ઘણું રોયાં-“રસિક” મેઘાણી

વિતેલ યાદને તાજી કરી ઘણું રોયાં
તમે જો નોખા થયા એ પછી ઘણું રોયાં

છુપાવી પાલવે ચહેરાને અડધી રોતોમાં
સળગતા વાટને ધીમી કરી ઘણું રોયાં

કદમ કદમ બધી યાદો તમારી આવે જ્યાં
હજારવાર એ રસ્તે ફરી ઘણું રોયાં

સળગતી ધૂપમાં રોયા નહીં જે રસ્તામાં
પછીત છાંયડે બેઠા પછી ઘણું રોયાં

બપોર આખી ઉકળતી વરાળ જોઈને
ભરેલ વાદળા સાંજે પછી ઘણું રોયાં

સમયની સાથ વિલય થાતા છેલ્લા શ્વાસ સુદ્યી
બધાય દૂરથી જોતા રહી ઘણું રોયાં

વમળમાં ડૂબી ગઈ નાવ જ્યારે આશાની
ઉછાળી મોજા કિનારા પછી ઘણું રોયાં

‘રસિક’ને આમ તો રોતા કદી ન જોયા છે
છતાંય રાતનાં રોયા પછી ઘણું રોયાં

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

 Type in