Archive for the 'કાવ્ય' Category

મુકતકો – ‘રસિક’ મેઘાણી

મુકતકો

તમે હસો તો પ્રફૂલ્લિત વદન થઈ જાશું
ને, આવકારો,તો નમશું, નયન થઈ જાશું
દુઃખોને કર્મ પ્રસાદી બનાવી લેશું પણ,
જુદાઇ દો તો કવિનું કવન થઇ જાશું
***

આંખથી અશ્રુધારે વરસ્તા રહો, કિન્તુ હસ્તા રહો
જિન્દગીના જખમ સૉ કણસ્તા રહો, કિન્તુ હસ્તા રહો
એષણાની ભરી ગાંઠડીને પછી દોડતા રણમાં ચારે તરફ
ધોમ તડકામાં મ્રગજળ તરસ્તા રહો, કિન્તુ હસ્તા રહો
‘રસિક’ મેઘાણી

No Comments »

સનમની સપાટે- ‘રસિક’ મેઘાણી (હઝલ)

મિલન મસ્તી કાઢી સનમની સપાટે
લખેલું હતું કઈંક એવું લલાટે

બુફેમાં થયો લાભ ડાકુ થવાનો
ભરી એણે થાળી ઝપાટે ઝપાટે

હજમ કોણ કરશે, થશે ગેસ કોને
લખ્યું નામ એનું બટાટે બટાટે

સુખી એ થવાનો છે બન્ને ભુવનમાં
પતિ એ કે બેશબ્દ પત્ની જો ડાટે

તમે ભાઈ જોરૂના, બાબાના મામા
પછી મારા જેવો તમારાથી ખાટે ?

અમારૂં તો ગમતું ગયું ગારબેજે*
ને બાળોતિયા સાચવેલા કબાટે

‘રસિક’ એના ઘરપર જવાનું છે જલ્દી**
ઘણા ફોન કીધા છે મહેતા વિરાટે

*કચરામાં
**હયુસ્ટનના સાહિત્ય રસિક જીવ તેમના ઘરે આ હઝલ
મેં વાંચી હતી

1 Comment »

મનોજ ખંડેરિયાને અંજલિ-“રસિક” મેઘાણી

મનોજ એ ગઝલ ગુર્જરીનો પ્રવાસી
મનોજ એ ગઝલના નગરનો નિવાસી
મનોજ એ કે જેણે ગઝલને સુવાસી
મનોજ એ કે જેણે ગઝલને વિકાસી
હવે જેના માટે નયન સૌ ઉદાસી
મનોજ એ નથી આપણી વચ્ચે આજે

મનોજ એ કે ગાયા છે ગીતો ગિરામાં
મનોજ એ હજી પડઘા જેના ઘટામાં
મનોજ એ કે જેનાથી પગલા ઉષાના
મનોજ એ કે જેના પ્રકાશિત જમાના
કવન માટે જેના બધાયે દિવાના
મનોજ એ નથી આપણી વચ્ચે આજે

મનોજ એ જે પ્યારો ધરા ગુર્જરીનો
મનોજ એ ગયો મર્મ દઈ જિંદગીનો
મનોજ એ કે સંદેશ જે સાદગીનો
મનોજ એ ના કેવળ જમાના લગીનો
ભરી રસ ગઝલમાં ગયો વાંસળીનો
મનોજ એ નથી આપણી વચ્ચે આજે

ગઝલ એનું જીવન, ગઝલ એની ધારા
ગઝલ ઓથે કીધા જીવનભર ઉતારા
ગઝલની ઈમારતના ઉંચા મિનારા
સભામાં હતો એ દુબારા દુબારા
ગઝલને નવું જોમ આપી ગયો જે
મનોજ એ નથી આપણી વચ્ચે આજે

હતો પ્રેમી સૌનો, હતો સૌને પ્યારો
સહન જેણે કીધા સમયના પ્રહારો
હવે સાંજ ગોતે ને સઘળી સવારો
મનોજે કર્યો કયાં હવે છે ઉતારો
હજી પણ દિશામાં જે ગુંજે વિચારો
મનોજ એ નથી આપણી વચ્ચે આજે

( ઉદેશ ના સૌજન્યથી )

No Comments »

હવેલીના બારણા

 

 

મિશ્તા સ્મોલી ચિત્ર 1, 2 

જુની છતાં વિરાટ હવેલીના બારણા

ખુલ્લાં કદી જે પ્રેમથી ધબકી રહ્યા હતા

આજે પડેલા કેમ છે સૂના સપનની જેમ

વીટેલ વાદળો છે કાં ત્યાં અંધકારનાં

રસિક મેઘાણી –

No Comments »

રબ યાદ કરતા રહેવું-“રસિક” મેઘાણી

તિમિરની રાતે પ્રકાશ અર્પે, સદા એ રબ યાદ કરતા રહેવું
વિરાટ રણમાં દિશા બતાવે, સદા એ રબ યાદ કરતા રહેવું

તમામ જીવન અથાક ચાલી, હસીને અડચણ ગુજારી દેવા
સુખો મળે કે દુઃખો છતાંયે, સદા એ રબ યાદ કરતા રહેવું

ભટકતા મંઝિલ વગર મુસાફિર,ઉઘાડા આકાશ નીચે રણમાં
અસીમ એને જે તૃપ્તિ અર્પે, સદા એ રબ યાદ કરતા રહેવું

અમીંના ખળખળ વહાવે ઝરણા, અનંત મેદાન ડુંગરોમાં
સિતાર જેની હ્રદયમાં ગુંજે, સદા એ રબ યાદ કરતા રહેવું

