એ વિચારથી,-આદિલ મન્સૂરી

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.

એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?

એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.

થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.

સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો ?
મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી

અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે ‘આદિલ’, બહારથી.

-આદિલ મન્સૂરી
(આદિલ સાહેબને લઈફ આચિવમેન્ટ એવાર્ડ મળવા માટે અભિનંદન)
(ગઝલ રીડ ગુજરાતીના સૉજન્યથી)
http://www.readgujarati.com/sahitya/

No Comments »

સાચવું છું, ત્યારથી-છાયા ત્રિવેદી

જ્યારથી નિરાંતને હું સાચવું છું, ત્યારથી,
શબ્દ સ્વરના પોતને, હું સાચવું છું ત્યારથી !

જોઈ છે ખુલ્લાં હૃદયના માણસોની અવદશા,
દોસ્ત ! મોઘમ વાતને હું સાચવું છું ત્યારથી.

સાંભળ્યું છે, રણ થવાનો આખરે દરિયો કદી –
લાગણીના સ્ત્રોતને, હું સાચવું છું ત્યારથી.

આંખની ભીનાશમાં છે પૂરની પણ શક્યતા –
મૌન ઝંઝાવાતને, હું સાચવું છું ત્યારથી.

સૂર્ય જેવાં સૂર્યને પણ ડૂબતો જોયા પછી,
કોડિયાંની રાતને, હું સાચવું છું ત્યારથી.

-છાયા ત્રિવેદી(રાજકોટ)
(રીડ ગુજરાતીના સૉજન્યથી)
http://www.readgujarati.com/sahitya/

1 Comment »

થોડુ મારા વિશે – કવિ રાવલ

થોડુ તારા વિશે થોડુ મારા વિશે
એમ પૂછે બધા બે કિનારા વિશે

તો’ય અંદાજ પામી શકે કેમ પણ ?
આપણી વચ્ચમાં વ્હેલ ધારા વિશે..

પૂછજો બસ તમે એમ કૈં યાદ છે ?
એક રાતે ખરેલા સિતારા વિશે..

હેંસિયત ને વજુદના સવાલો બધા..
ખુદ કરેલા હતા મેં જ મારા વિશે

એકલી સાંજના ડૂબવાને ખબર..
આંસુઓ આ હશે કેમ ખારા વિશે

પૂછજો આભને ચાંદ તારા વિશે
જાણવું હોય જો અંધકારા વિશે

-કવિ રાવલ
(http://www.kaviwithwords.blogspot.com)
kaviwithwords@gmail.com

3 Comments »

સવાર પડશે – “રસિક” મેઘાણી

તમામ સૂરજ નવા ઉભરશે, કદીક એવી સવાર પડશે
પ્રલયની કયારેક રાત ઢળશે, કદીક એવી સવાર પડશે

અનંત રસ્તામાં તડકો ચુપચાપ ઉંચકી થાકી ગયા પરંતુ
કમાડ વિશ્રામની ઉઘડશે, કદીક એવી સવાર પડશે

વસંત ઉપવનમાં જો પલટશે, તો ડાળી ડાળીને પાંદડાપર
તુષાર મોતી બની ચમકશે, કદીક એવી સવાર પડશે

તમે હસીને થશો પ્રફૂલ્લિત, તો મારા જીવનના ઝાંઝવામાં
સુમનની સુરભી બધે નિખરશે, કદીક એવી સવાર પડશે

સજાવી આંખોમાં વાટ એની, હું જોતો રહ્યો છું જિંદગીભર
સપન બધા શ્વાસમાં ઉતરશે, કદીક એવી સવાર પડશે

હું પ્રેમ દીપક ઉઠાવી રસ્તામાં ચાલવાનો તિમિરમાં ત્યારે
મશાલ હાથોમાં સૌ પ્રજળશે, કદીક એવી સવાર પડશે

વરસ્તા વાદળ મળે કે ચૈતર, સતત ‘રસિક’ ચાલતા જો રે’શો
દિશાના અંતર પછી સિમટશે, કદીક એવી સવાર પડશે

