મહારણ છે સામે રસ્તામાં
Feb 4th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
ઝરે તરસ છે, મહારણ છે સામે રસ્તામાં
બધે તરસ છે, મહારણ છે સામે રસ્તામાં
તમામ એકલો તડકામાં છોડી ચાલી ગયા
હવે તરસ છે, મહારણ છે સામે રસ્તામાં
ઉઘાડા આભ અને શૂન્ય સમ દિશ વચ્ચે
મને તરસ છે, મહારણ છે સામે રસ્તામાં
ઊકળતી ધૂપમાં થાકું ન ચાલી ચાલીને
ભલે તરસ છે, મહારણ છે સામે રસ્તામાં
હવે તો થાકી ગયા દોડી ઝાંઝવાં પાછળ
ભમે તરસ છે, મહારણ છે સામે રસ્તામાં
છે ઘાવ ઘાવ બદન, તાર તાર વસ્ત્રો પણ
અને તરસ છે, મહારણ છે સામે રસ્તામાં
ક્ષિતિજને આંબી શકું છું વિપળમાં કિન્તુ ‘રસિક’
નડે તરસ છે, મહારણ છે સામે રસ્તામાં