પારકાથી જોડવા-“રસિક” મેઘાણી

એક બંધન પારકાથી જોડવા
આપણા સગપણ ઘણાં સંકોરવા

એક ઈચ્છાને દિવસભર ગોતવા
મગફળીના ખાલી ખોખા ફોલવા

પ્રેમમાં ભંગૂર જીવન એટલે
કાચના કટકા ફરીથી જોડવા

જિંદગીને મૌનનાં રણમાં ગળી
ધોમ તપતી ધૂપમાં વાગોળવા

ડૂબતી સંધ્યા સમય બેવડ વળી
ખોઈ નાખ્યા કયાં દિવસ એ ગોતવા

ધોળી એવી એક ચાદર ઓઢવી
રાત કાળી કાંપતી સંતાડવા

પાણી માફક આંસુઓને ઢોળવું
યાદનું એકાંતને સંવેદના

પ્રેમની યાદો બધી લખવા ‘રસિક’
રક્ત શાહીમાં કલમને બોળવા

1 Comment »

ઉડાવી લઈ જાશું

હવાના સંગમાં ખુશ્બૂ ઉડાવી લઈ જાશું
તમારા પ્રેમના પુષ્પો સજાવી લઈ જાશું

કદી હસી, કદી અશ્રુ વહાવી લઈ જાશું
તમારા પંથમાં ખુદને ખપાવી લઈ જાશું

તમારા પ્રેમમાં પાગલ બનાવી દેશો તો
અમારા જખ્મના પથ્થર સજાવી લઈ જાશું

બપોરે તડકો મળે ધોમ ધગતા રસ્તે જો
વિરાટ હામના વાદળ ઉઠાવી લઈ જાશું

તિમિરમય રાતે એ ઠરશે કદી ન આંધીમાં
અમારા રકતની જ્વાળા જલાવી લઈ જાશું

તમારો સાથ મળી જાય આખા રસ્તે જો
તો બંને સાથ ક્ષિતિજને ઉઠાવી લઈ જાશું

નસીબે ડુંગરો દુથખના અગર મળી જાશે
‘રસિક’ તો ધૈર્યના શસ્ત્રો સજાવી લઈ જાશું

No Comments »

પાછો ફર્યો છું હું

કોણે કહ્યું કે અડધેથી પાછો ફર્યો છું હું
આખી લડાઈ એકલા હાથે લડયો છું હું

જીવન સફરમાં જેમને જ્યાં જ્યાં નડયો છું હું
છેવટ નજરમાં એમની સાચો ઠર્યો છું હું

ઓ સ્વપ્નની ધરા, તૂટે ભરમ ન કયાંક
કાંઠા નજીક એટલે ડૂબી ગયો છું હું

ગૌહર સ્વરૂપે એટલે શોભું ગળાનો હાર
પથ્થરની જેમ કયાં તને રસ્તે જડયો છું હું

તારા સિવાય કોઈની પરવા નથી મને
દુનિયાની એટલે ભલે નજરે ચડયો છું હું

નફરતના બીજ બાળીને કીધા બધા દફન
એના પછીજ પ્રેમના રસ્તે ચડયો છું હું

સપનાંઓ જોઈ જોઈને થાકયો હવે ‘રસિક’
આંખોમાં ઊંઘ છે અને જાગી રહ્યો છું હું

No Comments »

કઇં ગમ ન રે’શે

તમારી યાદના કઇં ગમ ન રે’શે
જખમ દિલના કદી કાયમ ન રે’શે

ન મળવાની કસમ ખાદ્યા છે કિન્તુ
તમોને જોઈને સંયમ ન રે’શે

હયાતી સાથ જાશે રાત કાળી
જમાનો એ પછી જાલમ ન રે’શે

કિનારો પાસ પણ ડૂબી જવાના
તું જો મુજ નાવનો માલમ ન રે’શે

નથી રે’તી સદા વરસાદની રૂત
તમારી યાદના મોસમ ન રે’શે

અમવસ્યાની દિ’ રહ્યા નથી તો
બદ્યી રાતો ‘રસિક’ પૂનમ ન રે’શે

No Comments »

વાદળ થાશે

ઉકળી વ્યથાઓ વાદળ થાશે
આંખથી ટપકી ઝાકળ થાશે

કોઈ જો રસ્તે થાકી જાશે
કોઈ તો વાટમાં વિહવળ થાશે

મારા દિલને બાળી બાળી
તારી આંખનું કાજળ થાશે

ચૈતરના પણ દિવસો મારા
તારા સંગમાં શીતળ થાશે

આજ વિપળમાં યુગનું જીવન
કાલ ગણો તો બે પળ થાશે

ઝેર સભર છે જીવન પ્યાલો
અમૃતરસ પણ નિષ્ફળ થાશે

પુષ્પ છે એ તો પુષ્પ જ રે’શે
કાંટા કદી ના કોમળ થાશે

થાય ‘રસિક’ જો પ્રેમ પૂજારી
મારૂં દિલ પણ દેવળ થાશે

No Comments »

એટલો નો’તો

કદાચિત પ્યાલો એ મયથી ભરેલો એટલો નો’તો
કદમ એથી ડગેલો પણ ડગેલો એટલો નો’તો

તમારા પ્રેમનો પ્યાલો ભરેલો એટલો નો’તો
જખમ દિલનો હજી તાજો થયેલો એટલો નો’તો

કદી જો સાદ આપો તો વળીને જોઉં ના પાછો
તમારી વાટમાં થાકી ગયેલો એટલો નો’તો

ખરેખર એણે તારા રૂપને જોયું હશે નહિંતર
કદી પણ ચંદ્રમાં ઝાંખો પડેલો એટલો નો’તો

ફકત હું એકલો મંઝિલ વિહોણો રહી ગયો શાને
બધાથી માર્ગમાં નોખો પડેલો એટલો નો’તો

મને જોઈને કાં પથ્થર ઉઠાવે ગામના લોકો
હજી હું પ્રેમના પંથે ગયેલો એટલો નો’તો

હવે થાકી ગયો છું, સાંજ પણ છે, દૂર મંઝિલ પણ
કદીયે માર્ગ મારો વિસ્તરેેલો એટલો નો’તો

‘રસિક’ હરપળ વિતાવે છે કયામત જેમ તડપીને
તમારી યાદમાં જોકે રડેલો એટલો નો’તો

No Comments »

મહારણ છે સામે રસ્તામાં

ઝરે   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં
બધે   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં

તમામ  એકલો  તડકામાં   છોડી   ચાલી  ગયા
હવે   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં

ઉઘાડા   આભ   અને   શૂન્ય  સમ  દિશ  વચ્ચે
મને   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં

ઊકળતી   ધૂપમાં   થાકું  ન    ચાલી    ચાલીને
ભલે   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં

હવે  તો  થાકી  ગયા   દોડી   ઝાંઝવાં   પાછળ
ભમે   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં

છે   ઘાવ  ઘાવ  બદન, તાર  તાર  વસ્ત્રો  પણ
અને   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં

ક્ષિતિજને આંબી  શકું છું  વિપળમાં કિન્તુ ‘રસિક’
નડે   તરસ   છે,  મહારણ   છે  સામે  રસ્તામાં

No Comments »

સહારા સાથ દઈ દેશે

તમારી   યાદના    શબભર,   સહારા   સાથ   દઈ   દેશે
ઠરી   જાશે   અગર  દીપક,   સિતારા   સાથ   દઈ   દેશે

મહારણમાં     વિખૂટા    એકલા    બેસીને    શું     કરવું
કદમ    શાયદ    વધારું   તો,  ઉતારા   સાથ   દઈ   દેશે

પછી   ડૂબી    જશે    ખુદને    સલામત     જાણનારાઓ
અગર    તોફાની   મોજોને,   કિનારા  સાથ   દઈ   દેશે

જગતથી   એકલા   માયૂસ   થઈને   ખુદ   જવું    પડશે
અમારા   કે  ન   ત્યાં   કોઈ   તમારા   સાથ   દઈ   દેશે

‘રસિક’  વાદળ    નયન   વર્ષાવશે   બેફામ   પાલવમાં
અગર   બેચેન    દિલને   અશ્રુધારા   સાથ    દઈ   દેશે

No Comments »

પરંતુ અત્યારે

સવારે    ઊગશે    સૂરજ      પરંતુ   અત્યારે
યુગો યુગોમાં  વિપળ રાત  કાળી  વિસ્તારે

હવે  નજીક  છે  ધબકાર   એના પગરવના
મેં  એમ  જાગતા  ગાળી  છે રાત  ભણકારે

નસીબે  હોય ના મંઝિલ   ભલેને  જીવનભર
હસીને   ચાલશું  તો  પણ  તમારા સથવારે

સમયની સાથ વિલય થઈ ગયા જમાનામાં
તું  એની  વાટમાં પલકો  હજી કાં શણગારે

‘રસિક’ને  ‘ડેમી’ નદી રોજ યાદ આવે છે
જવા  એ  ઝંખે   છે  પોતાના  ગામ ‘ટંકારે’

No Comments »

આવી ગયો છું હું

તારા  પ્રહાર   ઝીલવા  આવી   ગયો  છું  હું
લાંબી  લડત  લડી  ભલે થાકી   ગયો  છું  હું

મંઝિલ  યુગો સુધી  હવે  પામી જવાના લોક
રસ્તે   નિશાન  એટલા   છોડી  ગયો  છું  હું

લોહી  લૂહાણ  રોજ   છે   મારું  શરીર  તોય
તારા   જરાક   ઘાવથી  તડપી   ગયો  છું  હું

રસ્તે   સળગતા   ધૂપની  એવી  રહી છે યાદ
ચુપચાપ સઘળી એષણા  ભૂલી  ગયો  છું  હું

મંઝિલ વગરના તોય ‘રસિક’ નાસીપાસ કેમ
દરવાજા   પાસે   એમને  છોડી  ગયો  છું  હું

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.