No Comments »

ભૂલા પડી ગયા’તા-“રસિક” મેઘાણી

તમે વિચારોમાં આજ મળતાં, અમે ત્યાં ભૂલા પડી ગયા’તા
પ્રસંગ આપસના યાદ કરતાં, અમે ત્યાં ભૂલા પડી ગયા’તા

તમારા ઓજસના છાંયડામાં અમોને મંઝિલ મળી ગઈ પણ
તમારી આંખોથી આંખ મળતાં, અમે ત્યાં ભૂલા પડી ગયા’તા

ઉઘાડી છત્રી, છતાંય વરસાદમાં પલળતા રહ્યા’તા બંને
પડળથી ઊર્મીની આંખ ઝરતાં, અમે ત્યાં ભૂલા પડી ગયા’તા

દિશા વગરના વિરાટ રણમાં, વરસ્તી રેતી સળગતો સૂરજ
નવા નવા રસ્તા ગણતાં ગણતાં, અમે ત્યાં ભૂલા પડી ગયા’તા

ઉછળતી ઊર્મીના મોજા વચ્ચે, રહી છબી સઘળા આપણાની
જખમના સાગર ફરી ઉમડતાં, અમે ત્યાં ભૂલા પડી ગયા’તા

વિરાટ જનમેદનીની સાથે અલિપ્ત ચાલી રહ્યા’તા કિન્તુ
જરાક રસ્તામાં યાદ મળતાં, અમે ત્યાં ભૂલા પડી ગયા’તા

તિમિરની શબ આખી ગોતવામાં રહી ગયા સૂર્યની કિરણ પણ
તુષાર મોતી ‘રસિક’ ચમકતાં, અમે ત્યાં ભૂલા પડી ગયા’તા

No Comments »

ઝાંખુ ઝાંખુ હતું કંઈ-“રસિક” મેઘાણી

વર્ષો જુના ચશ્મા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ
આંખે આંજણ આંજ્યા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

જખ્મી ચહેરો જોતાં જોતાં પ્રેમની પલકો ભીની હતી
યાદના સગપણ જુના હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

વંટોળ ભરેલા રસ્તા ઉપર, ચાલી ચાલી થાકયા હતા
ચહેરા મેલાં મેલાં હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

એવા કાંટા વાગ્યા હતા કે જખ્મી જખ્મી ચહેરા પણ
ઘાવ સમયના એવા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

સૂની સૂની ભીંતો વચ્ચે એકલા એકલા ચહેરાપર
રંગ સમયના લાગ્યા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

એકતો ઝાકળ જેવું હતું કઈં રેશ્મી રેશ્મી પલકોપર
એવા ચહેરા ચહેરા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

દુઃખના દિવસો બંને મળીને હસતા ગાતા ગાળ્યા ‘રસિક’
જોવા સમયના ચહેરા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

No Comments »

એ તો લખ્યું તને -“રસિક” મેઘાણી

શ્વાસોમાં તું જ તું મળે એ તો લખ્યું તને
તારાથી પ્રેમ છે મને એ તો લખ્યું તને

પરદેશની ઉડાવી ગઈ આંધી દૂરદૂર
જખ્મો સજાવી પાંપણે એ તો લખ્યું તને

રસ્તામાં કાંટા વીણતા વીતી ગયો સમય
થાકી ગયા’તા છેવટે એ તો લખ્યું તને

વીતેલ યાદના બધે રસ્તા રહી ગયા
આંખો બિછાવી બારણે એ તો લખ્યું તને

બળતા બપોરે કેટલી વરસી રહી’તી લૂ
બેસીને રણના છાંયડે એ તો લખ્યું તને

વર્ષાની ઋત વસી ગઈ મુજ દિલની આસપાસ
અશ્રૂ વહાવી પાંપણે એ તો લખ્યું તને

કોઈ જવાબ એમનો આવ્યો નહિ ‘રસિક’
ખખડાવી થાકયા દ્વારને એ તો લખ્યું તને

No Comments »

