોમ તડકો હતો, જયાં ત્યાં ખાડા હતાં, પગ ઉઘાડા હતાં
પાસ આવી ગયો જો વિસામો હવે, કયાં તું ચાલ્યો ગયો

રાત અંધારી તોફાની લાંબી હતી, દૂર મંઝિલ હતી
એકલો છોડી રસ્તામાં ત્યારે હવે, કયાં તું ચાલ્યો ગયો

બૂંદ માટે હું સાકી તરસ્તો રહ્યો, વાટ જોતો રહ્યો
ખાલી પ્યાલી ‘રસિક’ પાછી આપી અને, કયાં તું ચાલ્યો ગયો

No Comments »

ચઢતા બપોરે-“રસિક” મેઘાણી

કરી કોશિષો સઘળી ચઢતા બપોરે
મળ્યો છાંયડો કિન્તુ ઢળતા બપોરે

ઘણાના નશીબે નથી રાત મળતી
ઘણા જોયા છે નીંદ કરતા બપોરે

ઉઘાડા પગોમાં છે અંકિત સફર એ
કર્યો રણમાં જે ધોમ ધખતા બપોરે

હતા સૌમ્ય કિરણો જે સંઘ્યા-પ્રભાતે
થયા એજ કાં આગ બળતા બપોરે

‘રસિક’ એટલે છાંયડો શોધતો’તો
વરસ્તી’તી લૂ ધોમ ધખતા બપોરે

No Comments »

ઘણું રોયાં-“રસિક” મેઘાણી

વિતેલ યાદને તાજી કરી ઘણું રોયાં
તમે જો નોખા થયા એ પછી ઘણું રોયાં

છુપાવી પાલવે ચહેરાને અડધી રોતોમાં
સળગતા વાટને ધીમી કરી ઘણું રોયાં

કદમ કદમ બધી યાદો તમારી આવે જ્યાં
હજારવાર એ રસ્તે ફરી ઘણું રોયાં

સળગતી ધૂપમાં રોયા નહીં જે રસ્તામાં
પછીત છાંયડે બેઠા પછી ઘણું રોયાં

બપોર આખી ઉકળતી વરાળ જોઈને
ભરેલ વાદળા સાંજે પછી ઘણું રોયાં

સમયની સાથ વિલય થાતા છેલ્લા શ્વાસ સુદ્યી
બધાય દૂરથી જોતા રહી ઘણું રોયાં

વમળમાં ડૂબી ગઈ નાવ જ્યારે આશાની
ઉછાળી મોજા કિનારા પછી ઘણું રોયાં

‘રસિક’ને આમ તો રોતા કદી ન જોયા છે
છતાંય રાતનાં રોયા પછી ઘણું રોયાં

No Comments »

મજાનો શોખ હતો-“રસિક” મેઘાણી

વિરહની રાતમાં એ પણ મજાનો શોખ હતો
તમારી વાટમાં થાકી જવાનો શોખ હતો

રડી રડી અમે જીવન ગુજારી દીધું પણ
હસી હસી બધું જીવી જવાનો શોખ હતો

ગુજારી કપરી સફર ટેકરાંને ખાડે એમ
અમોને મંઝિલે જાણે જવાનો શોખ હતો

અમોને રાત દિવસ ઘાવ સઘળાં યાદ હતાં
તમોને જોઈ છતાં ભૂલવાનો શોખ હતો

અમોને ખોયો છે જ્યાં, ત્યાં કદાચ ગોતી શકાય
ફરીથી એવા એ રસ્તે જવાનો શોખ હતો

સળગતી ધૂપમાં ચાલત કદી ન હું કિન્તુ
તમારી સાથ મને ચાલવાનો શોખ હતો

નસીબે ડુંગરો દુઃખના લખ્યા ‘રસિક’ નહિંતર
સુખેથી અમને જીવન જીવવાનો શોખ હતો

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.