ભીની ભીની આંખો-‘રસિક ’મેઘાણી
Apr 9th 2008rasikmeghaniભીની ભીની આંખો
સતત વદન હસતું જોવા તરસે, હજી સુધી ભીની ભીની આંખો
તમારા માટે આ જીવ તડપે, હજી સુધી ભીની ભીની આંખો
પ્રલંબ યુગ સમ વિપળ વિરહની, તમારી આશા, અમારૂં જીવન
ફરી ફરી પંથ જોતી રે’છે, હજી સુધી ભીની ભીની આંખો
તમે હસો તો બધું પ્રફુલ્લિત, સમીર સૌરભ, દિશામાં રંગત
ઉમળકા સાથે એ ભાવ ટપકે, હજી સુધી ભીની ભીની આંખો
ન ફૂંકો ઉર્મીંની રાખ આજે, ભભૂકી ઉઠશે તો જ્વાળા બનશે
પ્રલયના ડુંગર વટાવી દેશે, હજી સુધી ભીની ભીની આંખો
વિદેશની સૂની સૂની સડકે, અમે તો ભૂલા પડી ગયા પણ
પછીતથી કયાંક ડુસ્કા છલકે, હજી સુધી ભીની ભીની આંખો*
નવા નગરને નવા નિવાસી, અમે કદી જ્યાં હતા પ્રવાસી
નવા ઉમંગો છતાંય આજે, હજી સુધી ભીની ભીની આંખો*
હું પ્રેમ દીપક બધા હૃદયમાં, પ્રજાળી ચાલ્યો કદીક જ્યાંથી
હજી ત્યાં ઉર્મીના તણખા ઝબકે, હજી સુધી ભીની ભીની આંખો
કરાર આ બેકરાર યુગમાં, કહીં નહીં મળશે આજ દિલને
કહો ‘રસિક’ને એ લૂંછી નાખે, હજી સુધી ભીની ભીની આંખો
* આ બંન શેર અમેરિકામાં વસ્તા તમામ દેશીઓને અર્પણ