વિકાસ નથી- ‘રસિક’ મેઘાણી

કોણ કે’છે થયો વિકાસ નથી
પુષ્પ કાગળના છે ને વાસ નથી

કરતા કવિઓમાં એ સમાસ નથી
કે’છે ગઝલોમાં તારી પ્રાસ નથી

કાલ સારું બધુંય થઈ જાશે
જિંદગી થઈ કંઈ ખલાશ નથી

આજ કેવી સવાર આવી છે
તારા માટે થયો ઉદાસ નથી

કાલ મંઝિલ તમામ જેની હતી
આજ દેખાતો કયાંય ભાસ નથી

જેને સારીને અશ્રૂ ભૂલી ગયા
એની કરતા કોઈ તપાસ નથી

મારૂં જીવન છે ચાહના તારી
તારા માટે જે વાત ખાસ નથી

તારી નજરોને પામવા માટે
શું શું કીધા અમે પ્રયાસ નથી

ધૂપમાં પ્યાલા મૃગજળોના છે
દિલના રણમાં રહી તે પ્યાસ નથી

આજ ચારે તરફ તિમિર શાને ?
રાત પૂનમ છે કઇં અમાસ નથી

તોય મબલખ ખુશીથી મનડું છે
યાદ તારી છે પણ તું પાસ નથી

રાતપણ વીતશે એ રીતે ‘રસિક’
સાંજ થઈ ગઈ ને ક્યાંય આશ નથી

No Comments »

ક્ષિતિજની પેલે પાર-‘મરીઝ’

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે,
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઈ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

‘મરીઝ’
ભાવિન ગોહિલના બ્લોગ્
(શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર)ના સૉજન્યથી

No Comments »

એની વાત કરવી છે-‘રસિક’ મેઘાણી

તમારા વિણ હૃદય પડઘાય એની વાત કરવી છે
અમારી આંખડી છલકાય એની વાત કરવી છે

તમે કાગળ લખો કે ના લખો, પણ ફોન તો કરજો
અમારૂં શાને મન મૂંઝાય એની વાત કરવી છે

સુમન ખીલ્યા છે કેવા આંગણે. એ જોઈ જોઈને
અમારૂં કેવું દિલ હરખાય એની વાત કરવી છે

તમારા શબ્દ સીધાને સરળ લાગ્યા ઘણા તોયે
ઘણા અમને ન કાં સમજાય એની વાત કરવી છે

અમારે એવું એવું તમને કે’વું છે ઘણું જેને
જરા પણ બીજે ના કેવાય એની વાત કરવી છે

તમે છેલ્લે મળ્યા એને જમાનો થઈ ગયો જાણે
હૃદય વિહવળ હવે જે થાય એની વાત કરવી છે

તમારા પ્રેમમાં પાગલ બની ભટકે ‘રસિક’ જ્યાં ત્યાં
હવે હાલત ન એ જોવાય એની વાત કરવી છે

1 Comment »

આ પ્રમાણે છે-બરકત વિરાણી ‘બેફામ’

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

– બરકત વિરાણી ‘બેફામ’
(સ્નેહ સરવાણીના સૉજન્યથી)
http://sneh.wordpress.com/

No Comments »

કિનારો અલગ છે- હિમાંશુ ભટ્ટ

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

હિમાંશુ ભટ્ટ
(એક વાર્તાલાપના સૉજન્યથી)
http://ekvartalap.wordpress.com/

2 Comments »

અજવાસ છે-ઉર્વીશ વસાવડા

જિંદગીનો ત્યાં સુધી અજવાસ છે
આયખામાં જ્યાં સુધી બસ શ્વાસ છે

સૂર્ય ઝળહળ થાય છે મધરાતના
આપણું છે કે બીજું આકાશ છે ?

એ દગો દેશે નહીં ક્યારેય પણ
શબ્દ પર મારો અટલ વિશ્વાસ છે

મેં ઉતાર્યું છે અહમનું પોટલું
એટલે ખભા ઉપર હળવાશ છે.

ઉર્વીશ વસાવડા
( અમીં ઝરણુંના સૉજન્યથી )
amitpisavadiya.wordpress.com

No Comments »

હું ય જાણું છું-ડૉ.મહેશ રાવલ

નજીવા ફેરફારો, હું ય જાણું છું
તફાવત એકધારો, હું ય જાણું છું

નદીની જેમ ઘરથી નીકળ્યા છો, પણ
મનસ્વી છે વિચારો, હું ય જાણું છું !

ત્વચાની જેમ વળગી છે સમસ્યાઓ
હૃદયમાં છે તિખારો, હું ય જાણું છું!

બધાને ક્યાં કહું છું કે, દુવા કરજો
પરિચયનાં પ્રકારો, હું ય જાણું છું !

ઘરોબો થઈ ગયો છે, આંસુઓ સાથે
નથી સારો પનારો, હું ય જાણું છું !

કરી છે ખાતરી મેં ખૂબ ઉંડૅ જઈ
સમંદર હોય ખારો, હું ય જાણું છું !

ભલે છણકો કરીને’ગ્યા, પરત ફરશો
પ્રણયનો મૂળધારો, હું ય જાણું છું !

ડૉ.મહેશ રાવલ
drmaheshrawal@yahoo
http://navesar.blogspot.com/

No Comments »

એ પ્રેમ છે?-’ઊર્મિ’

શબ્દથી હું કહું તને કે ‘પ્રેમ છે’, એ પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.

સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.

દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.

ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.
-ઊર્મિસાગર
urminosaagar@yahoo.com
urmisaagar.com

1 Comment »

એક વેળા હતી- “રસિક” મેઘાણી

નોખ નોખા પથિક, પંથ નોખા હતાં, એક વેળા હતી
પ્રેમ પૂર્વક છતાં કેવા ભેગા હતાં, એક વેળા હતી

પાનખર પણ હતી, કંટકો પણ હતાં, ને કળી પણ હતી
પ્રેમ પુષ્પો છતાં ખિલ્યા કરતા હતાં, એક વેળા હતી

એક જેવોજ ચહેરો બધાનો હતો, પ્રાણ પ્યારો હતો
સૌના દરવાજે દર્પણ મઢેલા હતાં, એક વેળા હતી

સાથ રમ્યા હતાં, સાથ ભમ્યા હતાં, સાથ જીવ્યા હતાં
ધૂપમાં છાંયડો સાથ ઝંખ્યા હતાં, એક વેળા હતી

એક બીજાના દુઃખથી દુઃખી થઈ જતાં, એનું ઔષધ થતાં
જિંદગીના જખમ કેવા સહેલા હતાં, એક વેળા હતી

છાંયડો પણ હતો, ધૂપ બળતી હતી, રાત ઢળતી હતી
નોખી મંઝિલ છતાં સાથ ચાલ્યા હતાં, એક વેળા હતી

આજ એનાથી દિલ ઝગમગાવો બધે, ઘર સજાવો બધે
પ્રેમ જ્યોતિ ‘રસિક’ લઈ જે ચાલ્યા હતાં, એક વેળા હતી

No Comments »

અમથો ખુશ થાઉં છું-મનોજ ખંડેરિયા

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

-મનોજ ખંડેરિયા
“લયસ્તરો”ના સૉજન્યથી
http://layastaro.com/

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.