બિછાવે લીલોતરી ચમનમાં, સજાવે સુરભીથી ડાળી ડાળી,
સુમનને સૌરભ’રસિક’સમર્પે,સદા એ રબ યાદ કરતા રહેવું

No Comments »

પ્રેમ-“રસિક” મેઘાણી

મેં તને કીધું હતું કે પ્રેમથી છે જિંદગી
મેં તને કીધું હતું કે પ્રેમથી કર બંદગી

મેં તને કીધું હતું કે પ્રેમતો શણગાર છે
મેં તને કીધું હતું કે પ્રેમતો સંસાર છે

મેં તને કીધું હતું કે પ્રેમતો પગથાર છે
મેં તને કીધું હતું કે એથી બેડો પાર છે

મેં તને કીધું હતું કે દ્વેષ નફરત કર નહિ
પ્રેમથી તું જોડ દિલને કોઈથી તું ડર નહિ

મેં તને કીધું હતું કે પ્રેમનો આધાર લે
મુશ્કુરાઈ આંગણામાં પુષ્પનો સત્કાર લે

મેં તને કીધું હતું કે પ્રેમતો આઝાદ છે
નફરતોના જંગલે એ વિણ બધા બરબાદ છે

મેં તને કીધું હતું કે પ્રેમથી આગાઝ કર
જિંદગીના શાંત સાગરમાં તું પેદા સાઝ કર

મેં તને કીધું હતું કે પ્રેમતો બળવાન છે
પુષ્પ સમ કોમળ અને સૌંદર્ય જાજરમાન છે

મેં તને કીધું હતું કે પ્રેમથી રાખ્યા હતા
રામની લીલા હતી જે શબરીએ ચાખ્યા હતા

મેં તને કીધું હતું કે પ્રેમ છે વિશ્રામ પણ
ને અવિરત જીંદગી ભર ચાલતો સંગ્રામ પણ

મેં તને કીધું હતું કે ના પ્રેમના એંધાણ છે
કયાંક ખાડા ટેકરા, કયાંક આરસપા’ણ છે

મેં તને કીધું હતું કે પ્રેમ કેવળ ધ્યેય કર
જિંદગીના ધૂપ છાંયે એના માટે શ્રેય કર

મેં તને કીધું હતું કે પ્રેમમાં થા તરબતર
ભાવભીની લાગણીથી માનવીને પ્યાર કર

મેં તને કીધું હતું કે પ્રેમના તું જામ પી
હસતા હસતા સાથ ત્યારે ઝેરના પણ જામ પી

મેં તને કીધું હતું ભીંજાઈ જા વરસાદમાં
પ્રેમના મોસમમાં વ્યાકુળ કોઈ મીઠી યાદમાં

મેં તને કીધું હતું કે પ્રેમ દીપક બાળજે
ગાઢ કાળી રાતના તું માર્ગને અજવાળજે

મેં તને કીધું હતું દિલ પ્રેમથી તું જીતજે
પુષ્પ હો કે ખાર હો કયારીમાં લોહી સીચજે

મેં તને કીધું હતું કે પ્રેમ એવો રંગ છે
જે ગયો રંગાઈ એના માટે દુનિયા દંગ છે

મેં તને કીધું હતું કે એક વેળા આવશે
ચોતરફ સૌ ગીત ગાશે, પ્રેમ વીણા વાગશે

મેં તને કીધું હતું સાથે મળીને આપણે
પ્રેમ ગીતો ગાઈએ, મોતી સજાવી પાંપણે

મેં તને કીધું હતું કે પ્રેમમાં ઉન્માદ છે
આ ‘રસિક’ની જિંદગી એથી સદા આબાદ છે

No Comments »

એ વિશ્વગુર્જરી છે-“રસિક” મેઘાણી

તમામ દેશોમાં રંગ ભરતો મળે તો એ વિશ્વગુર્જરી છે
સમસ્ત ઉપવન સુગંધી કરતોમળે તો એ વિશ્વગુર્જરી છે

વિરાટ એની છે કર્મભૂમી વિરાટ એની બધી દિશઓ
છતાંય લક્ષ્યે નિતાંત રમતો મળે તો એ વિશ્વગુર્જરી છે.

ન એની ગરમી ન એની ઠંડીબધાય મોસમ છે એના મોસમ.
દુઃખોને ઝીલી હંમેશા હસતો મળે તો એ વિશ્વગુર્જરી છે

ન જીત એનીન હાર એની છતાં અડીખમ એ મરજીવો છે
વમળમાંથી પણ ફરી ઉભરતો મળે તો એ વિશ્વગુર્જરી છે.

નરમ મૃદુમય છે વાણી એની સવેદનાશિલ હ્રદય છે એનું
સમગ્ર માનવથી પ્રેમ કરતો મળે તો એ વિશ્વગુર્જરી છે

નગર સિમાડા ન એના બંધન અસીમ રસ્તાનો છે પ્રવાસી
અથાક વગડામાં ડગલા ભરતો મળે તો એ વિશ્વગુર્જરી છે

ધરા યુગોથી રસિક છે ધામો છતાંય આકાશ લક્ષ્ય આજે
અનંત અવકાશમાં વિહરતો મળે તો એ વિશ્વગુર્જરી છે*
*આ શેર નાશા(હ્યુસ્ટન)ના વિજ્ઞાનીક ડો. કમલેશ લુલાને અર્પણ

No Comments »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help