Archive for February, 2008

નથી લખાતું -‘રસિક’ મેઘણી

સતત લખું છું સવાર સાંજે, પરંતુ આજે નથી લખાતું
લખી લખીને જખમ હું થાકયો, હવે વધારે નથી લખાતું

ઘણીજ ઈચ્છા કરું છું લખવાની ચાદ, સૂરજને તારલા પણ
કસમ તમારા, તમારા વિણ કઈં અમારા હાથે નથી લખાતું

ઉકેલવા જિંદગીના ભેદો, કરું છું હું પણ પ્રયાસ કિન્તુ
તુષાર જોઈ લઉં છું જ્યારે, સવારે ત્યારે નથી લખાતું

ઘણું લખ્યું છે, ઘણું લખાશે, લખી લખી થાકવાનો કિન્તુ
શરૂથી જેની મેં ઈચ્છા કીધી, હજી જરાયે નથી લખાતું

હસીને દિવસો ગુજારી દીધા, રડીને રાતો ગુજારી દીધી
શરીર કંપે, બધુંય ઝાખું , હવે જરાયે નથી લખાતું

તડપતા દિવસો ગયા મિલનના, વિરહની વાતો રહી ગઈ છે
કદાચ એથી ‘રસિક’ આ સાંજે, ભલે પધારે નથી લખાતું

No Comments »

તો આમ લખવું

વિખૂટા થઈ જો સફરમાં જાવું, વિરહના દિવસો તો આમ લખવું
કદમ કદમની બધીજ વાતો, જરા જરા પણ તમામ લખવું

જવાબ મેળવવો હો તમોને, તો પત્રના આરંભે આમ લખવું
મકામ સરનામું ખુદનું લખવું, ને ગામનું પુરૂં નામ લખવું

પ્રથમ તમોને જે લખ્યો કાગળ, હજી સુધી યાદ આવે અમને
લખી લખી છેક ભૂંસ કરવી, સહી કરી છેલ્લે નામ લખવું

બધી એ વાતો, બધી એ રાતો, બધી મુલાકાત યાદ આવે
સુમન સમર્પી કલામ કરવું, ને અશ્રુ સારી સલામ લખવું

લખી શકો, લખવું સ્વચ્છ અક્ષર, સળંગ લીંટીને શબ્દ નોખા
ન ઝીણું લખવું, ન જાડું લખવું,ન તેમ લખવું, ન આમ લખવું

નસીબે એવી પરીક્ષા કીધી, રડી રડીને ગુજાર્યુ જીવન
હસી મળી તો કદીક એવી, હસીને જાણે ઈનામ લખવું

‘રસિક’ અમે છીંએ ચાલનારા, સતત ભ્રમણ છે અમારૂં જીવન
જો થાકી બેસી જવું પડે તો, પ્રશાંત એને વિરામ લખવું

No Comments »

એ સૌરભ પ્રસારવા દો

જે માટે રોતી રહી બહારો, ફરી એ સૌરભ પ્રસારવા દો
ખિઝાં ઉજાડી ગઈ જે રંગત, ચમનમાં એને નિખારવા દો

નથી વિસામો અરણ્ય પંથે, સુમન, કળી કે ન પાંદડાં છે
છતાં છે કંટકનો છાંયડો ત્યાં, બપોર તપતી ગુજારવા દો

વળી ગઈ કેડ બોજ ખેંચી, જીવનની સાંજે ગયો છું થાકી
સમીપમાં ના ઉતારો કિન્તુ કયાંક એને ઉતારવા દો

વદન દુઃખી હો કે હોય હર્ષિત,ગમન કે હો આગમન તમારૂં
રૂદનની આદત પડી છે તેથી, નયનને અશ્રુઓ સારવા દો

મકામ છેટે, અજાણ્યો પંથક, સમય છે ઓછો, હવે હે દોરક
જરાય રોકો ન કાફલાને, ઝડપ કદમની વધારવા દો

ચમનનું વાતાવરણ બદલશે, વસંતમાં પાનખર પલટશે,
હજી ‘રસિક’ થોડું ધૈર્ય રાખો, સુમનને સૌરભ પ્રસારવા દો

No Comments »

પારકાથી જોડવા-“રસિક” મેઘાણી

એક બંધન પારકાથી જોડવા
આપણા સગપણ ઘણાં સંકોરવા

એક ઈચ્છાને દિવસભર ગોતવા
મગફળીના ખાલી ખોખા ફોલવા

પ્રેમમાં ભંગૂર જીવન એટલે
કાચના કટકા ફરીથી જોડવા

જિંદગીને મૌનનાં રણમાં ગળી
ધોમ તપતી ધૂપમાં વાગોળવા

ડૂબતી સંધ્યા સમય બેવડ વળી
ખોઈ નાખ્યા કયાં દિવસ એ ગોતવા

ધોળી એવી એક ચાદર ઓઢવી
રાત કાળી કાંપતી સંતાડવા

પાણી માફક આંસુઓને ઢોળવું
યાદનું એકાંતને સંવેદના

પ્રેમની યાદો બધી લખવા ‘રસિક’
રક્ત શાહીમાં કલમને બોળવા

1 Comment »

ઉડાવી લઈ જાશું

હવાના સંગમાં ખુશ્બૂ ઉડાવી લઈ જાશું
તમારા પ્રેમના પુષ્પો સજાવી લઈ જાશું

કદી હસી, કદી અશ્રુ વહાવી લઈ જાશું
તમારા પંથમાં ખુદને ખપાવી લઈ જાશું

તમારા પ્રેમમાં પાગલ બનાવી દેશો તો
અમારા જખ્મના પથ્થર સજાવી લઈ જાશું

બપોરે તડકો મળે ધોમ ધગતા રસ્તે જો
વિરાટ હામના વાદળ ઉઠાવી લઈ જાશું

તિમિરમય રાતે એ ઠરશે કદી ન આંધીમાં
અમારા રકતની જ્વાળા જલાવી લઈ જાશું

તમારો સાથ મળી જાય આખા રસ્તે જો
તો બંને સાથ ક્ષિતિજને ઉઠાવી લઈ જાશું

નસીબે ડુંગરો દુથખના અગર મળી જાશે
‘રસિક’ તો ધૈર્યના શસ્ત્રો સજાવી લઈ જાશું

No Comments »

