ઝાંખુ ઝાંખુ હતું કંઈ-”રસિક” મેઘાણી

વર્ષો જુના ચશ્મા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ
આંખે આંજણ આંજ્યા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

જખ્મી ચહેરો જોતાં જોતાં પ્રેમની પલકો ભીની હતી
યાદના સગપણ જુના હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

વંટોળ ભરેલા રસ્તા ઉપર, ચાલી ચાલી થાકયા હતા
ચહેરા મેલાં મેલાં હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

એવા કાંટા વાગ્યા હતા કે જખ્મી જખ્મી ચહેરા પણ
ઘાવ સમયના એવા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

સૂની સૂની ભીંતો વચ્ચે એકલા એકલા ચહેરાપર
રંગ સમયના લાગ્યા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

એકતો ઝાકળ જેવું હતું કઈં રેશ્મી રેશ્મી પલકોપર
એવા ચહેરા ચહેરા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

દુઃખના દિવસો બંને મળીને હસતા ગાતા ગાળ્યા ‘રસિક’
જોવા સમયના ચહેરા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

 Type in