Archive for April, 2008

સંગ શબ્દનો -અમૃત ઘાયલ

થાતા તો થઇ ગયો’તો ઘડી સંગ શબ્દનો.
પણ આ જુઓ જતોજ નથી રંગ શબ્દનો.

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા,
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો.

સમજાવી એટલે તો શકે છે સાનમાં,
કે એની સાનમાં છે સહજ ઢંગ શબ્દનો.

છાયા મહીં વિષાદની આવી ગયો હશે,
વેધક નહીં તો હોય અહીં વ્યંગ શબ્દનો.

તારી સવારમાં જ છે એવું નથી કશું,
છે મારી સાંજ માંય અસલ રંગ શબ્દનો.

’ઘાયલ’ નથી પહોંચતી નાખી કશે નજર,
અમને તો એમ વ્યાપ હશે તંગ શબ્દનો.

_ અમૃત ઘાયલ
બઝ્મે વફાના સૉજન્યથી
http://bazmewafa.wordpress.com/

No Comments »

પ્રભાત છે- ‘રસિક’ મેઘાણી

ધુમ્મસ ભરેલ કાં હજી મારૂં પ્રભાત છે
ગાળી વિપળમાં કાળી જો સૈકામાં રાત છે

યુગ યુગના ઘાવ લઈને ફરૂં છં હું એકલો
બે-ચાર પળના દુઃખની કહીં શું વિશાત છે

છોળો ખુશીથી ત્યારે જમાનો ભરી ગયો
મુજ રકતથી જો ચીતરી રંગીન ભાત છે

ચહેરા ઉપર ઉભરતા હૃદય ભાવ જોઈ લે
ખલ્લી કિતાબ જેમ સદા મુજ હયાત છે

બાકી ‘રસિક’ છે કપરા બધાયે પ્રવાસમાં
સુખના દિવસ તો જિંદગીના પાંચ સાત છે

No Comments »

વાંધો પડ્યો છે શ્વાસને

જીવવા માટે સતત છે દોડવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.
બંધ આંખે ચિત્ર આખું દોરવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

તેં કહ્યું ને મેં તરત માની લીધું, પણ કંઈ સમસ્યા દોસ્ત રસ્તામાં હતી.
ઘર વગર સરનામું કાયમ શોધવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

સૂર્ય પાછો કાં ઊગ્યો ? કાં આથમી સાંજે ગયો… ? ને રાત પણ શાને થઈ ?
રોજ ઊઠી કોક કારણ ખોળવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને ?

એમણે એવો સમયને આંતર્યો, કે ત્યાં જ ખોવાઈ ગયા’તા આપણે
વ્યર્થ ઘટનાઓ નિહાળી ડોલવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

આપણા હાથે જ સંબંધો સતત ઊગ્યા હતા, ફાલ્યા હતા ને અંતમાં,
આપણા હાથે જ સગપણ તોડવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
‘રીડ ગુજરાતી’ના સૉજન્યથી
http://www.readgujarati.com/

No Comments »

ફૂલ ખરે- ‘રસિક’ મેઘાણી

તમે હસો, તો તમારા મુખેથી ફૂલ ખરે
અમારા દિલની ખુદા એ દુવા કબૂલ કરે

પછી આ જિંદગી હસતા રહીને વતી જશે
કદી જો પ્રેમમાં પાગલ થવા તું ભૂલ કરે

અનંત વિસ્તરી જાશે પછી મિલન મારૂં
હૃદય જો લાગણી સીંચી વિપળ અમૂલ કરે

પ્રદીપ પ્રેમના બાળે જો અંધકારોમાં
તો ઋણ એનું બધા દિલ સુધી વસૂલ કરે

કરે તો પાર્થ એ મેદાને પ્રશ્ન ક્રિશ્નાથી
ન બીજા પાંડવો સહદેવ કે નકૂલ કરે

હમેંશા ઘાવ સુમનથી મને મળ્યા જો ‘રસિક’
તો આજ કાંટા તું પાલવમાં કાં બબૂલ ભરે

No Comments »