પાછો ફર્યો છું હું

કોણે કહ્યું કે અડધેથી પાછો ફર્યો છું હું
આખી લડાઈ એકલા હાથે લડયો છું હું

જીવન સફરમાં જેમને જ્યાં જ્યાં નડયો છું હું
છેવટ નજરમાં એમની સાચો ઠર્યો છું હું

ઓ સ્વપ્નની ધરા, તૂટે ભરમ ન કયાંક
કાંઠા નજીક એટલે ડૂબી ગયો છું હું

ગૌહર સ્વરૂપે એટલે શોભું ગળાનો હાર
પથ્થરની જેમ કયાં તને રસ્તે જડયો છું હું

તારા સિવાય કોઈની પરવા નથી મને
દુનિયાની એટલે ભલે નજરે ચડયો છું હું

નફરતના બીજ બાળીને કીધા બધા દફન
એના પછીજ પ્રેમના રસ્તે ચડયો છું હું

સપનાંઓ જોઈ જોઈને થાકયો હવે ‘રસિક’
આંખોમાં ઊંઘ છે અને જાગી રહ્યો છું હું

No Comments »

કઇં ગમ ન રે’શે

તમારી યાદના કઇં ગમ ન રે’શે
જખમ દિલના કદી કાયમ ન રે’શે

ન મળવાની કસમ ખાદ્યા છે કિન્તુ
તમોને જોઈને સંયમ ન રે’શે

હયાતી સાથ જાશે રાત કાળી
જમાનો એ પછી જાલમ ન રે’શે

કિનારો પાસ પણ ડૂબી જવાના
તું જો મુજ નાવનો માલમ ન રે’શે

નથી રે’તી સદા વરસાદની રૂત
તમારી યાદના મોસમ ન રે’શે

અમવસ્યાની દિ’ રહ્યા નથી તો
બદ્યી રાતો ‘રસિક’ પૂનમ ન રે’શે

No Comments »

વાદળ થાશે

ઉકળી વ્યથાઓ વાદળ થાશે
આંખથી ટપકી ઝાકળ થાશે

કોઈ જો રસ્તે થાકી જાશે
કોઈ તો વાટમાં વિહવળ થાશે

મારા દિલને બાળી બાળી
તારી આંખનું કાજળ થાશે

ચૈતરના પણ દિવસો મારા
તારા સંગમાં શીતળ થાશે

આજ વિપળમાં યુગનું જીવન
કાલ ગણો તો બે પળ થાશે

ઝેર સભર છે જીવન પ્યાલો
અમૃતરસ પણ નિષ્ફળ થાશે

પુષ્પ છે એ તો પુષ્પ જ રે’શે
કાંટા કદી ના કોમળ થાશે

થાય ‘રસિક’ જો પ્રેમ પૂજારી
મારૂં દિલ પણ દેવળ થાશે

No Comments »

એટલો નો’તો

કદાચિત પ્યાલો એ મયથી ભરેલો એટલો નો’તો
કદમ એથી ડગેલો પણ ડગેલો એટલો નો’તો

તમારા પ્રેમનો પ્યાલો ભરેલો એટલો નો’તો
જખમ દિલનો હજી તાજો થયેલો એટલો નો’તો

કદી જો સાદ આપો તો વળીને જોઉં ના પાછો
તમારી વાટમાં થાકી ગયેલો એટલો નો’તો

ખરેખર એણે તારા રૂપને જોયું હશે નહિંતર
કદી પણ ચંદ્રમાં ઝાંખો પડેલો એટલો નો’તો

ફકત હું એકલો મંઝિલ વિહોણો રહી ગયો શાને
બધાથી માર્ગમાં નોખો પડેલો એટલો નો’તો

મને જોઈને કાં પથ્થર ઉઠાવે ગામના લોકો
હજી હું પ્રેમના પંથે ગયેલો એટલો નો’તો

હવે થાકી ગયો છું, સાંજ પણ છે, દૂર મંઝિલ પણ
કદીયે માર્ગ મારો વિસ્તરેેલો એટલો નો’તો

‘રસિક’ હરપળ વિતાવે છે કયામત જેમ તડપીને
તમારી યાદમાં જોકે રડેલો એટલો નો’તો

No Comments »

મહારણ છે સામે રસ્તામાં

ઝરે   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં
બધે   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં

તમામ  એકલો  તડકામાં   છોડી   ચાલી  ગયા
હવે   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં

ઉઘાડા   આભ   અને   શૂન્ય  સમ  દિશ  વચ્ચે
મને   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં

ઊકળતી   ધૂપમાં   થાકું  ન    ચાલી    ચાલીને
ભલે   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં

હવે  તો  થાકી  ગયા   દોડી   ઝાંઝવાં   પાછળ
ભમે   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં

છે   ઘાવ  ઘાવ  બદન, તાર  તાર  વસ્ત્રો  પણ
અને   તરસ   છે, મહારણ   છે  સામે  રસ્તામાં

ક્ષિતિજને આંબી  શકું છું  વિપળમાં કિન્તુ ‘રસિક’
નડે   તરસ   છે,  મહારણ   છે  સામે  રસ્તામાં

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.