Archive for April, 2008

પરીક્ષા છે – ‘મન્ઝર’ કુત્યાન્વી

કેટલી આકરી પરીક્ષા છે
જિંદગી મોતની પ્રતિક્ષા છે

થઇ શકે તો દે દાન દર્શનનું
મારે મન એજ દીક્ષા છે

કોણ પામે છે અંત જોઇશું
રાત છે, હું છું, ને પ્રતિક્ષા છે

ઘૂંટ લોહીના પાય છે દુનિયા,
શું એ તૉબા કર્યાની શિક્ષા છે ?

સુખ છે પ્રસ્તાવના અગર ‘મન્ઝર’
દુઃખ જીવનગ્રંથની સમીક્ષા છે

-‘મન્ઝર’ કુત્યાન્વી
‘રચના’ કાવ્ય સંગ્રહ અને
‘ગઝલઃ સ્ંરચના અને છંદ વિધાન’ – સુમન અજમેરીના સૉજન્યથી

No Comments »

તું જાણે છે -‘રસિક’ મેઘાણી

સૉ રાત દિ’ ઉદાસ રહું છું, તું જાણે છે
હું તારા માટે ખાસ રહું છું, તું જાણે છે

છેલ્લે મળ્યા’તા આપણે વીતી ગયા વરસ
તુજ દિલની તોયે પાસ રહું છું, તું જાણે છે

ક્યારીઓ સીંચી પુષ્પની, ઉપવનમાં પ્રેમથી
યાદોની લઈ સુવાસ રહું છું, તું જાણે છે

બસ તારો છું, તું મારી છે, કેવળ મગન હું એમ,
બે દિ’ના બારેમાસ રહું છું, તું જાણે છે

તડકે ભરીને ચૅતરે મ્રગજળથી વાટકો
હું લઈને એની પ્યાસ રહું છું, તું જાણે છે

No Comments »

થોડીકવાર જો -‘રસિક’ મેઘાણી

ઝાઝું તું જોઈ ના શકે, થોડીકવાર જો
ઝીલી રહ્યો છું કારમા કેવા પ્રહાર જો

કયારેક તું જનાર જો, ને આવનાર જો
કેવા કર્યા છે કારમા કોણે પ્રહાર જો

ડૂબેલ બેડા કેટલા એના ઉદરમાં છે
ઉછળી રહેલ મોજાની તું આરપાર જો

કાળી પ્રલયની રાતમાં વીતે છે જે મને
જોવા તું એને કો’કદી’ મારી સવાર જો

ખરડાઈ રક્તથી ગયા કાં પય, એ જો નહિ
રસ્તાની વચ્ચે કેટલી છે સંગધાર જો

છાતીમાં સળવળે છે કાં ચૈતર હજી સુધી
કોની વહે છે યાદમાં શ્રાવણની ધાર જો

સૈકાથી સ્તબ્ધ વાટમાં ઊભો છું જેમની
ઉઘડી રહ્યા છે આજ એ બીડેલ દ્બાર જો

તોપણ ‘રસિક’ બધાયથી કરવાનો પ્રેમ છે
નફરત કહીં, તો કયાંક મળી જાશે પ્યાર જો

No Comments »

તમારી યાદનો ટહુંકો -‘રસિક’ મેઘાણી

હજી પણ પ્રેમને તરસે તમારી યાદનો ટહુંકો
અમારા કાનમાં રણકે તમારી યાદનો ટહુંકો

કહીં એફાંત સાગરમાં સજાવી પલકો મોતીથી
નિશા ઝાકળ ભરી વરસે તમારી યાદનો ટહુંકો

વસંતી વાયરા વાયે સુંગંધિત પુષ્પથી જ્યારે
વિયોગી દિલ બની તડપે તમારી યાદનો ટહુંકો

સતત દ્ર્ષ્ટિમાં અંક્તિ છે તમારા પ્રેમના દર્શન
અમારી સાથે સાથે છે તમારી યાદનો ટહુંકો

નગરની ભીડમાં ભટકી અને ભૂલી ગયા તો પણ
અમારા સપના વાગોળે તમારી યાદનો ટહુંકો

ઉઘાડા આભ નીચે એકલા વાગોળવા બેઠા
સળગતી ધૂપની સાથે તમારી યાદનો ટહુંકો

‘રસિક’ માટે ઘણું છે જિંદગીમાં જીવવા માટે
અમારા માટે કેવળ છે તમારી યાદનો ટહુંકો

ગઝલ ગુર્જ્રરીના સૉજન્યથી

1 Comment »

નિષ્ફળ નિષ્ફળ રમીએ -’ગની’ દહીંવાળા

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

-’ગની’ દહીંવાળા
‘લયસ્તરો’ના સૉજન્યથી
http://layastaro.com

No Comments »

અનાદર બની ગયો -શ્યામ સાધુ

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો!

