ન રસ્તા ભર્યા છે- ‘રસિક’ મેઘાણી

ન ગીર્દી છે બસમાં, ન રસ્તા ભર્યા છે
નગરમાં ડરેલા, ડરેલા બધા છે

નગર લોક આજે કાં ટોળે વળ્યા છે
બધા ભય ઉઠાવી શું ગોતી રહયા છે

વગાડે ન કાં વાંસળી હસતા નીરો
બધા ઘર નગરનાં જો ભડકે બળ્યા છે

પ્રતિક્ષા ન પંથે, ન આશા જરા પણ
નિશાથી વધારે તિમિરમય પ્રભા છે

બધા બીજ નફરતના બાળી મેં જોયું
બધા પુષ્પ કોમળ હૃદયના મળ્યા છે

બધા મારા પોતાના ચહેરા હતા એ
મને આજ રસ્તામાં જે જે મળ્યા છે

લઈ ખુદની ખંભા ઉપર લાશ ચાલો
નગરમાં નવી એક એવી પ્રથા છે

લઈ ભીડમાંથી વ્યથા નોખી નોખી
જખમથી તડપતા બધા એકલા છે

હૃદયના અગોચરમાં ઝાંકી ‘રસિક’ પણ
સતત રાતભર ડુસ્કે ડુસ્કે રડયા છે

‘રસિક’ પ્રેમ જ્યોતિ ઉઠાવી ત્યાં ચાલો
તિમિરમાં જ્યાં દીપક સૌ ગોતી રહ્યા છે

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply