અણી ઉપર -ગોપાલ શાસ્ત્રી

દીવાલો જર્જરિત છ્ત તૂટી પડવાની અણી ઉપર.
કરે છે બંધ દરવાજો નીકળવાની અણી ઉપર.

ભલું થાજો તમારું કે મને ચીંધી ગયા રસ્તો,
હતો હું એની શેરીમાં રઝળવાની અણી ઉપર.

હજી પણ બંધ દરવાજે તમારી યાદના તોરણ,
હજી પણ બંધ પાંપણ છે પલળવાની અણી ઉપર.

પરિચિત એક પડછાયો ફરી લંબાયો ડેલીમાં,
ફરીથી ભીંતનો છાયો છે ઢળવાની અણી ઉપર.

ફરીથી ચાંદની છલકી રહી છે બંધ આંખો માં,
હતાં બે_ચાર સ્વપ્નાંઓ પ્રજળવાની અણી ઉપર.

ન જાણે કોણ સંકોરે શબદની વાટ અણધારી,
હતો મારો ગઝલ_ દીપક કજળવાની અણી ઉપર.

તમારી સાથ વીતેલી હતી એ સાંજ આપી દો,
હવે છે સ્વાસનાં પંખી નીકળવાની અણી ઉપર.

_ ગોપાલ શાસ્ત્રી
બઝ્મે વફાના સૉજન્યથી
http://bazmewafa.wordpress.com/

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

 Type in