કારમા એ વાર પછી-“રસિક” મેઘાણી

ખિઝાંના છેલ્લા અને કારમા એ વાર પછી
ચમનમા આવી શકી ના કદી બહાર પછી

તિમિરની આજ ઘટા જે છવાઈ ચોગમ છે
એ તારી સાંજ છે મારી છે કાં સવાર પછી

તમામ એષણા હું જિંદગીની પામી ગયો
રહી ના બાકી કશીયે તમારા પ્યાર પછી

અમારા હાલ કાં ઈન્કાર બાદ પૂછો છો
થઈ ગયું, જે થવાનું હતું એ ત્યાર પછી

ન વાત યાદ રહી કે ન કંઈ રહી ફરિયાદ
બધુંય ભૂલી ગયો, તારા આવકાર પછી

વિરહની રાતનો દીપક છે કયાં સુધી બળશે
એ પણ ઠરી જશે, ઝબકીને થોડી વાર પછી

તમારી જીતનો ઉલ્લાસ કયાંય નો’તો ‘રસિક’
ઉદાસી વ્યાપી’તી ચોગમ અમારી હાર પછી

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

 Type in