એકલો ઊભો છું-‘રસિક’ મેઘાણી

ધોમ બપોરે સૂરજ બાળી એકલો એકલો ઊભો છું
તારી વાટે મીટ હું માંડી એકલો એકલો ઊભો છું

ઘોંઘાટ ભરેલી ભીડની વચ્ચે કોઈને ખુદનો સમજીને
તારા નામે સાદ પુકારી એકલો એકલો ઊભો છું

નફરતના વંટોળની વચ્ચે સૂની સૂની સડકોપર
હાથમાં પ્રેમની જયોત જલાવી એકલો એકલો ઊભો છું

આકાશ ઉઘાડી ધરતી ઉપર શૂન્ય દિશામાં થાકીને
તમને છેવટ સાદ પુકારી એકલો એકલો ઊભો છું

આગળ પાછળ તડકા વચ્ચે એક વિસામો દીઠો છે
તારી પછીતે છાંયો ઢાળી એકલો એકલો ઊભો છું

અડધા પડધા સગપણ સાથે કાળી ધોળી દુનિયમાં
જીવનના સૌ ભેદ હું પામી એકલો એકલો ઊભો છું

લૂ નીતરતા ચહેરા સાથે દોડી દોડી થાકી ‘રસિક’
રસ્તાઓના બેાજ ઉતારી એકલો એકલો ઊભો છું

No Comments »

ખુશ્બૂ વહી રહી છે-‘રસિક’ મેઘાણી

અમારા જીવન સફરની સાથે, તમારી ખુશ્બૂ વહી રહી છે
અમારા શ્વાસોમાં શ્વાસ થઈને, તમારી ખુશ્બૂ વહી રહી છે

અનંત રસ્તામાં થાકી જાતે, પરંતુ આશા મિલન સમર્પેં
અમારા દિલમાં ઉમંગ જાગે, તમારી ખુશ્બૂ વહી રહી છે

અમારા જીવનના આંગણામાં, સળગતા સૂરજના ઝાંઝવા છે
સમીર શીતળ વહે ત્યાં જાણે, તમારી ખુશ્બૂ વહી રહી છે

યુગોથી જે વાટ જોતાં જોતાં,અમોએ જીવન ખપાવી દીધું
હવે કહે દિલની ધડકનો કે, તમારી ખુશ્બૂ વહી રહી છે

મયૂર ફેલાવી પંખ નાચે, ઘટામા કોયલના ગુંજે ગુંજન
ખુમારથી આજ મનડું નાચે, તમારી ખુશ્બૂ વહી રહી છે

કુમાશ કળીઓની પાંગરી ગઈ, ચમનમાં રંગત સજાવી દઈને
સુમન સુશોભિત દરેક ડાળે, તમારી ખુશ્બૂ વહી રહી છે

ઘણાંય વિતી ગયા છે મોસમ, છતાંય આજે તમે કહોતો
બિછાવું પલકો ‘રસિક’ જે પંથે, તમારી ખુશ્બૂ વહી રહી છે

No Comments »

આસપાસ રસ્તામાં-“રસિક” મેઘાણી

કયાંક તુજ આસપાસ રસ્તામાં
મારી મુજને તલાસ રસ્તામાં

કોઈ મળતું નથી અમસ્તું પણ
જિંદગીના ઉદાસ રસ્તામાં

ચાલી ચાલી પડાવ માટે થઈ
જિંદગી પણ ખલાસ રસ્તામાં

સઘળાં મંઝિલ વિહોણા ભટકે છે
મનમાં લઈ ખુદના વ્યાસ રસ્તામાં

ધોમ તડકે ઉઘાડા આભ તળે
ઝાંઝવાની છે પ્યાસ રસ્તામાં

એક તારી તલાશમાં જોયાં
સુખના બેચાર શ્વાસ રસ્તામાં

તારો પૂનમ નગરમા વાસ ‘રસિક’
મારી ઓથે અમાસ રસ્તામાં

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.