ફૂલોનું સ્વપ્ન આંખ માં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો?

ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો!

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો!

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!

-શ્યામ સાધુ
‘લયસ્તરો’ના સૉજન્યથી
http://layastaro.com/

No Comments »

એ કહેતા હતા મને- કૈલાસ પંડિત

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

– કૈલાસ પંડિત
“લયસ્તરો” ના સૉજન્યથી
http://layastaro.com/

No Comments »

હાથમાં મૂકો -સંજય પંડ્યા

નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકો,
હથેળીના વલણને સાચવીને હાથમાં મૂકો.

હશે ગાઢું અને બળકટ તળિયાની સમીપે પણ,
સપાટીના જ જળને છેતરીને હાથમાં મૂકો.

ડબોળો આંગળી એમાં નર્યું પોલાણ ભટકાશે,
વમળના અવતરણને તારવીને હાથમાં મૂકો.

ઢળેલી સાંજના મળશે સરોવર ચોસલાંસોતું,
નવાનક્કોર શિલ્પો કોતરીને હાથમાં મૂકો.

તમારી આંખના ખૂણે સજાવીને જે રાખ્યા છે,
એ કિસ્સા ગોઠવી, ભેગા કરીને હાથમાં મૂકો.

-સંજય પંડ્યા
“લયસ્તરો” ના સૉજન્યથી
http://layastaro.com/

No Comments »

નો’તી ખબર -પ્રતિમા પંડ્યા

ત્રાજવું લઈ પ્રેમ કોઈ તોળશે નો’તી ખબર,
કાટલાં સંબંધના બદલી જશે નો’તી ખબર.

લો અમે ઓવારણાં તો લઈ લીધા હરખાઈને,
ટાચકાનું દુઃખ પણ કેવું હશે નો’તી ખબર.

ઘાટ ઘડતાં વેદના પથ્થર સહે નિશ્ચિતપણે,
કેટલી પીડા હથોડીને થશે નો’તી ખબર.

ધારણા એવી હતી કેડી નવી કંડારશું,
હાથની રેખા ચરણને રોકશે નો’તી ખબર.

પાંખ કાપીને વિહંગની પાંજરું ખુલ્લું મૂકે,
આભ જે ગમતું હતું, વેરી થશે નો’તી ખબર.

સાચવી’તી હારને મેં પ્રીતની ગાગર મહીં,
જીત મારી આંખથી છલકી જશે નો’તી ખબર.

-પ્રતિમા પંડ્યા
“લયસ્તરો” ના સૉજન્યથી
http://layastaro.com/

No Comments »

ન રસ્તા ભર્યા છે- ‘રસિક’ મેઘાણી

ન ગીર્દી છે બસમાં, ન રસ્તા ભર્યા છે
નગરમાં ડરેલા, ડરેલા બધા છે

નગર લોક આજે કાં ટોળે વળ્યા છે
બધા ભય ઉઠાવી શું ગોતી રહયા છે

વગાડે ન કાં વાંસળી હસતા નીરો
બધા ઘર નગરનાં જો ભડકે બળ્યા છે

પ્રતિક્ષા ન પંથે, ન આશા જરા પણ
નિશાથી વધારે તિમિરમય પ્રભા છે

બધા બીજ નફરતના બાળી મેં જોયું
બધા પુષ્પ કોમળ હૃદયના મળ્યા છે

બધા મારા પોતાના ચહેરા હતા એ
મને આજ રસ્તામાં જે જે મળ્યા છે

લઈ ખુદની ખંભા ઉપર લાશ ચાલો
નગરમાં નવી એક એવી પ્રથા છે

લઈ ભીડમાંથી વ્યથા નોખી નોખી
જખમથી તડપતા બધા એકલા છે

હૃદયના અગોચરમાં ઝાંકી ‘રસિક’ પણ
સતત રાતભર ડુસ્કે ડુસ્કે રડયા છે

‘રસિક’ પ્રેમ જ્યોતિ ઉઠાવી ત્યાં ચાલો
તિમિરમાં જ્યાં દીપક સૌ ગોતી રહ્યા છે

No Comments »

« Prev - Next »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help