જીવ થાકી ગયો-‘રસિક’ મેઘાણી

વાત વાતે તને યાદ કરતા રહી, જીવ થાકી ગયો
તું ન આવ્યો ફરી, ઝંખનાયે કરી, જીવ થાકી ગયો

લોક જોતા રહ્યા, દૂર ખસતા રહ્યા, આગ બળતી રહી
દિલ વલોવી અમે રસ્તા વચ્ચે રડી, જીવ થાકી ગયો

કયાંક કાંટા હતાં, કયાંક ખાડાં હતાં,પગમાં છાલાં હતાં
એવા રસ્તે રઝળતા રઝળતા રહી, જીવ થાકી ગયો

કોઈ જોયું નહિ, કોઈ રોયું નહિ, કોઈ આવ્યો નહિ
તોય વાતો હૃદયની બતાવ્યા કરી, જીવ થાકી ગયો

કોઈ રસ્તો મળ્યો, ના દિશાયે મળી, જિંદગીભર ફરી
ચાલી ચાલી અને એકલા રાતદિ’, જીવ થાકી ગયો

જિંદગીના જખમ જોકે થોડાં હતાં, કિન્તુ ઊંડા હતાં
એના એકેક પર વાર ગણતા, રહી જીવ થાકી ગયો

એક ચહેરો હતો, ફૂલ જેવો હતો, પ્રેમ કરતો હતો
એને સપનાંમાં કેવળ સજાવ્યા કરી, જીવ થાકી ગયો

કોઈ વેળા સમયનો જે રાજા હતો, સાત રાણી હતી
એના શોષણને સંખ્યામાં ગણતા રહી, જીવ થાકી ગયો

એક ખળખળ સરિતા નીકળતી હતી, રોજ વહેતી હતી
જોતાં જાતી ‘રસિક’ એને સાગર ભણી, જીવ થાકી ગયો

“શબ્દ સ્રષ્ટિ” ના સૉજન્યથી

No Comments »

ત્યાં સદાકાળ ગુજરાત!-ખબરદાર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અરદેશર ફ. ખબરદાર ‘અદલ’.
જન્મ : ૬-૧૧-૧૮૮૧, મરણ : ૩૦-૭-૧૯૫૩)
“લયસ્તરો”ના સૉજન્યથી

No Comments »

मगरमच्छ से बातचीत

नेताजी की मगरमच्छ से बातचीत.
“यार मगर,
थोडे आँसू
उधार दे दो अगर–
तो हम
देश की दुर्दशा पर
बहा आएँ ”
सुखी आँखो से
मगर ने कहा—
“आपने बडी देर कर दी हुजूर,
सारा स्टोक तो
दूसरी पार्टी वाले
ले गए है । ”
–कवि दिनकर सोनवलकर (हिन्दी के प्रसिध्ध व्यंग्य कवि )
http://ashok.blogsome.com//

No Comments »

સનમની સપાટે- ‘રસિક’ મેઘાણી (હઝલ)

મિલન મસ્તી કાઢી સનમની સપાટે
લખેલું હતું કઈંક એવું લલાટે

બુફેમાં થયો લાભ ડાકુ થવાનો
ભરી એણે થાળી ઝપાટે ઝપાટે

હજમ કોણ કરશે, થશે ગેસ કોને
લખ્યું નામ એનું બટાટે બટાટે

સુખી એ થવાનો છે બન્ને ભુવનમાં
પતિ એ કે બેશબ્દ પત્ની જો ડાટે

તમે ભાઈ જોરૂના, બાબાના મામા
પછી મારા જેવો તમારાથી ખાટે ?

અમારૂં તો ગમતું ગયું ગારબેજે*
ને બાળોતિયા સાચવેલા કબાટે

‘રસિક’ એના ઘરપર જવાનું છે જલ્દી**
ઘણા ફોન કીધા છે મહેતા વિરાટે

*કચરામાં
**હયુસ્ટનના સાહિત્ય રસિક જીવ તેમના ઘરે આ હઝલ
મેં વાંચી હતી

1 Comment »

« Prev

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.