સન્નાટો
Jan 26th 2008rasikmeghaniભીની ભીની આંખો
જીવનની આ કેવી ઘડી છે, ચારે તરફ છે સન્નાટો
કાળી માઝમ રાતમાં આજે, ચારે તરફ છે સન્નાટો
નફરતની ઘનઘોર ઘટામાં, પ્રેમના પંથે જાવું છે
એકલો એકલો ચાલ્યો છું ને, ચારે તરફ છે સન્નાટો
ચાલી ચાલી થાકી ગયો પણ, ક્યાંય વિસામો દીઠો ના
લાંબા લાંબા પંથક છે ને, ચારે તરફ છે સન્નાટો
રકતથી છાલાં ભીનાં ભીનાં, રંગ-બેરંગી શેરીમાં
કાંટા પથ્થર ડગલે પગલે, ચારે તરફ છે સન્નાટો
કેવું મિલન છે આપણું આજે, ઉલ્કાપાતની રાતોમાં
ફફડી-ફફડી શાંત અધરને, ચારે તરફ છે સન્નાટો
શ્રાવણ ભાદર અશ્રુધારો, મારો રસ્તો રોકે છે
દિલમાં ઉકળતો ચૈતર છે ને, ચારે તરફ છે સન્નાટો
પ્રેમ નગરની જ્યોત જલાવી એના હરદમ ગાઉં ગીત
ત્યારે વિલય એ થાવાનો, જે ચારે તરફ છે સન્નાટો
ઘોંઘાટ ભર્યા જીવંત જગત, છોડીને હું ચાલ્યો પણ
એવા રસ્તા રસ્તા છે કે, ચારે તરફ છે સન્નાટો
શોર ભરેલી ભીડની વચ્ચે એકલો એકલો છું હું ‘રસિક’
જાણે એવું લાગે છે કે, ચારે તરફ છે સન્નાટો